Get The App

પાછોતરા વરસાદે ગુજરાતને ધમરોળ્યું! અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
પાછોતરા વરસાદે ગુજરાતને ધમરોળ્યું! અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી 1 - image


Rain In Gujarat: રાજ્યમાં ફરી વરસાદી માહલો જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે (21મી ઓક્ટોબર) રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં આ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઇસ્કોન, એસજી હાઇવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ઘુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા સ્થળો પર પાણી ભરાયા હતા. 

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ 

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે 7 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં 5થી 7 ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ 4 ઈંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં 3 ઈંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે (21મી ઓક્ટોબર) સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં વાવાઝોડાની શક્યતા!

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, 'આગામી 22મી ઓકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે.'

પાછોતરા વરસાદે ગુજરાતને ધમરોળ્યું! અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી 2 - image


Google NewsGoogle News