અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં ગેરકાયદે ૫૩૬ વૃક્ષ કપાવવા બદલ બે એડ એજન્સીને રુપિયા ૧ કરોડનો દંડ

જાહેરાતના બોર્ડ દેખાય એ માટે ઝવેરી એન્ડ કંપનીએ ૫૧૨,ચિત્રા(બી) પબ્લિસિટી કંપનીએ ૨૪ વૃક્ષ કપાવ્યા,૪ હજારવૃક્ષનો ઉછેરખર્ચ ભોગવવો પડશે

Updated: May 30th, 2024


Google NewsGoogle News
અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં ગેરકાયદે ૫૩૬ વૃક્ષ કપાવવા બદલ બે એડ એજન્સીને રુપિયા ૧ કરોડનો દંડ 1 - image


અમદાવાદ,ગુરુવાર,30 મે,2024

પોતાની જાહેરખબરના બોર્ડ દેખાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ઝવેરી એન્ડ કંપની તથા ચિત્રા(બી) પબ્લિસિટી નામની બે એડ એજન્સીએ કુલ મળીને ૫૩૬ વૃક્ષ ગેરકાયદે વૃક્ષ કપાવતા બંને એજન્સીને મ્યુનિસિપલ કોર્પોરેશને રુપિયા પચાસ-પચાસ લાખનો દંડ ફટકાર્યો છે.મ્યુનિ.ના ગાર્ડન વિભાગ દ્વારા ફરીથી કુલ ચાર હજાર વૃક્ષ વાવવામા આવશે.આ વૃક્ષનો બે વર્ષ સુધીનો ઉછેર ખર્ચ પણ આ બંને એજન્સીઓને ભોગવવો પડશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ઝવેરી એન્ડ કંપની લીમીટેડને મ્યુનિ.હદ વિસ્તારમાં આવેલા સ્ટ્રીટ પોલ ઉપર કિઓસ્ક દ્વારા જાહેરાત કરવાનો પરવાનો ટેન્ડરથી આપવામાં આવ્યો છે.મ્યુનિ.ના ગાર્ડન વિભાગ દ્વારા રોડની વચ્ચે ડિવાઈડરમાં મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.ગાર્ડન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામા આવતા ટેન્ડરની શરતનો ભંગ કરી જાહેરાત દેખાય એ માટે ગેરકાયદે વૃક્ષ કપાવવામા આવ્યા હોવાનુ ધ્યાનમાં આવ્યુ હતુ.રોડ ઉપર લગાવવામા આવેલા વૃક્ષોને કપાવવા બદલ રુપિયા પચાસ લાખના દંડની રકમ સાત દિવસમાં એસ્ટેટ જાહેરખબર વિભાગમાં જમા કરાવવા આ એડ એજન્સીને એસ્ટેટ મધ્યસ્થ વિભાગ તરફથી નોટિસ ફટકારાઈ છે.આ ઉપરાંત ચિત્રા પબ્લિસિટી(બી) શહેરમાં ગેંટ્રી દ્વારા જાહેરાત કરવાનો પરવાનો આપવામા આવ્યો હતો.આ એડ એજન્સીએ પણ પોતાની જાહેરખબર દેખાય એ માટે ગેરકાયદેસર વૃક્ષ કપાવ્યા હોવાનુ ગાર્ડન વિભાગની તપાસમાં બહાર આવ્યુ હતુ.ગાર્ડન વિભાગ બંને એડ એજન્સીએ જે વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષ કપાવ્યા છે તે સ્થળે બે-બે હજાર વૃક્ષ ફરીથી વાવશે.જે વૃક્ષોનો બે વર્ષનો નિભાવ ખર્ચ આ બંને એડ એજન્સીઓએ ભોગવવો પડશે એ પ્રમાણેની નોટિસ બંને એજન્સીને એસ્ટેટ મધ્યસ્થ વિભાગ તરફથી આપવામા આવી છે.

ઝવેરી અને ચિત્રા પબ્લિસિટીએ કયા વિસ્તારમાં કેટલા વૃક્ષ ગેરકાયદેસર કપાવ્યા?

સ્થળ                           કપાવેલા વૃક્ષ

સાણંદ ચોકડી- સનાથલ સેન્ટ્રલ વર્જ    ૨૧૪

વાયએમસીએ-કાકેદા ધાબા              ૭૫

એલ.જે.થી ઝીવીરી સર્કલ               ૧૮૮

એશીયન સ્કૂલથી જે-૧૮ એપાર્ટ.સુધી    ૩૫

સોલાબ્રિજથી શુકન મોલ સુધી           ૧૭

અંકુરથી કામેશ્વર મહાદેવ સુધી          ૦૭    

 


Google NewsGoogle News