Get The App

ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વાસણા વોર્ડમાં ૩૪ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા મંજૂરી

હયાત શહીદવન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સાત કરોડના ખર્ચે વીસ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
ગ્રીન બેલ્ટ વિસ્તારમાં  વાસણા વોર્ડમાં  ૩૪ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા મંજૂરી 1 - image


અમદાવાદ,બુધવાર,1 જાન્યુ,2025

અમદાવાદના વાસણા વોર્ડમાં ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વિકાસની પરવાનગી આપવામાં આવતા રૃપિયા ૩૪.૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા પાણી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વોર્ડમાં આવેલા હયાત શહીદવન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં રૃપિયા સાત કરોડના ખર્ચે વીસ લાખ લીટર ક્ષમતાની  પાણીની ઓવરહેડટાંકી બનાવવા પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

વાસણા વોર્ડમાં છેવાડાના વિસ્તાર દક્ષિણ પશ્ચિમ તથા પશ્ચિમ ઝોનની હદ જોડે મલાવ તળાવથી વાસણા ગામ સુધીનો વિસ્તાર ગ્રીનબેલ્ટમા આવેલો હતો.આ વિસ્તારમાં વિકાસની પરવાનગી મળતા ટી.પી.સ્કીમ નંબર-૨૬ના ફાઈનલ પ્લોટ નંબર-૩૯૩-૧માં રૃપિયા ૩૪.૭ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા કોન્ટ્રાકટર બી.ડી.સોરઠીયા જેવી લાખાણી એન્જિનિયર્સ એન્ડ ઓર્ગેનાઈઝેશનને કામગીરી આપવા પાણી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.કમિટી ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,આ વિસ્તારમાં વર્ટીકલ ડેવલપમેન્ટ ચાલુ થતા  છેવાડાના અમુક વિસ્તારમાં પાણી ઓછા પ્રેસરથી મળતુ હોવાની ફરિયાદ તંત્રને મળી રહી છે.મલાવ તળાવથી વાસણા ગામ સુધીના વિસ્તારમાં ૯૮ લાખ લિટર ક્ષમતા સાથેની પંપ હાઉસ સાથેની પાણીની ભૂગર્ભ તથા ૨૫ લાખ લિટર ક્ષમતાની પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા મંજૂરી આપવામાં આવી છે.ભવિષ્યમાં થનારા વિકાસ મુજબ અંદાજે ૮૦ હજારની વસ્તીને લાભ થશે.કમિટી દ્વારા વાસણા વોર્ડમાં આવેલા હયાત શહીદવન  વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં રૃપિયા ૭.૨૪ કરોડના ખર્ચે વીસ લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા કોન્ટ્રાકટર બી.ડી.સોરઠીયા એન્ડ કુ.ને કામગીરી આપવા દરખાસ્ત મંજૂર કરી છે.આ નિર્ણયથી આશરે બે ચોરસ કીલોમીટર વિસ્તારમાં ભવિષ્યના વિકાસ મુજબ અંદાજે ૪૦ હજાર જેટલી વસ્તીને લાભ થશે.

સ્ટેડિયમ વોર્ડમાં ૧૮ કરોડના ખર્ચે પમ્પહાઉસ સાથે પાણીની ટાંકી બનાવાશે

શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા કેશવનગર વિસ્તારમાં આવેલા  હયાત વોટર ડિસ્ટ્રીબ્યુશન ખાતે ઓગમેન્ટેશન કરવાના ભાગરુપે ૪૨.૪૦ લાખ લિટર ક્ષમતાની પમ્પહાઉસ સાથેની પાણીની ભૂગર્ભ ટાંકી તથા ૨૫ લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી બનાવવા દરખાસ્ત પાણી સમિતિએ મંજૂર કરી છે.રૃપિયા ૧૮.૬૩ કરોડના ખર્ચથી આ કામગીરી કોન્ટ્રાકટર પી.દાસ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને આપવામાં આવી છે.

અમદાવાદના ચાર ઝોનમાં ૮ કરોડના ખર્ચે ડ્રેનેજલાઈન ડીસિલ્ટીંગ કરાશે

શહેરના ચાર ઝોન કે જેમાં  ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ, મધ્ય તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનના અલગ અલગ વોર્ડ વિસ્તારમાંથી ચોમાસાની મોસમમા  ડ્રેનેજ ટ્રંક મેઈન લાઈનોમાં બેકીંગની સમસ્યા જોવા મળતી હોય છે.જુદા જુદા વોર્ડમાં આવેલી વરસાદી પાણીની લાઈન તથા ડ્રેનેજ લાઈન સુપર સકર મશીનથી ડીસિલ્ટીંગ કરવા રૃપિયા ૮.૫૪ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર અરુણકુમાર ગોયલને અંદાજીત ભાવથી સાત ટકા વધુ ભાવથી કામગીરી આપવા પાણી સમિતિએ દરખાસ્ત મંજૂર કરી છે.


Google NewsGoogle News