ગુજરાતના ડેમ છલકાતાં રૅકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન, 5 વર્ષમાં 4600 મિલિયન યુનિટનું ઉત્પાદન
Gujarat Increase In Power Generation : હાલ ભારતભરમાં રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકાર સોલાર રૂફટોપ માટે સબસિડી પણ આપી રહી છે, ત્યારે ભારતમાં વર્ષ 2030 સુધીમાં 500 GW બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત ક્ષમતા સુધી પહોંચવાના ટાર્ગેટ સાથે ગુજરાતમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જેમાં સોલાર રૂફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રીન્યુએબલ એનર્જી પાર્ક સહિતના રાજ્યમાં પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે. આ દરમિયાન ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકતાં ગુજરાતના ડેમ છલકાતાં હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પણ રૅકોર્ડ વીજ ઉત્પાદનમાં થઈ રહ્યું છે. જેમાં ગુજરાતના ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઑગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન થયું છે. જ્યારે જુલાઈમાં વીજ ઉત્પાદન 308.7 મિલિયન યુનિટ થયું છે.
આ પણ વાંચો : ચંદ્ર પર બનાવાશે પરમાણુ પાવર પ્લાન્ટ ! રશિયા, ભારત અને ચીન રચશે ઈતિહાસ, જાણો પ્રોજેક્ટની વિશેષતા
સરદાર સરોવર ડેમમાંથી 800 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન
ઑગસ્ટ મહિનામાં સરદાર સરોવર ડેમમાંથી 800 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે. જેમાં સરદાર સરોવર (RBPH) અને સરદાર સરોવર(CHPH)માંથી ઑગસ્ટ મહિનામાં કુલ 891 MU વીજ ઉત્પાદન થયું છે. રાજ્યના અન્ય હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી પણ નોંધપાત્ર વધારા સાથે વીજ ઉત્પાદન થયું છે.
હાઇડ્રો પ્લાન્ટમાં વીજ ઉત્પાદન
છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 4600 MU ઉત્પાદન
રાજ્યમાં 2019થી 2024 સુધીમાં સરેરાશ હાઇડ્રો પાવર ઉત્પાદન 4600 MU થયું છે. જેમાં ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 4600 MU જેટલું ઉત્પાદન જોવા મળ્યું છે. જ્યારે વર્ષ 2022-23માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 6170.456 MU થયું હતું, જે વર્ષ 2021-22ના 2629.059 MUની સરખામણીએ 134 ટકા વધુ છે. વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 4584.932 MU રહ્યું છે. રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસ માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નવીનીકરણીય ઉર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.