રાજ્યસભા ઇલેક્શનઃ ભાજપ નવા ચહેરા-મહિલાને તક આપી શકે છે, ટિકિટમાં કોની લોટરી લાગશે, અટકળો શરુ..!
image : Socialmedia
અમદાવાદ,તા.9 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
ગુજરાતમાં ભાજપના બે-કોંગ્રેસના બે સભ્યોની મુદત પૂર્ણ થઇ છે ત્યારે આગામી 26મી ફેબુ્આરીએ આ ચાર બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણીને લઇને આજે જાહેરનામુ પ્રસિધ્ધ થયુ છે. આ જોતાં હવે ભાજપ રાજ્યસભામાં કોને મોકલશે તે અંગે રાજકીય અનુમાનોનો દોર શરૂ થયો છે. એવી ચર્ચા છેકે, ભાજપ એક મહિલા સહિત નવા ચહેરાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે તક આપી શકે છે.
ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થશે, કોંગ્રેસ ઉમેદવાર નહીં ઊભા રાખે, ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયું
ભાજપના રાજ્યસભાના સભ્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા ઉપરાંત કોંગ્રેસના અમી યાજ્ઞિાક અને નારણ રાઠવાની મુદત પૂર્ણ થઇ છે. આ ખાલી પડેલી ચાર બેઠકો માટે તા.26મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. આજે ચૂંટણીપંચે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. વિધાનસભામાં સભ્ય સંખ્યાબળને જોતાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા નહી રાખવા નક્કી કર્યુ છે. આ જોતાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થાય તે વાત નક્કી છે.
એવી ચર્ચા છે કે, કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નવા ચહેરાને સ્થાન આપી શકે છે.આ ઉપરાંત ચારેય ઉમેદવાર પૈકી એક મહિલાને તક આપે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છેકે, ગત વખતે પણ ભાજપ હાઇકમાન્ડે બાબુભાઇ દેસાઇની પસંદગી કરીને સૌને ચોકાવ્યા હતાં. આ વખતે પણ ભાજપ રાજ્યસભાના ઉમેદવાર તરીકે નવા ચહેરાને જ પસંદ કરે તેમ છે.
કોંગ્રેસે આ વખતે બે બેઠકો ગુમાવવી પડશે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 પૈકી કોંગ્રેસ પાસે એક માત્ર બેઠક રહી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો પણ વર્ષ 2026માં સમયકાળ પૂર્ણ થઇ રહ્યો છે. અત્યારે તો ભાજપમાં રાજયસભાના ઉમેદવારને લઇને અનુમાન થવા માડયાં છે. કયા મુરતિયાને મોકો મળશે તે અંગે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓને ય ખબર નથી. કેમકે, જે કઇ નક્કી થશે તે દિલ્હીમાં થશે.