ગુજરાતમાં ચાર ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનો સહિત પાંચના મોત, વડોદરામાં હિટ એન્ડ રન
Gujarat Road Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ચાર ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના જીવ ગયા છે. ખેરાલુ- સિદ્ધપુર હાઇવે પર રામદેવપીરના મંદિર મલેકપુર ગામ નજીક બેફામ ડમ્પર ચાલકે કારને ટકકર મારી હતી. જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. બીજી તરફ મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યં હતું. જામનગરમાં ડમ્પર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું.
ખેરાલુ- સિદ્ધપુર હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ટક્કર
મળતી માહિતી અનુસાર, ખેરાલુ- સિદ્ધપુર હાઇવે પર રામદેવપીરના મંદિર મલેકપુર ગામ નજીક બેફામ ડમ્પર ચાલકે કારને ટકકર મારી હતી. જેમાં કાર પલટી મારીને રોડની સાઈડમાં ખાબકી હતી. આઅકસ્માતમા વલાસણા અને મલેકપુર ગામના બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જો કે, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. આ મામલે ખેરાલુ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખાત્રજ ચોકડી નજીક બાઈક અકસ્માતમાં એસ.ટી. ડ્રાઈવરનું મોત
મહેમદાવાદ ખાત્રજ ચોકડી નજીક રોંગ સાઈડથી આવેલી બાઈકે સામેથી આવતી બાઈક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ખેડા એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી મહેશભાઈ ચૌહાણનું મોત થયું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાં સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે (નવમી જૂન) મોડી રાત્રે સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાંસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
જામનગર ડમ્પર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત
જામનગર નજીક ચેલા ચંગા રોડ પર આજે સવારે એક ડમ્પર અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવાનો ઘાયલ થયા છે. સમગ્ર બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા છે, અને વધુ તપાસ હાથ ધરી છે.