5 વર્ષમાં સાયબર ઠગોએ ગુજરાતીઓ સાથે કરી 74 કરોડની છેતરપિંડી, ઓનલાઇન ફ્રોડ 400% વધ્યા
Cybercrime Cases On The Rise In Gujarat: વિકસતી જતી લેટેસ્ટ ટૅકનોલૉજી જેટલી ઉપયોગી બની રહી છે એટલી જ મુશ્કેલીનું ઘર બની રહી છે. ખાસ કરીને ગુજરાતમાં નેટબેકિંગમાં છેતરપિંડીના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં જ સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓના 74 કરોડ રૂપિયા સેરવી લીધા છે. ગુજરાતમાં નેટબેકિંગના કેસોમાં 400 ટકાનો વધારો નોંધાયો છે. ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તે જોતા હવે તો બૅંકો પણ એસએમએસ મોકલીને બૅંક કસ્ટમરને સચેત કરી રહી છે. આ ઉપરાંત ગુજરાતનું સાયબર સેલ પણ એટલું જ એક્ટિવ થયું છે.
સાયબર ઠગ લલચામણી ઑફરના મેસેજ મોકલે છે
ડિજિટલ બૅંક સુવિધાનો ઉપયોગ કરવામાં પણ હવે તો સાવધાની રાખવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેનું કારણ છે કે, સાયબર ઠગો વિવિધ તરકીબ અજમાવીને નિર્દોષ લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. ક્યાંક લલચામણી ઑફરના મેસેજ મોકલે છે, તો ક્યાંક ફોન કોલ કરીને ઓટીપી અથવા તો કેવાયસીની વિગતો મેળવી લે છે.
આ પણ વાંચો: દિવાળીએ જ ભાજપને થયું મોટું નુકસાન, પ્રચંડ બહુમતથી જીતનારા દિગ્ગજ ધારાસભ્યનું નિધન
કેટલાક કિસ્સામાં ખોટી લિંક મોકલી નિર્દોષ બૅંક ખાતેદારના ખાતામાંથી નાણાં ઉપાડી લે છે. આ પરિસ્થિતિને લીધે જ બૅંકો કસ્ટમરને એસએમએસ મોકલીને જાણ કરે છે કે, બૅંક દ્વારા ઓટીપી-કેવાયસી વિશે કોઈ માહિતી માંગવામાં આવતી નથી. આ જોતાં કસ્ટમરોએ મેસેજને લઈને સાવચેત રહેવું.
સાયબર ગઠિયાઓને કોઈનો ડર નથી!
ગુજરાતમાં એટીએમ, કેડિટ કાર્ડ અને નેટબૅંકિંગમાં ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે જેમ કે, વર્ષ 2019-20માં ઇન્ટરનેટ બૅંકિંગના છેતરપિંડીના કુલ 51 કેસો નોંધાયા હતા અને 2,87 કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ હતી. વર્ષ 2023-24માં ઓનલાઇન ઠગાઈના કેસોમાં વધારો થયો હતો. આ વર્ષ દરમિયાન 1914 કેસો પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે 49.92 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. ટૂંકમાં ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં 400 ટકાનો વધારો થયો છે. આ પરથી એક જ વાત સ્પષ્ટ થઈ છે કે, સાયબર સેલ એક્ટિવ હોવા છતાંય સાયબર ગઠિયાઓને જાણે ડર રહ્યો નથી.
ગુજરાત સાયબર સેલ પણ લોકોને સાયબર ઠગોની વિવિધ તરકીબોથી અવગત કરાવવા માટે લોકજાગૃતિ કાર્યક્રમ કરી રહ્યું છે. ઘણાં કિસ્સામાં સાયબર સેલે નિર્દોષ લોકોને નાણાં પણ પરત અપાવ્યા છે.