અમદાવાદમાં બનાવટી દસ્તાવેજ પર ગેરકાયદે વિદેશ મોકલવાનું કૌભાંડ, એક સામે ગુનો દાખલ
ગુજરાતમાં ગત વર્ષે ડિસેમ્બરમાં અલગ-અલગ 17 સ્થળોએ CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા
બનાવટી દસ્તાવેજો, ડુપ્લીકેટ માર્કશીટ તેમજ બેંકના ખોટા લેટરપેડ પર વિદેશ મોકલવાના કૌભાંડનો ખુલાસો
Gujarat News : ગુજરાતમાંથી વિદેશ ભણવા અને ત્યાં જ સ્થાયી થવા માટે હાલ યુવાનોમાં ક્રેઝ વધી ગયો છે અને વિદેશ જવાના મોહમાં અનેક યુવકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વિદેશોમાં નોકરી સહિતની લાલચો આપીને ઘણા એજન્ટો તેમજ કન્સલ્ટન્સીના માલિકો યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે થોડા મહિનાઓ પહેલા જ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર CID ક્રાઈમની 17 ટીમો દ્વારા એક સાથે મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બનાવટી દસ્તાવેજો, ડુપ્લીકેટ માર્કશીટ તેમજ બેંકના ખોટા લેટરપેડ મળી આવ્યા હતા. આ ડોક્યુમેન્ટ કેવી રીતે તૈયાર થયા તેની પ્રાથમિક તપાસમાં ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલનું નામ સામે આવ્યું હતું જેના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને શોઘખોળ હાથ ધરી છે.
બે વિદ્યાર્થીઓની તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
ગુજરાતમાં ગત વર્ષે ડિસેમ્બરમાં અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં કુલ 17 જગ્યાએ સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 3571 ડુપ્લીકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા. આ ઉપરાંત નકલી માર્કશીટ તેમજ બેંકના લેટર પણ મળી આવ્યા હતા. હાલ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દરોડાની પ્રાથમિક તપાસમાં અસલ દસ્તાવેજો પડાવી લઈને બનાવટી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી નેપ્ય્ચુન કન્સલ્ટન્સીમાંથી કેટલાક વિદ્યાર્થીઓના દસ્તાવેજો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઈમે ઓસ્ટ્રેલિયા જતા બે વિદ્યાર્થીઓની તપાસ કરતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતું. આ બનાવટી દસ્તાવેજો કેવી રીતે તૈયાર થયા તેની સીઆઈડી ક્રાઈમની તપાસમાં ગાંધીનગર ખાતેના કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલનું નામ સામે આવ્યું હતું.
વિશાલે અસલી ડોક્યુમેન્ટ હોવા છતાં બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા
સીઆઈડી ક્રાઈમની પ્રાથમિક તપાસમાં મિહિર રામી અને સચિન ચૌધરી નામના બે શખ્સોના ડુપ્લિકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા, જે વિશાલ પટેલ નામના વ્યક્તિએ બનાવ્યા હતા. મિહિર રામી અને સતીશ ચૌધરીએ તેમના તમામ અસલી દસ્તાવેજો વિશાલને આપ્યા હતા જેનો ઉપયોગ કર્યો ન હતો અને બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. આ ઉપરાંત એવી પણ વિગતો સામે આવી છે કે બંનેના પરિવારજનોએ વિઝા કન્સલટન્ટ વિશાલ પટેલને ત્રણ-ત્રણ લાખ આપ્યા હતા. હાલ સીઆઈડી ક્રાઈણે વિશાલ પટેલની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.