અમદાવાદમાં આ દિવસે મેઘતાંડવ, બાદમાં ગુજરાતમાં ઘટશે વરસાદનું જોર: જાણો શું છે આગાહી
Heavy Rain In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વડાદોરા સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને લઈને વડોદરાની વિશ્વામિત્રી અને નવસારીની પૂર્ણા નદી ગાંડીતૂર બનતાં અનેક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યાં છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 જુલાઈ સુધી રાજ્યના પૂર્વ, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. આ સાથે આવતી કાલે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : તાપીના ઉચ્છલમાં 8, ડોલવણમાં 7 ઇંચ વરસાદથી નદીઓ ગાંડીતૂર, 115 રસ્તા બંધ, વૃદ્ધા તણાઇ
રેડ ઍલર્ટ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદને પગલે નદીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, ત્યારે આવતી કાલે (28 જુલાઈ) હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરતાં વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઑરેન્જ ઍલર્ટ
આવતી કાલે (28 જુલાઈ) રાજ્યના મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાતાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય, 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી
યલો ઍલર્ટ
આવતી કાલે (28 જુલાઈ) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
27 જુલાઈની આગાહી
રાજ્યમાં અત્યાર સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં બહુ સારો વરસાદ પડ્યો છે, ત્યારે આગામી બે દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત પૂર્વના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અમેરલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પશ્ચિમ અને સૌરાષ્ટ્રના 13 જિલ્લામાં વરસાદનું પ્રમાણે નહીંવત રહેશે. જ્યારે 29 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર ધીમું થતું જોવા મળશે.
28 જુલાઈની આગાહી
આવતી કાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.
29 જુલાઈની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે 29 જુલાઈએ રાજ્યમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
30-31 જુલાઈની આગાહી
રાજ્યમાં સતત 29 જુલાઈ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવ્યાં પછી આ દિવસે વિરામના મૂડમાં દેખાશે. આ દિવસે માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.