Get The App

શહેરના ૪૮ વોર્ડ વિસ્તારમાં ૪૫ હજાર ટન કપચી વપરાઈ છતાં કેટલાં ખાડા પુર્યા , તંત્રને ખબર નથી

રોડ કમિટીની બેઠકમાં અધિકારીઓએ ચેરમેનને કહયુ, સાહેબ ખાડા ગણ્યા નથી

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News

    શહેરના ૪૮ વોર્ડ વિસ્તારમાં  ૪૫ હજાર ટન કપચી વપરાઈ છતાં  કેટલાં ખાડા પુર્યા , તંત્રને ખબર નથી 1 - image 

  અમદાવાદ,મંગળવાર,8 ઓકટોબર,2024

આ વર્ષે ચોમાસા દરમિયાન શહેરના ૪૮ વોર્ડ વિસ્તારમાં રોડ ઉપરના ખાડા પુરવા ૪૫ હજાર ટન કપચી વપરાઈ હોવાનો મ્યુનિ.અધિકારીઓએ દાવો કર્યો છે.પણ રોડ ઉપર પડેલાં ખાડા કેટલાં પુર્યા એ તંત્રને ખબર નથી.રોડ કમિટીની બેઠકમાં અધિકારીઓએ ચેરમેન જયેશ પટેલને કહયુ,સાહેબ ખાડા ગણ્યા નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં ઝોન લેવલે કે મ્યુનિ.ની મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા રોડ પ્રોજેકટ સંભાળતા એડીશનલ સીટી ઈજનેરો રોડ કમિટીના ચેરમેનને પણ ગાંઠતા નથી. રોડ કમિટીની મળેલી બેઠકમાં કમિટી ચેરમેન જયેશ પટેલના કહેવા મુજબ, સાત ઝોનમાં રોડ ઉપર ખાડા પુરવા કયાં કેટલુ પેચવર્ક કરાયુ એ અંગે વિગત માંગતા અધિકારીઓએ ઉડાઉ જવાબ આપતા કહયુ, લાંભા વોર્ડમાં કામગીરી બાકી છે.બાકી બધા ખાડા પુરાઈ ગયા છે.ચેરમેને કહયુ, ૧૧ ઓગસ્ટથી ૭ ઓકટોબર-૨૦૨૪ સુધીમાં રોડ ઉપર પડેલા ખાડા પુરવા મ્યુનિ.ના પીપળજ પ્લાન્ટ ખાતેથી ૨૦૧૯૬ ટન તથા રોડ કોન્ટ્રાકટરોના ૨૫ હજાર ટન મળી કુલ ૪૫૭૪૭ ટન કપચી વપરાઈ એમ તમે હીસાબ આપો છો તો ઝોન વાઈસ કેટલા ખાડા પુર્યા એ વિગત તો આપો.ચેરમેનને વિગત આપવાના બદલે અધિકારીઓએ કહયુ,સાહેબ ખાડા ગણ્યા નથી.

કવોરી હડતાળ લંબાશે તો શહેરમાં રોડ રીસરફેસ કામગીરી ખોરંભાશે

રોડ કમિટીની બેઠકમાં શહેરના પૂર્વ ઝોનના રસ્તાઓ રીગ્રેડ  કરી રીસરફેસ કરવા રુપિયા ૨૦ કરોડ, ઉત્તરઝોનના વિવિધ વોર્ડમાં રસ્તાની કામગીરી માટે રુપિયા ૩૭ કરોડ તથા મધ્યઝોનના વિવિધ વોર્ડમાં રસ્તાની કામગીરી કરવા રુપિયા ૧૭ કરોડના એન્યુઅલ રેટ કોન્ટ્રાકટ ટેન્ડરને મંજુરી અપાઈ હતી. રાજયના કવોરી ઉદ્યોગમાં ચાલી રહેલી હડતાળ લંબાશે તો સાત ઝોનમાં ૩૫ રોડ રીસરફેસ કરવાની કામગીરી ખોરંભાશે. મ્યુનિ.ના પ્લાન્ટમાં હાલમાં માત્ર ત્રણ દિવસ ચાલે એટલુ મટીરીયલ છે.


Google NewsGoogle News