ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢતાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા મામલે અત્યાર સુધીનો ઘટનાક્રમ, જાણો શું-શું થયું

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના રૂમમાં ઘુસીને તોડફોડ કરાઇ હતી, વાહનોને પણ નુકસાન પહોંચાડાયું હતું

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢતાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા મામલે અત્યાર સુધીનો ઘટનાક્રમ, જાણો શું-શું થયું 1 - image


Gujarat University Namaz Controversy News | ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી સ્ટુડન્ટ હોસ્ટેલમાં શનિવારે રાતના સમયે બહાર નમાઝ અદા કરવા બાબતે થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ લીઘું હતું. જેમાં 20 થી 25 યુવકોના ટોળાએ હોસ્ટેલમાં પથ્થરમારો કર્યા બાદ વાહનોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહી હોસ્ટેલમાં ઘુસીને રૂમમાં લેપટોપ, ફર્નિચર સહિત તોડફોડ કરી હતી. જેમાં ચાર વિદેશી યુવકોને પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી. જેમાં વાયરલ વિડીયોને આધારે  સાત જેટલા લોકોની ઓળખ કરીને તોડફોડ કરનાર બે યુવકોને ઝડપી લીધા હતા.  આ બનાવના રાષ્ટ્રીય સ્તરે ઘેરાપ્રત્યાઘાત પડયા હતા. જેને લઇને ક્રાઇમબ્રાંચને પણ તપાસમાં જોડવાનો પોલીસ કમિશનર દ્વારા હુકમ કરાયો છે.

હોસ્ટેલના મેદાનમાં નમાઝ અદા કરતા રોકવાથી વિવાદ વકર્યો... 

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી એનઆરઆઇ હોસ્ટેલના એ બ્લોકમાં  અફઘાનિસ્તાન, શ્રીલંકા,બાંગ્લાદેશ, ઉઝબેકિસ્તાન અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ રહે છે. શનિવારે રાતના સાડા દશ વાગ્યાના સુમારે અફઘાનીસ્તાન તેમજ અન્ય દેશના 10 થી 15 વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે  કેટલાંક યુવકો ત્યાં આવ્યા હતા. જેમાં તેણે નમાઝ કરી રહેલા યુવકોને રોક્યા હતા. જેમાં શરૂઆતમાં સામાન્ય તકરાર થઇ હતી. જે બાદ મારામારી થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધુ હતુ. 

20 થી 25 લોકોના ટોળાએ કર્યો હુમલો 

આ બનાવના થોડીવાર બાદ 20 થી 25 યુવકોનું ટોળુ આવ્યું હતું. જેમણે હોસ્ટેલની દિવાલની બહારથી ઉભા રહીને પહેલા પથ્થરમારો કર્યો હતો. તે પછી અંદર ઘુસીને વાહનોમાં તોડફોડ કરી હતી.  આ દરમિયાન કેટલાંક યુવકોએ એક રૂમમાં ઘુસીને તોડફોડ કરીને કરવાની સાથે ચાર વિદ્યાર્થીોને માર માર્યો હતો. આ સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સહિત આસપાસનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો.  બાદમાં ચાર વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે  108 એબ્યુલન્સમાં એસવીપી હોસ્પિટલ મોકલ્યા હતા. 

ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢતાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા મામલે અત્યાર સુધીનો ઘટનાક્રમ, જાણો શું-શું થયું 2 - image

ફરિયાદ દાખલ થયા બાદ બેઠકોનો દોર શરૂ થયો 

આ બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે  સિક્યોરીટી ગાર્ડ સુરેન્દ્રસિંહ તોમરની ફરિયાદને આધારે  20 થી 25 યુવકોના ટોળા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આ ઘટનાના રાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેના પગલે અમદાવાદ સર્કિટ હાઉસમાં ગૃહરાજ્યમંત્રી , ડીજીપી વિકાસ સહાય , પોલીસ કમિશનર જી એસ મલિક અને ક્રાઇમબ્રાંચના વડા નીરજ બડગુર્જર સહિતના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં આકરી કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવતા ક્રાઇમબ્રાંચ અને ડીસીપી ઝોન-7ની કુલ નવ જેટલી અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે હિતેશ રાખુભાઇ મેવાડા અને  ભરતભાઇ દામોદારભાઇ પટેલની ધરપકડ કરી હતી.

પીડિત વિદેશી વિદ્યાર્થીઓનો પોલીસ પર ગંભીર આરોપ...

