છેતરાવું ના હોય તો ચીટિંગના આ 4 કિસ્સા વાંચજો, તમે પણ માથું ખંજવાળતા થઈ જશો!
Fraud Case in Ahmedabad : ઠગાઈ કરનારાઓ ક્યારે અને કયા સ્વરૂપે આવે તે નક્કી રહેતું નથી. ગુજરાતમાં ગત ચાલુ વર્ષે જ દોઢ લાખ ફરિયાદો નોંધાઈ ચૂકી છે ત્યારે તમારે છેતરાવું ન હોય તો ચિટિંગની આ ચાર ફરિયાદો અચૂક જ વાંચી જજો. વેપારી સાથે ડેબિટ કાર્ડ અપાવવાના બહાને 5.99 લાખની છેતરપિંડી કરવામાં આવી. તો, રામોલના વેપારીને મની લોન્ડરિંગનો અને કૃષ્ણનગરની મહિલાને તેમના ફોનનો દુરુપયોગ થતો હોવાનો ભય બતાવીને છેતરવામાં આવ્યા. તો, વાસણાની યુવતીને વિદેશી દોસ્ત બનીને ચૂનો ચોપડવામાં આવ્યો હતો. છેતરાયાનો અહેસાસ થાય તો શરમ છોડીને ફરિયાદ નોંધાવવી અને પરિવાર, મિત્રોને વાત કરવી એ ઈ-ચિટર્સ સામેની સામાજિક જાગૃતતા જ છે.
વાસણાના વેપારીના નામે ડેબિટ કાર્ડ મેળવી 5.99 લાખ સેરવી લીધા
વાસણામાં રહેતા વેપારી જયેશભાઈ હિંમતલાલ દેસાઈએ પાંચ વર્ષ અગાઉ પે-ટીએમ મશીન પોતાની કરિયાણાની દુકાને લગાવ્યું હતું. આ પે-ટીએમ તેમના બૅન્ક ઑફ બરોડાના એકાઉન્ટ સાથે લિન્ક છે. તા. 13ના રોજ તેમની દુકાને બે વ્યક્તિ આવ્યા હતા. પે-ટીએમ કંપનીમાંથી આવ્યા હોવાનું કહીને સાઉન્ડ મશીનની પ્રોસેસ કરવા માટે ડેબિટ કાર્ડ માગ્યું હતું. ડેબિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવાના બહાને જયેશભાઈના મોબાઇલ ફોનમાંથી પ્રક્રિયા કરી હતી. વિરેન સુથાર તરીકે પોતાનું નામ આપી અને મોબાઇલ નંબર આપી ગયેલો શખ્સ અઠવાડિયા પછી પરત ફર્યો હતો. ડેબિટ કાર્ડ આવતાં જયેશભાઈએ જાણ કરી હતી અને તેમ કરવાથી આ શખ્સ ફરી દુકાને આવ્યો હતો.
