'નક્કર પ્લાન બનાવો નહીંતર કાર્યવાહી થશે', સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો

STPની બ્લુ પ્રિન્ટ, ભાવિ રૂપરેખા મુદ્દે ચોક્કસ જવાબ નહીં આપી શકનાર અમ્યુકોના વકીલોને પણ માર્મિક ટકોર

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
'નક્કર પ્લાન બનાવો નહીંતર કાર્યવાહી થશે', સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો 1 - image


Gujarat News : સાબરમતી નદી (Sabarmati River)માં પ્રદૂષણ અંગેની સુઓમોટી જાહેર હિતની રિટ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat HighCourt) અમદાવાદ શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાત અને તેના ભવિષ્યના એકશન પ્લાન સંબંધી કરેલી પૃચ્છાનો અમ્યુકોના વકીલો તરફથી કોઈજ સંતોષકારક જવાબ કે ખુલાસો નહી કરી શકાતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે અમ્યુકોના બહુ જોરદાર રીતે ઉધડો લઈ નાંખ્યો હતો. હાઈકોર્ટે એક તબક્કે અમ્યુકોના સોંગદનામાંનો પણ અસ્વીકાર કરવાની અને મ્યુનિસિપલ કમિશનરને બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. હાઇકોર્ટે એટલે સુધી માર્મિક ટકોર કરી હતી કે, જો તમને હાઇકોર્ટના હુકમની પરવા ના હોય તો પછી હાઇકોર્ટ તેની રીતે સન્નાઇથી કાર્યવાહી કરશે. હાઈકોર્ટે કોર્પોરેશન દ્વારા જે પ્રકારે સોગંદનામું ફાઇલ કરાયું તેને પણ કાગળની બરબાદી ગણાવી હતી અને નવેસરથી સોગંદનામું ફાઇલ કરવા અમ્યુકોને હુકમ કર્યો હતો.

હાઈકોર્ટે બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની પિઆઈએલની સુનાવણી દરમ્યાન આજે હાઈકોર્ટે અમ્યુકો (AMC)ને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેની ક્ષમતા, તેના ભવિષ્યના એકશન પ્લાન સહિતના મુદ્દે વેધક સવાલો કર્યા હતા. જો કે, અમ્યુકો પાસે તેનો કોઈ જ ચોક્કસ કે સ્પષ્ટ જવાબ ન હતો. સોગંદનામાના પેજ નંબર અને વિગતોની અસ્પષ્ટતાને લઈને પણ હાઈકોર્ટે બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે એટલે સુધી કહ્યું હતું કે, હાઈકોર્ટે અમ્યુકોને એવું પૂછયું છે કે, અમદાવાદ શહેર (Ahmedabad City)માં કુલ કેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાત છે..? ભવિષ્યમાં આવનારા પંદર-વીસ વર્ષમાં કેટલા એસટીપીની જરૂરિયાત ઉભી થશે..? આ માટે અમ્યુકોની ભાવિ રૂપરેખા શું છે..? તેનો સીધો, સ્પષ્ટ અને આંકડા સાથેનો જવાબ માંગ્યો છે, તેનો જવાબ અમ્યુકોના આટલા મોટા સિનિયર વકીલો  આપી શક્યા નથી. એમ જણાય છે કે, અમ્યુકોના વકીલો હાઈકોર્ટ શું કહેવા માંગે છે તે સમજી જ શકયા નથી લાગતા..હાઈકોર્ટ અમ્યુકો પાસે એસટીપીને લઈ બ્લુ પ્રિન્ટ માંગી રહી છે પરંતુ અમ્યુકોના વકીલો એકની એક જ વાત દોહરાવ્યે રાખે છે. લાગે છે કે, તેમને અદાલતની પૃચ્છા સમજાતી નથી લાગતી. 

હાઈકોર્ટે માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરી દેવા અમ્યુકોને હુકમ કર્યો 

દરમ્યાન અમ્યુકોના વકીલ તરફથી એવો બચાવ રજૂ કરાયો હતો કે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈ અમ્યુકોએ નેધરલેન્ડની કંપનીને કામગીરી સોંપી છે અને તેની પાસેથી રિપોર્ટ મેળવ્યો છે., જેથી હાઈકોર્ટે તરત અમ્યુકોના વકીલને ટોકતાં જણાવ્યું એ રિપોર્ટ સીધો જ હાઈકોર્ટમાં મૂકી દીધો ? ખરેખર આ રિપોર્ટ રિપોર્ટ મ્યુનિસિપલ બોર્ડ કે મીટીંગમાં મૂકીને તેની પર ચર્ચા કરી હતી કે કેમ..? કે તેની પર કોઈ નિર્ણય લેવાયેલ છે કે કેમ..? વળી, હાઈકોર્ટે આ મામલે મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માંગ્યો હતો, તેમ છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ રિપોર્ટ સાથે સોગંદનામું રજૂ કર્યું છે. અદાલત આ પ્રકારનું સોગંદનામું સ્વીકાર કરી શકે નહીં. અમ્યુકો તરફથી હાજર થતાં બંને વકીલોને હાઈકોર્ટે માર્મિક ટકોર સાથે નવેસરથી હાઈકોર્ટ જે ઈચ્છી રહી છે તેની સ્પષ્ટ માહિતી સાથેનું સોગંદનામું તા.22મી માર્ચ સુધીમાં રજૂ કરી દેવા અમ્યુકોને હુકમ કર્યો હતો.

અમ્યુકોએ તેના એસટીપીની ક્ષમતા વધારવાની જરૂર : જીપીસીબી

દરમ્યાન આ કેસમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાંમાં જણાવાયું હતું કે, અમ્યુકો દ્વારા તેના એસટીપીની ક્ષમતા વધારવાની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને જે એસર્ટીપી ખાતે ટ્રીટ થયા વિનાનું સુએઝ જોવા મળ્યું છે તેવા ચાર એસટીપીની ટ્રીટમેન્ટ ક્ષમતા વધારવાની જરૂર છે. તો, આઠ એસટીપી કે બિન કાર્યક્ષમ જણાયા છે, તેને અપગ્રેડ કરવાની અને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. જીપીસીબીએ 9 એસટીપીને નોટિસ અને એક એસટીપીને શો કોઝ નોટિસ જારી કરાઈ છે. જીપીસીબીની તપાસ દરમ્યાન માલૂમ પડ્યું છે કે, ત્રણ જ એસટીપી નિર્મ્સ મુજબ કાર્યરત છે. ચાર એસીટીપી અંશતઃ રીતે નેસિનું પાલન કરી રહ્યા છે, જયારે ચાર એસટીપીમાં નર્મ્સનું પાલન થતુ નથી.

'નક્કર પ્લાન બનાવો નહીંતર કાર્યવાહી થશે', સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો 2 - image


Google NewsGoogle News