એકાદ-બે વર્ષમાં એક પણ નગર પાલિકામાં કાયમી કર્મચારી નહીં હોય, ફાયર બ્રિગેડમાં પણ જગ્યાઓ ખાલી
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સફાઈ કામદારોની બદલી પ્રથા અમલમાં, ગુજરાતમાં નહીં
Gujarat Municipal Corporation : ગુજરાતમાં નગરપાલિકાઓમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, આખીય પાલિકાનું તંત્ર રોજમદારોના સહારે ચાલી રહ્યુ છે. કાયમી કર્મચારીઓ ધીરે ધીરે નિવૃત થઈ રહ્યા છે તે જોતા એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એકાદ બે વર્ષમાં નગરપાલિકાઓમાં એકેય કાયમી કર્મચારી નહી હોય.
નગરપાલિકામાં ઘણાં વખતથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી પરિણામે રોજમદારોથી કામ ચાલી રહ્યુ છે. આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મચારીઓ પર પાલિકાનું તંત્ર ચાલી રહ્યુ છે. આ ઉપરાંત વર્ષોથી નોકરી કરતાં રોજમદારો હવે કાયમી નોકરી માટે કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે પરિણામે કોર્ટમાં કેસોની ભરમાર છે. આ જોતા સરકારને પણ કાયદાકીય લડત માટે લાખોનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ બધીય મથામણ છતાંય સરકારને ભરતી કરવાનું સુઝતુ નથી. આજે મોટાભાગની પાલિકા રોજમદારોના સહારે છે.
ઓફિસર તરીકે કરાર આધારિત નાયબ કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદારની નિમણુંક કરવામાં આવી રહી છે. હવે આ મામલે વિરોધ થઈ રહ્યો છે. એવી માંગ ઉઠી છેકે, 7 વર્ષથી વધુ વર્ષના કાયમી કર્મચારીની ખાતાકીય પરીક્ષા લઈ ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવી જોઇએ. વહીવટી અનુભવને કારણે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. કેટલીય પાલિકામાં ફાયર બ્રિગેડમાંય જગ્યાઓ ખાલી પડી છે.
સ્વચ્છ ભારત મિશન એ પાલિકામાં વહીવટનો એક હિસ્સો બન્યો છે ત્યારે પાંચ વર્ષ પુરા થયાં હોય તેવા કર્મચારીને રેગ્યુલર પોસ્ટિંગ આપી કાયમી નોકરીના લાભ આપવા માંગ કરાઈ છે. આમ, નગરપાલિકા કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરીને નગરપાલિકાઓમાં તાકીદે ભરતી કરવા રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં જનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કરાયું હતું. જાણકારોના મતે, નાગરિકના જન્મથી મૃત્યુ સુધીની અને સરકારની વિવિધ સેવાઓ મહાનગરપાલિકા અને પંચાયતોની જેમ સમાન હોવા છતાં ભેદભાવ રખાઈ રહ્યો છે.
તબીબી, ઘરભાડા, સ્થાનિક વળતર, જૂથ વીમા રક્ષણની રકમમાં વધારો વગેરે મુદ્દા પણ ઉકેલાઈ રહ્યા નથી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લઘુતમ મહેકમ પણ ઓછું અપાય છે અને વારંવાર જગ્યાઓ માટેનો સમયગાળો લંબાવવો પડે છે તે સ્થિતિમાં કાયમી ભરતી કરાઈ રહી નથી. સરકારને વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોની અવગણના થાય છે.
'નગરપાલિકા પસંદગી બોર્ડ' થકી ભરતી કરવા રજૂઆત કરાઇ
રાજ્યમાં મોટાભાગની નગરપાલિકાઓમાં કાયમી કરામચારીઓની અછત વર્તાઇ રહી છે. રોજમદારો થકી પાલિકાનું તંત્ર ધમધમી રહ્યુ છે. આ સંજોગોમાં નગરપાલિકા પસંદગી બોર્ડ બનાવી ભરતી કરવી જોઇએ તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારી-અધિકારીની બદલી-બઢતીની સત્તા પ્રાદેશિક કમિશનરને આપવી જોઈએ. સરકારને ઓઉટસોર્સિંગ એજન્સીઓને કરોડો ચૂકવીને રોજમદારોથી કામ કરાવવું પોસાય છે પણ કાયમી ભરતી કરવાનું સૂઝતું નથી.
રાજસ્થાન, મહારાષ્ટ્ર, મ. પ્રદેશમાં સફાઈ કામદારોની બદલી પ્રથા અમલી, ગુજરાતમાં નહીં
એવી પણ રજૂઆત કરાઈ છેકે, પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સફાઈ કામદારોની જીલ્લા ફેર બદલી કરવામાં આવે છે. જોકે, આ બદલી પ્રથાનો ગુજરાતમાં અમલી નથી. જો જીલ્લાફેર બદલી કરવામાં આવે તો ગુજરાતમાં નગરપાલિકામાં કામ કરતાં હજારો સફાઈ કામદારોને તેનો ફાયદો મળી શકે તેમ છે.