પે-ટીએમની એક રૂપિયાની સ્કીમ ચાલુ કરવાની પ્રોસેસનું નાટક કરી જયેશભાઈના મોબાઇલ ફોનને એરોપ્લેન મોડ ઉપર રાખી આ શખ્સ જતો રહ્યો હતો. રાત્રે જયેશભાઈના પુત્રએ ફોનમાં બૅન્કની ઍપ્લિકેશન ખોલી તપાસ કરતાં બૅન્ક ઑફ બરોડાના એકાઉન્ટમાંથી 4.99 લાખ અને એક લાખના બે ટ્રાન્ઝેક્શન થયાનું જણાયું હતું. પે-ટીએમ કંપનીના બહાને કુલ 5.99 લાખના બે ટ્રાન્ઝેક્શન કરી ગઠિયા છેતરી જતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં મારી પુત્રી, તેને રોજ ડ્રગ્સ અપાય છે, પિતાનો સનસનીખેજ આરોપ
અમેરિકન તરીકે દોસ્તી કરી મદદના બહાને રૂ. પાંચ લાખની છેતરપિંડી
વાસણામાં જ રહેતા શિતલબહેન કાનાભાઈ ગોરાણિયા ઘરેથી જ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. માર્ચ-2024માં શિતલબહેને ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી તે શખ્સે પોતાનો વોટ્સએપ નંબર આપ્યો હતો. યુ.એસ.નો વતની અને લશ સ્ટીવન નામ હોવાનું કહી આ શખ્સે વોટ્સએપ ઉપર શિતલબહેન સાથે ચેટિંગ કરી મિત્રતા કેળવી હતી. હિથ્રો ઍરપૉર્ટ ઉપર પોતે કૅપ્ટન પાયલટ હોવાનું કહેનાર શખ્સે અસ્થમાથી પિડાતી પોતાની માતાનું મૃત્યુ થયું છે, પોતાનું હેલ્થ કાર્ડ એક્સપાયર થયું છે તે રિન્યુ કરાવવા, શિકાગો અને વોશિંગ્ટન ગયો છે ત્યાં લગેજ ચાર્જ, ટેક્સી ટ્રેન ટિકિટ સહિતના બહાના કરીને શિતલબહેન પાસેથી કુલ 5.04 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ભરપાઈ કરાવ્યા હતા. મદદ માગીને 12 ખાતામાં પાંચ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવીને ઈ-ચિટરે છેતરપિંડી કરતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
તમારા ફોનનો ગેરકાયદે ઉપયોગ મહિલાને 2.99 લાખ ચૂનો ચોપડ્યો
કૃષ્ણનગરમાં રહેતા ચૈતાલીબહેન નિસર્ગભાઈ શાહ એલ.આઈ.સી. એજન્ટ છે. 27 નવેમ્બરે બપોરે ટ્રાઇની કોલર ટ્યૂન સાથે આવેલા ફોનથી ચિમકી અપાઈ હતી કે, તમારા ફોનનો ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે અને બે કલાકમાં કપાઈ જશે. ફોન બંધ ન થવા દેવા 1 નંબર દબાવવા કહેવાયું હતું. 1 નંબર દબાવ્યા પછી ચૈતાલીબહેનને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપ્યા પછી સીબીઆઈનો બનાવટી લેટર, ઈડીનું અરેસ્ટ વોરન્ટ અને સંપતિ કબજે કરવાનું વોરંટ, રિઝર્વ બૅન્કના લેટર મોકલીને કુલ 2.99 લાખ અલગ અલગ બૅન્ક એકાઉન્ટમાં ભરાવડાવાયા હતા. 10 રાજ્યમાં ગુના આચર્યા છે તેમ કહી ડરાવીને ચૈતાલીબહેનને ડિજિટલ અરેસ્ટ કરી તા. 27થી 29 નવેમ્બર દરમિયાન કુલ 2.99 લાખ પડાવી લીધાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસમાં નોંધાવાઈ છે.
આ પણ વાંચો: ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
રામોલના વેપારીને મની લોન્ડરિંગનો ડર બતાવી દોઢ લાખ પડાવ્યા
રામોલમાં રહેતા મિતેષ હરેશભાઈ ઠક્કર બિસ્કીટની એજન્સી ધરાવે છે. 11 ડિસેમ્બરના રોજ અજાણ્યા નંબરથી લખનૌ ટેલિફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે વાતચીત કરીને મિતેષભાઈને તેમના નામે જીઓ કંપનીનો એક નંબર એક્ટિવેટ થયાની જાણકારી અપાઈ હતી. બનાવટી નંબર તમારા નામે એક્ટિવ કરી 450 કરોડનું મની લોન્ડરિંગ જેવું ફ્રોડ કરાયાનું અને ડ્રગ્સના બે થેલા પકડાયા હોવાનું કહી મિતેષભાઈને ડરાવી દેવાયા હતા. પોલીસ અધિકારી, એનફોર્સમેન્ટ સહિતના સરકારી તંત્ર અધિકારીની ઓળખ અને ડર બતાવીને સાયબર ગઠિયાઓએ દોઢ લાખ પડાવ્યા હતા. જો કે, મિતેષભાઈએ પરિવારને વાત કરતાં છેતરપિંડી થયાનું જણાવી ચેતવતા રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.