અમદાવાદમાં મેઘમહેર: નરોડમાં સૌથી વધુ 4 ઈંચ, કુબેરનગર માર્કેટમાં પાણી ભરાયા

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Heavy Rains In Ahmedabad


Heavy Rains In Ahmedabad: પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસની અમદાવાદમાં સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી મંગળવાર (ત્રીજી સપ્ટેમ્બર) સવાર સુધી વરસાદે રમઝટ બોલાવી હતી. સોમવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સોમવાર સવારના 6થી રાતના 8 કલાક સુધીમાં નરોડામાં 4 ઈંચ, ઓઢવ અને નિકોલમાં 2 ઈંચ વરસાદ થયો હતો. શહેરમાં સરેરાશ 28.69 મિલીમીટર વરસાદ થતાં સિઝનનો 33.84 ઈંચ વરસાદ નોંધોય છે. કુબેરનગર માર્કેટમાં આવેલી દુકાનો સુધી તેમજ સૈજપુર ગરનાળામા વરસાદી પાણી ફરી વળતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ થયુ હતુ.

ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ

અમદાવાદના સોમવારે બપોરે 4 વાગ્યાથી શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા સમીસાંજના સમયે રાત પડી ગઈ હોય એવી અનુભૂતિ શહેરીજનોએ કરી હતી. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ગણતરીની મિનીટોમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ખાસ કરીને સી.ટી.એમ., ઓઢવ, વિરાટનગર, માલપુર, ખાડીયા, રાયપુર તેમજ મણિનગર અને નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની શરુઆત થતા નોકરી કે વ્યવસાયના સ્થળેથી ઘર તરફ પરત ફરી રહેલા લોકોને અધવચ્ચે રોકાઈ જવુ પડ્યુ હતું.

આ પણ વાંચો: ગુજરાત માથે છ દિવસ 'ભારે', આવતીકાલથી ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લામાં સૌથી વધુ ખતરો


કુબેરનગર માર્કેટની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા

શહેરના ઉત્તર, દક્ષિણ,મઘ્ય ઉપરાંત પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. કુબેરનગર માર્કેટમાં અને સૈજપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ 131.25 ફૂટ નોંધાયુ હતુ. એનએમસીમાંથી 5024 ક્યૂસેક અને સંત સરોવરમાંથી 1347 ક્યૂસેક પાણીની આવક હતી. નદીમાં 9545 ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ હતી. બેરેજના ગેટ નંબર 25, 26 અને 28 ત્રણ ફૂટ તથા ગેટ નંબર 29 બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

અમદાવાદમાં મેઘમહેર: નરોડમાં સૌથી વધુ 4 ઈંચ, કુબેરનગર માર્કેટમાં પાણી ભરાયા 2 - image


Google NewsGoogle News