વિદેશી વિદ્યાર્થીઓએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે જ્યારે હોસ્ટેલમાં તોડફોડ ચાલી રહી રહી હતી. તે સમયે જ પોલીસનો સ્ટાફ બે ગાડીઓમાં આવ્યો હતો.  આ સમયે તોડફોડ કરી રહેલા યુવકોએ પોલીસનો ડર ન હોય તેમ ફરીથી જોઇ લેવાની ધમકી આપી હતી.  એટલું જ નહી, પોલીસે આતંક ફેલાવનારા  તત્વોને પકડવાને બદલે ત્યાં જવા દીધા હતા. આમ, સમગ્ર મામલે શરૂઆતમાં શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢતાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા મામલે અત્યાર સુધીનો ઘટનાક્રમ, જાણો શું-શું થયું 3 - image

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો... 

ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ અદા કરવાના મામલે પોલીસ દ્વારા તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં એક વીડિયો વાયરલ થયો છે.  આ વીડિયોમાં કેટલાંક યુવકો નમાઝ અદા કરી રહેલા લોકોને મેદાનમાં નમાઝ અદા  ન કરવા માટે કહે છે. આ સમયે એક વિદેશી યુવકે આવીને અચાનક અન્ય યુવકને  તમાચો મારી દીધો હતો. આ ઘટના બાદ મામલો બીચક્યો હોવાનું પોલીસ માની રહી છે. હાલ આ વિડીયોને આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.

હવે વિદેશી વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં રૂમ આપશે 

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાની વિદ્યાર્થીઓને નમાજ પઢવાના મુદ્દે મારવાની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે ત્યારે આટલી મોટી ઘટનામાં યુનિ.ની વ્યવસ્થા, સુરક્ષા,સલામતીને લઈને અનેક છીંડા બહાર આવ્યા છે. સૌપ્રથમ ગુજરાત એનઆરઆઈ-વિદેશી વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિ.માં અલાયદી હોસ્ટેલ હોવા છતાં તેઓને ફાયર એનઓસી સહિતની મંજૂરી બાકી હોવાથી રૂમો ફાળવાયા ન હતા. આ ઉપરાંત હોસ્ટેલ માટે વોર્ડન પણ અત્યાર સુધી હતા જ નહીં. ત્યારે આવી ઘટનાને પગલે હવે યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યવાહી કરવામા આવે હોઈ ઘોડા છુટયા પછી તબેલાંને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.ગુજરાત યુનિ.દ્વારા હવે આટલા વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં રૂમો ફાળવવાનો નિર્ણય કરાયો છે.

NRI હોસ્ટેલ બની છતાં આ કારણે સરકારે રૂમ નહોતા ફાળવ્યાં 

ગુજરાત યુનિવર્સિટીમાં આઈસીસીઆર (ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ) હેઠળ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. દર વર્ષે આઈસીસીઆર હેઠળ ગુજરાત યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓ ફાળવાય છે પરંતુ અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓ માટેની અલગ હોસ્ટેલ વ્યવસ્થા ન હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા સમયથી એનઆરઆઈ હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલતી હતી અને એનઆરઆઈ હોસ્ટેલ બની ગયાને પણ ઘણો સમય થઈ ગયો હતો.પરંતુ હોસ્ટેલમાં ફાયર એનઓસી જ ન હોવાથી વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં મોકલવામા આવ્યા ન હતા.આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલમાં વોર્ડન પણ ન હતા. 

વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊઠ્યાં... 

ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓએ સુવિધાઓને લઈને ઉગ્ર રજૂઆતો કરી છે ત્યારે ફરી એકવાર વિદેશી વિદ્યાર્થીઓની સુવિધા અને સુરક્ષાને લઈને પ્રશ્ન સામે આવ્યો છે. સરકારે બેઠક બોલાવીને કુલપતિને કાર્યવાહી કરવા માટે કડક આદેશો કરવામા આવ્યા હતા.જેને પગલે ગુજરાત યુનિ.તંત્ર પણ હરકતમા આવી ગયુ હતુ. કુલપતિ અને રજિસ્ટ્રાર પણ હોસ્ટેલ પહોંચી ગયા હતા અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. યુનિવર્સિટી હવે ત્રણ દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલ ફાળવવા માટેનો નિર્ણય કરવામા આવ્યો છે.  હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓને જી-9 બ્લોક ફાળવાશે.   

