Get The App

ગુજરાત સમાચારના અહેવાલની અસર: ચૂંટણીમાં ફરાસખાનાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ, સુરતની અનન્યા એજન્સી બ્લેક લિસ્ટ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ગુજરાત સમાચારના અહેવાલની અસર: ચૂંટણીમાં ફરાસખાનાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ, સુરતની અનન્યા એજન્સી બ્લેક લિસ્ટ 1 - image


Gujarat Samachar News Impact: માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)ને પ્રોત્સાહન આપવાના બહાને લોકસભાની ચૂંટણી પહેલાં જેમ પોર્ટલ (GEM portal) પર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સરકારના નીતિ નિયમોને અભરાઈ પર ચઢાવી દેવાયા હતાં. જેમાં કેટલીક એજન્સીઓ પાસે ચૂંટણીને લગતી કોઈપણ પ્રકારની સાધન સામગ્રી ન હોવા છતાં કરોડો રૂપિયાનો મંડપ અને ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ પધરાવી ફાયદો કરી આપવાની પેરવી થઈ હતી. આ મામલો જ્યારે હાઈકોર્ટ સુધી પહોંચ્યો ત્યારે 20 સપ્ટેમ્બર, 2024 ના રોજ બોટાદના કલેક્ટરને સુરતની અનન્યા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો હુકમ કર્યો હતો. 

શું હતી ટેન્ડર પ્રક્રિયા?

લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લા કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી અને બેઠક પ્રમાણેના રીટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવતી હોય છે અને તેઓ દ્વારા મતદાન તેમજ મત ગણતરીના દિવસ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. જેને ધ્યાનમાં રાખી અત્યાર સુધી જિલ્લા કક્ષાએ જરૂરી ચીજ વસ્તુઓની ટેન્ડર પ્રક્રિયા સરકારના ધારા ધોરણ પ્રમાણે કરવામાં આવતી હતી. જેમાં જીએસટી, ગુમાસ્તાધારા લાઇસન્સ, કામગીરીનો અનુભવ સર્ટિફિકે્ટ અને જેટલાં રૂપિયાનું ટેન્ડર હોય તેટલી રકમનું ટર્નઓવરની માહિતી ઉપરાંત એજન્સીની સ્થાનિક ઓફિસર તેમજ ગોદામના ફોટાગ્રાફના પુરાવા રજૂ કરવાના હોય છે. તેની સાથે જ ટેન્ડર પ્રક્રિયા માટે અધિકારીઓની કમિટી પણ બનાવવામાં આવતી હતી અને વખતોવખત શરતો નક્કી કરવામાં આવતી હતી. 

આ પણ વાંચોઃ ગુજરાતના તબીબી પ્રાધ્યાપકો માટે મોટા સમાચાર! સરકારે 30 થી 50 ટકા સુધી વેતનમાં કર્યો વધારો

આ જ પ્રમાણે સરકારના ધારા ધોરણો મુજબ હાલમાં ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે, તેમજ અખબારોમાં પણ જાહેરાત આપવામાં આવતી હોય છે. તેમાં ટેન્ડર ભરનારા વેપારીઓ કે કંપનીઓ ઓનલાઈન માહિતી રજૂ કર્યા બાદ હાર્ડ કોપી પણ પોસ્ટ દ્વારા  જે-તે વિભાગને મોકલવામાં આવે છે અને તે આધારે ટેન્ડર મંજૂર કરવામાં આવે છે. 

માનીતી એજન્સીઓને કરાવ્યો લાભ

ચૂંટણી પંચ અને સરકારના નિયમોની ઉપરવટ જઈ હવે ગત વિધાનસભાની ચૂંટણીથી ગુજરાતમાં વિવિધ ચૂંટણી સામગ્રી મેળવવા માટે સરકારના જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં એમ.એસ.એમ.ઈ અંતર્ગત નોંધાયેલા વેપારીઓને લાભ મળે તેને ધ્યાનમાં રાખી જેમ પોર્ટલ પર ટેન્ડર મંગાવવામાં આવે છે. પરંતુ સરકારના અભિગમનું કેટલાક અધિકારીઓ મનસ્વી અર્થઘટન કરી પોતાની માનિતી એજન્સીઓને લાભ થાય તેવા નિયમો બનાવી દેવામાં આવે છે. જેને કારણે એજન્સીને કોઈપણ જાતનો અનુભવ ના હોય કે પછી તેની પાસે કોઈ સાધન સામગ્રીનો જથ્થો પણ હોય નહીં તેમ છતાં આવી એજન્સીઓને કરોડો રૂપિયાના ટેન્ડર પધરાવી દેવામાં આવે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મનસ્વી નીતિ નિયમો બનાવી કેટલીક એજન્સીઓને ચૂંટણીની સાધન સામગ્રીઓ પહોંચાડવાના ટેન્ડરો પધરાવી દેવામાં આવ્યા હતા. આવી એજન્સીઓ પાસે પૂરતો માલ સામાન નહીં હોવાને કારણે બીજા વેપારીઓને સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેને કારણે મતદાન અને મત ગણતરી સમયે અનેક જિલ્લાઓમાં મુશ્કેલી પડી હતી.

આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં પણ ફરી એકવાર જેમ પોર્ટલ પર દરેક જિલ્લા પ્રમાણે જરૂરી ચૂંટણીલક્ષી સાધન સામગ્રી તેમજ ભોજનની વ્યવસ્થા માટેના અલગ-અલગ ટેન્ડરો વિવિધ એજન્સીઓ પાસેથી મંગાવવામાં આવ્યા છે. જેમાં એમ.એસ.એમ.ઈ અંતર્ગત નોંધાયેલી એજન્સીઓને ફરી એકવાર પ્રોત્સાહન આપવાના બહાને અધિકારીઓ અને રાજકારણીઓની માનીતી એજન્સીઓને ટેન્ડર પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કચ્છમાં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં બળાત્કારની ત્રીજી ઘટના

સામગ્રી ન હતી છતાં ટેન્ડર પધરાવી દીધું

સુરત ભાવનગર અને ગોધરાની કેટલીક એજન્સીઓ તો સ્ટેશનરી, કેટરિંગ, વીડિયોગ્રાફી અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમની પાસે ચૂંટણીને લગતી જરૂરી મંડપ ડેકોરેટર્સના કોઈ સાધન સામગ્રી નથી તેમ છતાં જેમ પોર્ટલ પર ટેન્ડરો ભર્યા છે. સુરતની એજન્સીએ તો 22 જિલ્લામાં ટેન્ડર ભર્યા છે. જેમાં કેટલાકે તો મંજૂર કરી સુરતની અનન્યા એજન્સીને કામ પધરાવી દીધું હતું.

આ સામે મંડપ હાયર્સ ઈલેક્ટ્રિકલ એસોસિએશન દ્વારા રાજ્યના ચૂંટણી કમિશનરને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા આખરે હાઈકોર્ટમાં અરજ કરી હતી. વડોદરાના નિઝામુદ્દીન શેખ, લાલાભાઇ શ્યામવાળા અને સુરતના અશ્વિનભાઈ અકબરી એ સુરતની અનન્ય એજન્સી સામે કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમજ જે તે પોલીસ સ્ટેશન ખાતે અનન્યા એજન્સીના માલિકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે માંગણી કરી હતી. 

અનન્યા એજન્સીને બ્લેક લિસ્ટ કરાવવાનો આદેશ

હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ તાજેતરમાં હાઈકોર્ટે બોટાદ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. જેના આધારે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે સુરતની અનન્યા એજન્સીને બ્લેકલિસ્ટ કેમ ન કરવી તે અંગે નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જીન્સી રોયએ અનન્યા એજન્સીના સંચાલક કિંજલબેન રાકેશ કુમાર ખેનીને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે છે અને અનન્યા એજન્સી પાંચ વર્ષના સમયગાળામાં કોઈપણ સરકારી કચેરી બોર્ડ, નિગમ, કોર્પોરેશન નગરપાલિકા કે મહાનગરપાલિકાની સંસ્થામાં કોઈપણ પ્રકારની વસ્તુ કે અન્ય સેવા પૂરી પાડવા માટે ટેન્ડર ભરી શકશે નહીં તેમ આદેશ કરી હાઈકોર્ટને સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ યુવતીઓ એલર્ટ, ભાયલીમાં ગરબામાં વિખુટી પડેલી સગીરાએ મદદ લીધી

અનન્યા એજન્સી ના સંચાલકોએ ખોટું સોગંદનામું રજૂ કર્યાની પોલીસ ફરિયાદ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં સુરતની બિન અનુભવી અનન્યા એજન્સીને ફરાસખાના નો ખોટી રીતે કોન્ટ્રાક્ટ આપી દીધા બાદ લોકસભાની ચૂંટણીમાં પણ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે અનન્યા એજન્સીનું ખોટું સોગંદનામું અને ફરાસખાનાની કોઈપણ પ્રકારની સાધન સામગ્રી નહીં હોવા છતાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જે અંગે શ્યામ ફરાસખાનાના સંચાલકોએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખી સુરતની એજન્સી સામે ખોટા એફિડેવિટ કરવા બાબતે પોલીસ ફરિયાદ કરવાની માંગણી કરી હતી છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

શ્યામ ફરાસખાનાના સંચાલકે કરી લેખિત રજૂઆત

જિલ્લા ચૂંટણી અધિકારીને તારીખ સાતમી ઓક્ટોબરના રોજ હાઈકોર્ટના હુકમ અંગેની જાણકારી આપી શ્યામ ફરાસખાનાના સંચાલકે લેખિતમાં રજૂઆત કરી છે કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં જેમ પોર્ટલ પર ફરાસખાનાના ઈજારા માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે અંગેની તમામ શરતો પૂર્ણ કરી હતી પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં હાજર રહેવા કોઈ જાણકારી આપી ન હતી. તેમજ ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક એજન્સી દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવાની શંકા જતા ટેન્ડર પ્રક્રિયામાં ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની માંગણી કરી હતી. તેમ છતાં કોઈપણ જાતની ચકાસણી કર્યા વિના ચોક્કસ ઈજારદારને ફાયદો કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરી હતી. 

સુરતની અનન્યા એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામાની નકલમાં તદ્દન ખોટી માહિતી રજૂ કરવામાં આવી છે જેથી ખોટું એફીડેવિટ રજૂ કરવું તે ફોજદારી ગુનો પણ બને છે. આ ટેન્ડર પ્રક્રિયામાં ખોટી રીતે સુરતની એજન્સીને કામ આપી દેવામાં આવતા શ્યામ ફરાસખાના ક્વોલીફાઇ હોવા છતાં ઇજારો આપવામાં આવ્યો નથી અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે જેથી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News