ગુજરાતમાં શિયાળાની જમાવટઃ નલિયા 10.8 ડિગ્રી ઠંડીથી ઠુંઠવાયું, અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે નોંધાયુ લઘુતમ તાપમાન
Gujarat Weather Update: ગુજરાતમાં આખરે શિયાળો ધીમે-ધીમે જમાવટ કરવા લાગ્યો છે. ગત રાત્રિના નલિયામાં 10.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં હજુ વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો
નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, હવે આગામી પાંચ દિવસ નલિયાનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. બીજી બાજુ અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ગત રાત્રિના અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતનો 'વિકાસ' કોતરી રહ્યા છે ભ્રષ્ટાચારીઓ: 90 ટકા કેસ પેન્ડિંગ, માત્ર 39 ટકાને સજા
હવામાન નિષ્ણાતોને મતે, અમદાવાદમાં આગામી એક સપ્તાહનું તાપમાન 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ગત રાત્રિના રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં દાહોદ, ડીસા, ગાંધીનગર અને રાજકોટનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી
શહેર | તાપમાન |
નલિયા | 10.8 |
દાહોદ | 12.3 |
ડીસા | 12.4 |
અમદાવાદ | 13.2 |
ગાંધીનગર | 14.0 |
રાજકોટ | 15.0 |
વડોદરા | 15.2 |
પોરબંદર | 15.4 |
સુરત | 15.8 |
ભુજ | 16.2 |
જામનગર | 16.9 |
ભાવનગર | 17.0 |
કંડલા | 17.7 |