Get The App

વર્ષ-૨૦૨૪-૨૫ના અમદાવાદ મ્યુનિ.બજેટમાં કમિશનરે જાહેર કરેલા ૫૫૦૧ કરોડના કામ પૈકી હજુ સુધી ૬૦ ટકા કામ થયાં

તમામ સાત ઝોન માટે રુપિયા ૬૫૦ કરોડના બજેટની ફાળવણી કરાઈ હતી,નવેમ્બર અંત સુધીમાં ૧૭૧ કરોડનો ખર્ચ કરાયો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News

અમદાવાદ,ગુરુવાર,2 જાન્યુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૪-૨૫ માટે વાર્ષિક બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે રુપિયા ૫૫૦૧ કરોડના વિકાસકામ જાહેર કર્યા હતા.આ સામે ડિસેમ્બર અંત સુધીમાં રુપિયા ૩૩૦૦ કરોડના કામ જ પુરા થઈ શકયા છે.શહેરના તમામ સાત ઝોન માટે રુપિયા રૃપિયા ૬૫૦ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી હતી. જે સામે નવેમ્બર અંત સુધીમાં રુપિયા ૧૭૧.૮૮ કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો હતો. ઝોન કક્ષાએ પ્રાથમિક સુવિધાના કામ થતા નહીં હોવાની કરવામાં આવતી રજૂઆત યથાર્થ પુરવાર થઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪ માટેના વાર્ષિક  આવક તથા ખર્ચના હિસાબને મંજૂરી આપવામાં આવી હતી.દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ માટે રુપિયા ૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટમાં વિકાસકામો માટે રૃપિયા ૫૫૦૧ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.જે સામે ડિસેમ્બર મહીનાના અંત સુધીમાં રુપિયા ૩૩૦૦ કરોડના કામો પુરા કરી શકાયા છે. નાણાંકીય વર્ષ પુરુ થવામાં હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહયો છે. આ પરિસ્થિતિમાં બાકીના ચાલીસ ટકા કામ પુરા થઈ શકશે કે કેમ તે ઉપરાંત વર્ષ-૨૦૨૩-૨૪ મ્યુનિસિપલ કમિશનરે રીવાઈઝ બજેટમાં ૨૫ ટકા સુધીનો વધારો સુચવ્યો હતો તે વર્ષ-૨૦૨૫-૨૬માં ઘટાડો કરવો પડે એમ છે.વર્ષ-૨૦૨૩-૨૪ના વર્ષમાં રુપિયા ૭૦૩૮ કરોડની  રેવન્યુ આવક સામે રુપિયા ૯૫૦૮ કરોડનો ખર્ચ કરવામા આવ્યો હતો.વર્ષ-૨૦૨૩-૨૪માં રુપિયા ૩૭૮૩ કરોડની કેપીટલ આવક સામે રુપિયા ૪૫૬૦ કરોડનો કેપીટલના કામ માટે ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ છતાં ૩૧ માર્ચ-૨૦૨૪ની સ્થિતિએ રુપિયા ૮૭૬ કરોડ જેટલી રકમ રેવન્યુ પ્લસ હતી. આમ થવા પાછળ મ્યુનિ.ના ચીફ એકાઉન્ટન્ટ અમિષ શાહે કહયુ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પ્લોટનુ વેચાણ કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત ગૃડા હેઠળ ઈમ્પેકટ ફી પેટે આવક થઈ.આમ નોનટેકસ રેવન્યુમાં વર્ષ-૨૦૨૩-૨૪ના વર્ષમાં વધારો થવા પામ્યો હતો.મ્યુનિ.કમિશનરે ડ્રાફટ બજેટમાં રેવન્યુ આવક પેટે રુપિયા  ૭૬૫૦ કરોડ જમા થવાનો અંદાજ મુકયો હતો.જે સામે નવેમ્બર મહિનાના અંત સુધીમાં રેવન્યુ આવક પેટે મ્યુનિ.તિજોરીમાં રુપિયા ૪૬૦૯ કરોડ જ જમા થયા હતા. રુપિયા ત્રણ હજાર કરોડ જેટલી રકમ આવકમાં ઘટ છે.જે ત્રણ મહિનાના સમયમાં જમા થાય એવી શકયતા નહિવત છે.

દર મહિને ૬૧ કરોડ amts,svp,janmarg ને ગેપ ફંડ અપાય છે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને ચલાવવા દર મહિને રુપિયા ૩૨ કરોડ, એસ.વી.પી.હોસ્પિટલને ચલાવવા દર મહિને રુપિયા ૧૭ કરોડ તેમજ જનમાર્ગ(બી.આર.ટી.એસ.)ને દર મહિને રુપિયા ૧૨ કરોડ જેટલી રકમ ગેપ ફંડ તરીકે  મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે.

૩૧-માર્ચ-૨૦૨૫ પહેલાં  આવકના લક્ષ્યાંક સામે મ્યુનિ.તંત્ર સામેના પડકાર

૧.ઓકટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ ૪૦૦ કરોડની આસપાસ જ મળી શકે એમ છે

૨.પ્રોપર્ટી ટેકસ,પ્રોફેશનલ ટેકસ તથા વ્હીકલ ટેકસની મળી અત્યારસુધીમાં ૧૬૧૯ કરોડ આવક થઈ છે આ આવકમાં ત્રણ મહિનામાં અંદાજે રૃપિયા ૫૦૦ થી ૬૦૦ કરોડનો વધારો થઈ શકે એમ છે

૩.નોન ટેકસ રેવન્યુ પેટે મ્યુનિ.કમિશનરે રૃપિયા ૨૨૩૩ કરોડનો અંદાજ મુકયો હતો.નવેમ્બર અંત સુધીમાં રૃપિયા ૧૦૧૫ કરોડ જેટલી આવક થવા પામી હતી.

મ્યુ.કોર્પોરેશન ફંડમાંથી પ્રોજેકટ વિભાગના રુપિયા ૩૮૫ કરોડના જ કામ થયા

વર્ષ-૨૦૨૪-૨૫ના મ્યુનિ.કમિશનરના બજેટમાં રૃપિયા ૫૫૦૧ કરોડના વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી હતી.જો કે નવેમ્બર-૨૪ અંત સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડમાંથી પ્રોજેકટ વિભાગના માત્ર રુપિયા ૩૮૫.૫૬ કરોડના જ કામ થઈ શકયા હતા.જયારે ઈજનેર વિભાગમાં રુપિયા ૫૫૭.૪૪ કરોડના જ કામ પુરા કરી શકાયા હતા.સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત રુપિયા ૧૮૧૫ કરોડના વિકાસકામ કરવાના હતા.નવેમ્બર અંત સુધીમાં રુપિયા ૮૫૩ કરોડના જ કામ પુરા કરી શકાયા હતા.સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા  ૪૨૫ કરોડ ગ્રાન્ટ પેટે ચૂકવવામાં આવ્યા છે.


Google NewsGoogle News