Get The App

સુરક્ષા અને સલામતીના નામે AMC એ દસ વર્ષમાં સિકયુરીટી પાછળ ૨૪૪ કરોડનું આંધણ કર્યુ

શહેરના વિવિધ ગાર્ડનમાં ટેન્ડરની શરત મુજબ સિકયુરીટી ગાર્ડ નહીં મુકાતા તત્કાલિન કમિશનરે કરેલી પેનલ્ટીની વિગત છુપાવાઈ

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
સુરક્ષા અને સલામતીના નામે AMC એ દસ વર્ષમાં સિકયુરીટી પાછળ ૨૪૪ કરોડનું આંધણ કર્યુ 1 - image


અમદાવાદ,બુધવાર,26 ફેબ્રુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ બિલ્ડિંગમાં સુરક્ષા અને સલામતીના નામે તંત્રે દસ વર્ષમાં સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સર પાછળ રુપિયા ૨૪૪.૮૪ કરોડનું આંધણ કર્યુ છે. બાર એજન્સીઓ ૧૮૫૧ જેટલા સિકયુરીટી ગાર્ડસ પુરા પાડે છે. એજન્સીઓ તરફથી મુકાયેલા બિલોમાં પોઈન્ટ વાઈસ ચકાસણી કરાતા ગેરરીતી જોવા ના મળતા એકપણ એજન્સીને બ્લેકલિસ્ટ નહીં કરાઈ હોવાનો મ્યુનિ.તંત્ર તરફથી દાવો કરાયો છે.હકીકત એ છે કે, તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડરની શરત મુજબ વિવિધ ગાર્ડનમાં સિકયુરીટી ગાર્ડ મુકાતા નહીં હોવાથી બાર એજન્સીઓને ૬૭ લાખથી વધુની રકમની પેનલ્ટી કરી હતી જે વિગત તંત્રે છુપાવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ, ઝોન ઓફિસ ઉપરાંત વિવિધ હોસ્પિટલ તથા ગાર્ડન સહીતની જગ્યાઓમાં બાર એજન્સીઓ પાસેથી સિકયુરીટી ગાર્ડસ અને બાઉન્સર સુરક્ષા અને સલામતી માટે મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસ તરફથી ટેન્ડર કરી મંગાવવામાં આવતા હોય છે.બજેટ સત્ર દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે દસ વર્ષમાં સિકયુરીટી અને બાઉન્સર મ્યુનિ.હસ્તકના વિવિધ બિલ્ડિંગોમાં મુકવા પાછળ તંત્ર તરફથી કરવામાં આવેલા ખર્ચ અને એજન્સીઓને કરવામા આવેલી પેનલ્ટીની માહીતી માંગી હતી. સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સર મુકવા માટે એજન્સીઓને ચૂકવાયેલી રકમની વિગત તો અપાઈ.પરંતુ સેન્ટ્રલ ઓફિસની સિકયુરીટી બ્રાંચ તરફથી એવો દાવો કરાયો છે કે વર્ષ-૨૦૧૫થી ૨૦૨૪ સુધીના સમયમાં બાર એજન્સીઓએ રજૂ કરેલા બિલોમાં એકપણ ગેરરીતી નહીં જણાતા કોઈને બ્લેક લિસ્ટ કરાઈ નથી.પરંતુ કઈ એજન્સીને ટેન્ડરની શરત મુજબ સિકયુરીટી ગાર્ડ નહીં મુકવા બદલ કેટલી રકમની પેનલ્ટી કરાઈ એ વિગત ઉપર ઢાંકપિછોડો કરાયો છે.

એજન્સીઓને કયા વર્ષમાં કેટલી રકમ ચૂકવાઈ?

વર્ષ    રકમ(કરોડમાં)

૨૦૧૫ ૧૬.૩૨

૨૦૧૬ ૧૫.૩૬

૨૦૧૭ ૧૬.૧૫

૨૦૧૮ ૧૫.૪૪

૨૦૧૯ ૧૩.૮૭

૨૦૨૦ ૩૧.૬૬

૨૦૨૧ ૩૭.૩૯

૨૦૨૨ ૩૪.૯૩

૨૦૨૩ ૪૪.૧૦

૨૦૨૪ ૧૯.૫૭

કુલ     ૨૪૪.૮૪

તત્કાલિન કમિશનરે કઈ એજન્સીને કેટલી પેનલ્ટી કરી હતી?

એજન્સી કરાયેલી પેનલ્ટી(લાખમાં)

એસ્કોર્ટ         ૩૨૭૬૦૦

શિવ            ૯૯૬૦૦૦

ડોકસન્સ        ૬૮૦૪૦૦

શકિત          ૨૭૩૦૦૦

રાજપૂત        ૭૧૬૪૦૦

એમકે          ૬૨૭૬૦૦

યુનિક          ૪૬૮૬૦૦

શકિત પ્રોટેકશન  ૪૩૨૦૦૦

પેન્થર          ૩૯૦૦૦૦

ગુજરાત        ૮૦૪૬૦૦

પરફેકટ         ૬૦૭૨૦૦

બાલાજી        ૪૪૫૮૦૦

કુલ             ૬૭૬૯૨૦૦



Google NewsGoogle News