એક જ કંપનીને વર્ષોથી સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ, કોઈ બદલો કેમ નહીં... 

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી એક જ કંપનીને સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ આપવામા આવે છે. યુનિ.માં સિક્યુરિટીને લઈને અનેકવાર ફરિયાદો ઉઠી ચુકી છે.યુનિ.માં અગાઉ પણ હોસ્ટેલમાં મારામારીની ઘટના બની ચુકી છે અને ફરી એકવાર આટલી મોટી ગંભીર ઘટના બની છે ત્યારે હવે સિક્યોરિટીનો નવો કોન્ટ્રાક્ટ કોને આપવામા આવે છે તે પ્રશ્ન છે. યુનિ.હાલ તો હોસ્ટેલના તમામ બ્લોકમાં સલામતી માટે એક્સ આર્મી મેનની સઘન સિક્યુરિટી રાખવા માટેનો નિર્ણય કરાયો છે. 

ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટી રચાઈ, એસ્ટેટ અધિકારી સહિત સ્ટાફ બદલાયો

ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાન વિદ્યાર્થીઓને મારવાની ઘટનાને પગલે ગુજરાત યુનિ.દ્વારા હવે રહી રહીને ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની રચના કરવાની જાહેરાત કરવામા આવી છે. ઉપરાંત એસ્ટેટ અધિકારી સહિતનો સ્ટાફ પણ બદલી દેવાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓ માટે કોઈ વોર્ડન ન હતા અને સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના ઈન્ચાર્જ કોઓર્ડિનેટર તરીકે અન્ય પ્રોફેસરનો ચાર્જ અપાયો હતો.જેમાં પ્રોફેસર રાકેશ રાવલને દૂર કરીને સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નવા ઈન્ચાર્જ કો ઓર્ડિનેટર તરીકે પ્રો. નિલમ પંચાલ તથા આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર તરીકે પાર્થ પંચાલને મુકવામા આવ્યા છે. આ ઉપરાંત એનઆરઆઈ હોસ્ટેલના વોર્ડન તરીકે અશોક ચાવડા તથા કોઓર્ડિનેટર તરીકે ડૉ.કપિલ કુમારને ચાર્જ અપાયો છે. જ્યારે યુનિવર્સિટી એસ્ટેટ અધિકારીને પણ બદલી દેવાયા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાત યુનિ.માં ઈન્ચાર્જ એસ્ટેટ અધિકારી જ છે અને જેઓને આ ઘટના બાદ બદલીને નવા ઈન્ચાર્જ અધિકારી તરીકે ગજેન્દ્ર પટેલને મુકવામા આવ્યા છે. યુનિ.એ અંતે હવે ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટી રચવાની પણ જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પર મામલો ચર્ચાતા સરકાર હરકતમાં, રાજકારણ શરૂ 

ગુજરાત યુનિવર્સિટીમાં પવિત્ર રમઝાનમાં નમાઝ અદા કરવાના મુદ્દે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. વિદેશી વિદ્યાર્થીઓએ આ ઘટનાને ફેસબુક પર લાઇવ કરી પોતાના દેશના લોકો પાસે મદદ માંગી હતી. જેના કારણે સોશિયલ મિડીયામાં આ વિવાદ ટ્રેન્ડ થયો હતો પરિણામે ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. એટલુ જ નહીં, આ ઘટનાને લઇને રાજનીતિ પણ શરૂ થઇ છે. AIMIM, કોંગ્રેસે કેન્દ્ર-રાજ્ય સરકારની ટીકા કરતા આખોય મામલાએ રાજકીય સ્વરુપ ધારણ કર્યુ હતું. શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ નિર્દિષ્ટ કરેલાં સ્થાને નમાઝ અદા કરી રહ્યા હતાં તે વખતે કેમ્પસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે બબાલ થઇ હતી. 25-30 લોકોના ટોળાએ હુમલો કરતાં વિદેશી વિદ્યાર્થીઓએ ફેસબુક પર લાઇવ કર્યુ હતુ. 

