22 દિવસ બાદ આજે પૂરું થયું દિવાળી વેકેશન, આજથી રાબેતા મુજબ શરુ થઈ ગુજરાતની શાળા-કૉલેજો
Image: AI |
Gujarat News: શાળા-કૉલેજ અને યુનિ.ઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ 1થી 12ની શાળા તેમજ રાજ્યની સરકારી યુનિ.ઓના ભવનો તેમજ કૉલેજો આજથી રાબેતા મુજબ શરુ થઈ ગયા છે. જો કે શાળાઓમાં 18 નવેમ્બર અને કૉલેજમાં યુનિ.ના ભવનમાં 16 ડિસેમ્બરથી દ્વિતિય સત્ર શરુ થશે.
વેકેશન બાદ ફરી બાળકોના શોરબકોરથી ગુંજશે શાળા
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી, રાજ્યની 50 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઑક્ટોબરથી દિવાળી વેકેશન શરુ થયું હતું. જે 17 નવેમ્બરે પૂર્ણ થઈ ગયું છે. આજથી તમામ સ્કૂલોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરુ થઈ દ્વિતિય સત્રનો પ્રારંભ થયો છે. વેકેશન બાદ ફરીવાર સ્કૂલોના કેમ્પસ બાળકોના શોરબકોરથી ગુંજશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ, કાગડાપીઠમાં તલવારના ઘા મારી યુવકનું ઢીમ ઢાળી દીધું
રવિવારનો મળ્યો લાભ
જ્યારે રાજ્યની સરકારી યુનિ.ઓ માટેના સરકારના કોમન એકેડેમિક કેલેન્ડર મુજબ યુનિ.ના ભવનો તથા યુનિ.ઓ સંલગ્ન તમામ કૉલેજોમાં 27 ઑક્ટોબરથી દિવાળી વેકેશન શરુ થયું હતું, જે 16 નવેમ્બર સુધીનું હતું. પરંતુ ગતરોજ રવિવાર હોવાથી કૉલેજો-યુનિ.ઓના વિદ્યાર્થીને 22 દિવસની રજા મળી છે અને યુનિ.-કૉલેજોમાં આજથી શિક્ષણકાર્ય શરુ કરવામાં આવ્યું છે.
જો કે કોમન એકેડેમિ કેલેન્ડર મુજબ યુનિ.ઓના ભવનો તેમજ કૉલેજોમાં 14 ડિસેમ્બર સુધીનું પ્રથમ સત્ર રહેશે અને ત્યારબાદ 16 ડિસેમ્બરથી યુજી સેમ.4 તથા સેમ.6 અને પીજી સેમ.4માં દ્વિતિય શૈક્ષણિક સત્ર શરુ થશે. આ ઉપરાંત કોમન એકેડેમિક કેલેન્ડર મુજબ યુનિ.ઓના ડિપાર્ટમેન્ટ્સ તેમજ કૉલેજોમાં 18 નવેમ્બરથી વીકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્કથી માંડી ઇન્ટરનલ એક્ઝામ સહિતનું આંતિરક મૂલ્યાંકન શરુ થશે. કૉલેજો-ભવનોએ 14 ડિસેમ્બર સુધીમાં ઇન્ટરનલ પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે.