ગુજરાતમાં ચોમાસું શરૂ થયાના મહિના પછીયે માંડ 26 ટકા વરસાદ, 18 જિલ્લામાં 20 ટકાથી વધુ ઘટ
Monsoon Updates: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈના એક મહિનો પૂરો થશે. એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે.
166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં જૂનમાં 4.52 ઈંચ જ્યારે 12મી જુલાઈ સુધી 4.62 ઈંચ વરસાદ વરસ્યો છે. 166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ વર્ષ 2023માં 12મી જુલાઈ સુધીમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા માત્ર 57 તાલુકા હતા. ગતવર્ષે 63 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે.
આ પણ વાંચો: હરણી બોટ કાંડ જેવી ઘટનાઓ રોકવા હાઈકોર્ટનું સૂચન, જળાશયોમાં વોટર પોલીસ તહેનાત કરવી જોઈએ
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં ગતવર્ષે સિઝનનો 112 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જ્યારે આ વખતે ત્યાં 35 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ સૌથી સામાન્ય છે. ઉત્તર ગુજરાતમાં 5.20 ઈંચ સાથે સિઝનનો 18.13 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 5.41 ઈંચ સાથે સિઝનનો 16.69 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દાહોદમાં સૌથી ઓછો 3.39 ઈંચ જ્યારે વલસાડમાં સૌથી વધુ 25.14 ઈંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા વર્ષોની વાત કરવામાં આવે તો 12મી જુલાઈ સુધી 2020માં 10 ઈંચ, 2021માં 5.85 ઈંચ, 2022માં 14.23 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સ્થિતિએ 12મી જુલાઈ સુધીમાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તેવું છેલ્લા પાંચ વર્ષમાં આ બીજું સૌથી નબળું વર્ષ છે.