ઓવૈસીએ ટ્વિટ કરીને મામલો ચર્ચામાં લાવ્યો 

આ ઘટનાને લઇને AIMIM ના વડા અસદુદ્દીન ઔવેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરને ટેગ કરીને ટ્વિટ કર્યુ કે, જુઓ,તમારા ગુજરાતમાં શું થઇ રહ્યું છે? રમઝાનમાં નમાઝ અદા કરી રહેલાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે આવુ અપકૃત્ય? પોલીસ હજુ ઘટના સ્થળે પહોંચી નથી. કોઇ કાર્યવાહી કરતી નથી. આ ટ્વિટ બાદ સરકાર-ગૃહવિભાગ એકદમ હરકતમાં આવ્યુ હતું.  

ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પણ થયા હતા સક્રિય 

આ તરફ, મોડી રાત્રે જાણ થતાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ એસવીપી હોસ્પિટલ દોડી ગયા હતા અને ઘાયલ અફઘાની વિદ્યાર્થીઓના ખબરઅંતર પૂછ્યા હતાં. સાથે સાથે તોફાની તત્વો સામે કડક હાથે  કાર્યવાહી કરવા માંગ કરી હતી. સોશિયલ મિડીયામાં હુમલાના વિડીયો વાયરલ થતાં કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. 

ICCR હેઠળ સાત અફઘાન સહિત 100થી વધુ વિદેશી વિદ્યાર્થી 

ગુજરાત યુનિવર્સિટીમાં આઈસીસીઆર હેઠળ દર વર્ષે વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ યુજી અને પીજી સહિતના ઉચ્ચ શિક્ષણના કોર્સીસ -પ્રોગ્રામ માટે ભણવા આવે છે. હાલ ગુજરાત યુનિ.માં વિવિધ કોર્સમાં 105 વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનના 7 વિદ્યાર્થીઓ છે. ગુજરાત યુનિ.દ્વારા વિદેશી યુનિ.ઓ સાથે એમઓયુ કરવામા આવે છે પરંતુ વિદેશથી આવતા વિદ્યાર્થીઓને સુવિધા,સુરક્ષાને લઈને યોગ્ય કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.

વિદેશી વિદ્યાર્થીઓ પીડિત હોવાથી વિદેશ મંત્રાલય સક્રિય થયું 

શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મુદ્દે અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ પર કેટલાંક તત્વોએ હુમલો કર્યો હતો જેમાં આ વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા જેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતાં. આ સમગ્ર ઘટનાને લઇને ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. એટલુ જ નહીં,  વિદેશી વિદ્યાર્થીઓની સલામતીને લઇને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની છબી ખરડાય નહીં તે જોતાં રાજ્ય સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય ગૃહવિભાગે તપાસના આદેશ આપી આ મામલે રિપોર્ટ માંગ્યો છે. વિદેશ મંત્રાલય પણ ગુજરાત સરકારના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે રાજ્ય સરકારને તોફાની તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા છે. બીજી તરફ ચૂંટણી પંચે પણ તાકીદ કરી રિપોર્ટ માગ્યો છે.

કેન્દ્ર સરકાર સુધી મામલો પહોંચતા ગુજરાત સરકાર દોડતી થઈ 

આ ઘટના મામલે ગૃહ વિભાગ એકશન મોડમાં આવ્યું છે. સુરતનો પ્રવાસ રદ કરીને ગૃહમંત્રીએ અમદાવાદ સરકીટ હાઉસમાં તાત્કાલિક એક બેઠક બોલાવી હતી જેમાં ડીજીપી વિકાસ સહાય,અમદાવાદ પોલીસ કમિશનર જી.કે.મલિક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પોલીસે શું કાર્યવાહી કરી તે અંગે જાણકારી મેળવવામાં આવી હતી. વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થતાં  આંતર રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની છબી ખરડાય નહી તે જોતા રાજ્ય સરકાર દોડતી થઇ છે. આ ઉપરાંત ઘટનાની ગંભીર નોંધ લઇને ગૃહ મંત્રાલયે તપાસના આદેશ કર્યા હતાં. સાથે સાથે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી. 

કેમ્પસમાં સુરક્ષામાં વધારો કરાયો 

યુનિવર્સિટીમાં ઘણાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ વિદેશી વિદ્યાર્થીઓ ડર અનુભવી રહ્યા છે. તે જોતાં યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ તરફ, વિદેશ મંત્રાલય પણ ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટ કર્યુ કે, હુમલામાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. જેમને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. રાજ્ય સરકાર આ મામલે તોફાની તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવા નિર્દેશ અપાયા છે. આ ઉપરાંત રાજ્ય ચૂંટણીપંચે પણ આ ઘટના મામલે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળ્યુ છે.  


Google NewsGoogle News