ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘ મહેરની શક્યતા, આ જિલ્લામાં યલો એલર્ટ
Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યા છે. આ દરમિયાન રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે (18મી ઑગસ્ટે) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: સૂર્ય અને શનિ સામ-સામે આવતા આગામી 30 દિવસ કેન્દ્ર સરકાર માટે કટોકટી ભર્યા રહેવાની શક્યતા
અંબાલાલ પટેલે કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20મી ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઑગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે.