અમદાવાદમાં મકાનો મોંઘા થશે? નવી જંત્રીથી મિલકત ખરીદીના ભાવ બમણા થવાના એંધાણ, વિસ્તાર પ્રમાણે જુઓ લિસ્ટ
Jantri Rates Will Increase In Gujarat: પહેલી એપ્રિલ 2025થી અમલમાં મૂકવામાં આવનારી જંત્રીમાં મિલકતો પરના દરમાં 100થી 200 ટકાનો વધારો થઈ રહ્યો હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી બિલ્ડર તથા ડેવલોપર્સ ખરીદીને લેવાની થતી ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) ખરીદવા માટે બમણા કે ત્રણ ગણા ચાર્જ આપવા પડશે. તેથી મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવ વધી જવાની સંભાવના છે.
નવી જંત્રી અમલમાં આવી જતાં નાણાંમાં 100થી 200 ટકાનો વધારો થશે
મકાન બાંધવા માટે જમીનના કદ અને ઝોન પ્રમાણે મળતી એફએસઆઈ ઉપરાંતની એફએસઆઈ ખરીદવી પડે છે. જંત્રીના જે જગ્યાએ દર 15000 રૂપિયા હોય તેના પર અત્યારે એફએસઆઈ ખરીદવા માટે 30 ટકા વધુ ચૂકવવા પડે છે. પરંતુ નવી જંત્રી અમલમાં આવી જતાં તેમણે ચૂકવવાના થતાં નાણાંમાં 100થી 200 ટકાનો વધારો થશે.
વીએક અંદાજ મુજબ જે એફએસઆઈ ખરીદવા માટે અત્યારે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. તે જ એફએસઆઈ ખરીદવા માટે જંત્રીના નવા દર અમલમાં આવી જતાં 10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ઉદાહરણ આપીને વાત કરીએ તો 10,000 ચોરસ મીટરના પ્લોટ પર 1.8ની એફએસઆઈને કારણે 18,000 મીટરનું બાંધકામ કરી શકાય છે. તદુપરાંત તેના પર 50 ટકા વધારાની જંત્રી ખરીદવી હોય તો બિલ્ડર કે ડેવલોપર્સ બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે.
પરચેઝ એફએસઆઈ માટેના નાણાંનો આ બોજ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને માથે જ બિલ્ડર- ડેવલોપર્સ નાખશે. પરિણામે મિલકતના ભાવ ખાસ્સા વધી જવાની સંભાવના રહેલી છે. બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે સાયન્ટિફિક સરવે કરીને નવી જંત્રી તૈયાર કરવામાં આવી છે. તેથી જંત્રીના ભાવમાં 200થી 300 ટકાનો વધારો આવી ગયો છે. આ વધારાને પરિણામે એફએસઆઈ પરચેઝ કરવાના દર વધી જવાની સંભાવના છે.
આજે શૈલાના જંત્રીના ભાવ 30,000થી 40,000 રૂપિયાની આસપાસના ભાવ છે. નવી સૂચિત જંત્રીમાં શૈલાના વિસ્તારોને ભાવ 70,000થી 76,000 રૂપિયા સુધીના કે એક લાખ રૂપિયા ઉપરના દર્શાવવામાં આવ્યા છે. પરિણામે આ વિસ્તારમાં પરચેઝ એફએસઆઈના દર 100 ટકા વધી જવાની શક્યતા છે. થલતેજમાં 39 ટીપી છે. 40,000થી 70,000નો જંત્રીનો ભાવ હતો. હવે નવી સૂચિત જંત્રીમાં થલતેજના ભાવ 79,000થી 1,00,000થી સુધીના ભાવ જંત્રીમાં દર્શાવવામાં આવ્યા છે. એક જ એરિયામાં ટીપી એરિયાના અને નોન ટીપી એરિયાના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
પ્રતિભાવ આપવા માટેનો સમય વધારો
નવી સૂચિત જંત્રી અંગે નવા ભાવની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેના પ્રતિભાવ આગામી એક જ માસમાં આપી દેવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે પહેલી એપ્રિલ 2025થી તેનો અમલ ચાલુ કરવાનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. નવી શરતની જમીનને જૂની શરતની જમીનમાં ફેરવવાના ખર્ચમાં પણ વધારો થઈ જવાની સંભાવના છે.