Get The App

ગૃહિણીઓ માટે ખાસ સમાચાર, દિવાળીમાં આ વસ્તુ ખરીદતાં પહેલાં સાવચેત રહેજો! સ્વાસ્થ્ય સાથે થઇ રહ્યાં છે ગંભીર ચેડાં

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
ગૃહિણીઓ માટે ખાસ સમાચાર, દિવાળીમાં આ વસ્તુ ખરીદતાં પહેલાં સાવચેત રહેજો! સ્વાસ્થ્ય સાથે થઇ રહ્યાં છે ગંભીર ચેડાં 1 - image


Well Known Cottonseed Company Oil Sample Failed : નવરાત્રિના પાવન પર્વથી તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને દિવાળીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. વળી, મહિલાઓ અને ગૃહિણીઓ માટે તો તેલ ભરવાની સીઝન પણ આવી ગઈ છે. તેથી આ સિઝનનો લાભ ઉઠાવી ભેળસેળિયા તત્વો, ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા કપાસિયા તેલમાં સોયાબીન અને પામોલીન તેલ ઉમેરી ભેળસેળિયું તેલ ગૃહિણીઓને ઓછા ભાવની લાલચે પધરાવી દેવાય છે. આ સિવાય કેટલીક જાણીતી કંપનીઓના કપાસિયા તેલનો રિપોર્ટ જ ફેઇલ થયો છે. આ સિવાય લેબ ટેસ્ટમાં કપાસિયા તેલમાં સોયાબીન અને પામોલીનની ભેળસેળ પણ સામે આવી છે. વર્ષોથી ચાલતાં ભેળસેળના આ કૌભાંને લઈ સરકાર આવા ભેળસેળિયા તેલિયા રાજાઓ સામે દાખલો બેસાડવા કોઈ પગલાં કેમ નથી લેતી?

જાણીતી કંપનીઓના તેલમાં પામોલીનનો ખુલાસો

તેલની સિઝન અને દિવાળીના તહેવારોને લઈને તેલમાં ભેળસેળનું કૌભાંડ ધમધોકાર ચાલતું હોવાથી સેન્ટ્રલ ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાદ્યતેલમાં ભેળસેળ કરતા ઉત્પાદકો-કંપનીઓ વિરૂદ્ધ સેમ્પલ લેવાથી માંડી, દંડ અને કેસ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વિશેષ ઝુંબેશના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા-તાલુકા કક્ષાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના સંબંધિત અધિકારી અને સત્તાધીશોને ખાદ્યતેલ સિવાયની વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો અને ઉત્પાદકો-કંપની પર બાજ નજર રાખી છે. ભેળસેળિયાઓને આકરા દંડથી માંડી ફોજદારી કેસ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવાનો નિર્દેશ કરાયો છે.

આ પણ વાંચોઃ ગૃહમંત્રીની શેખી વચ્ચે સલામત ગુજરાતમાં મહિલાઓ જ અસલામત, 15 દિવસમાં દુષ્કર્મની 6 ઘટનાૉ

બીજીબાજુ, તહેવારની સિઝન આવી હોવાથી ગૃહિણીઓ પણ તહેવાર ટાણે આવા ભેળસેળિયા તેલને સારુ માની સસ્તામાં મળતુ હોવાની લાલચે વધુ તેલ ખરીદી લે છે. પરંતુ, તેઓને ખબર નથી હોતી કે, જે બ્રાન્ડનું કપાસિયા તેલ તે ખાઈ રહ્યાં છે તે હકીકતમાં સોયાબીન અને પામોલીનની ભેળસેળવાળું અને સબ સ્ટાન્ડર્ડ તેમજ સ્વાસ્થ્ય બગાડતું તેલ છે. 

જાણીતી કંપનીના સેમ્પલ થયાં ફેઇલ

થોડા સમય પહેલાં જ પંચમહાલ જિલ્લામાં હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડ પશુપતી કપાસિયા તેલનું વેચાણ કરવા બદલ મહેસાણાની જાણીતી વિમલ ઓઇલ એન્ડ ફૂડ લિ. સહિતની પેઢીઓને પંચમહાલના નિવાસી અધિક કલેકટર અને એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કુલ મળી 5.25 લાખનો દંડ ફટકારાયો હતો. આ જ પ્રકારે વાસદની કુશ પ્રોટીન્સ લિ. અને તેના જવાબદારને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ સિવાય છત્રાલ (કડી)ની આકાશ એગ્રોના આરતી કપાસિયા તેલના નમૂના પણ સેન્ટ્રલ લેબોરેટરીમાં ફેઇલ થયાં હતાં. જીવન એગ્રો ફૂડ્સ (છત્રાલ)ના લાયફોલ કપાસિયા તેલ, ધરતી ઓઇલ, કડીના બંધન કપાસિયા તેલ અને રાજા કોર્પોરેશન તેમજ સરખેજના કાશીપતિ કપાસિયા તેલના નમૂના પણ ફેઇલ થયાં છે.

65 ટકા સોયા, 35 ટકા પામ તો કપાસિયા ક્યાં?

ચોંકાવનારી વાત તો એ છે કે, વિમલ કપાસિયા તેલ અને પશુપતી કપાસિયા તેલનું વેચાણ કરતી વિમલ ઓઇલ એન્ડ ફૂડ લિ. ના થોડા સમય પહેલાં કપાસિયા તેલના નમૂના પણ ફેઇલ રહ્યાં હતાં. લેબ ટેસ્ટ રિપોર્ટમાં 65 ટકા સોયાબીન અને 35 ટકા પામોલીન હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ સિવાય કુશ પ્રોટીન્સના કૈલાશપતિ અને આકાશ એગ્રોના આરતી કપાસિયા તેલામં તો પ્યોર પામોલીન હોવાનો ચોંકાવનારો ખુલાસો લેબ ટેસ્ટ પરીક્ષણ દરમિયાન સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભાવનગરમાં કેરી નદીએ આફત નોતરી, વરસાદ વિના જ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોને હાલાકી

ક્રોમોટોગ્રાફ રિપોર્ટમાં થયો ખુલાસો

ખાદ્યતેલની શુદ્ધતા માટે ક્રોમોટોગ્રાફ ટેસ્ટ હોય છે અને તેના રિપોર્ટમાં ખબર પડી જાય છે કે, કયું તેલ છે? તેમાં કેટલી ભેળસેળ છે? અને કેટલી માત્રામાં ભેળસેળ છે તેની ટકાવારી સાથે શેની-શેની ભેળસેળ છે તે બાબતો રિપોર્ટમાં સ્પષ્ટ થઈ જાય છે.

ભેળસેળિયા કરોડો રળે છે

કપાસિયા તેલના નામે આવી કંપનીઓ મહિલાઓ-ગૃહિણીઓ અને નાગરિકોની નિર્દોષતા-અજાણતાનો ગેરલાભ ઉઠાવી તેઓને કપાસિયા તેલના નામે સોયાબીન-પામોલીનનું મિશ્રણ પધરાવતા હોય છે અને કંપનીઓ બારોબાર તહેવારોમાં લાખો-કરોડો રૂપિયાનો નફો રળી લેતી હોય છે. છેલ્લા દસ વર્ષમાં આવા ઉત્પાદકો-કંપનીઓના સેંકડો સેમ્પલ ફેઇલ થયાં હોવા છતાં તેઓને માત્ર દંડ કરી જવા દેવાય છે, પરંતુ તેઓના લાઇસન્સ કેમ રદ નથી કરતાં તે સૌથી મોટો સવાલ છે.


Google NewsGoogle News