AMCના 9 ફાયર અધિકારીને ટર્મિનેટ કરવાનો કેસ, હાઈકોર્ટે તમામને કાયમી કરવાનો કર્યો હુકમ
AMC Fire Department 9 Officer: AMCના 9 ફાયર અધિકારીઓને ટર્મિનેટ કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તમામ 9 અધિકારીને બુધવારથી કાયમી કરી દેવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તમામ 9 અધિકારીને ટર્મિનેટ કરતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં કોર્ટ આ હુકમ કર્યો છે.
જાણો શું છે મામલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતામાં ફરજ બજાવતાં 9 અધિકારીઓ સામે ફરિયાદ મળી હતી કે, તેમણે દ્વારા બિનઅધિકૃત/ખોટી સ્પોન્સરશીપ દ્વારા N.F.S.C, નાગપુર ખાતે ખોટી રીતે પ્રવેશ મેળવીને શૈક્ષણિક લાયકાત મેળવી હતી. તેના આધારે વિજીલન્સ તપાસ તથા ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની ખાતાકીય તપાસમાં ગુનો સાબિત થતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ટર્મિનેટ કેમ ન કરવા? તે અંગે ફાઇનલ શોકોઝ નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. તે અંગે ફાયર અધિકારીઓએ કરેલા ખુલાસા સંતોષકારક ન જણાતાં તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
કયા અધિકારીઓને કરાયા હતા ટર્મિનેટ?
ઓમ જાડેજા, આસિફ શેખ, સુધીર ગઢવી, શુભમ ખડિયા, અભિજિત ગઢવી, મેહુલ ગઢવી, અનિરુદ્ધ ગઢવી, કૈઝાદ દસ્તુર, ઇનાયત શેખ સહીત 9 અધિકારીઓને ટર્મિનેટ કરાયા હતા, જેઓ હાઈકોર્ટમાં કેસ જીતી જતા તેમને કાયમી કરવાનો હુકમ કરાયો છે.