ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 45 જળાશયો છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમ 53 ટકા ભરાયો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Sardar Sarovar Dam


Gujarat Monsoon: ગુજરાતમાં વિવિધ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો છે. જેના પરિણામે રાજ્યના 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે સાત જળાશયોમાં 90થી 100 ટકા  ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય 206 જળાશયોમાં 2,64,362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

રાજ્યના 30 ડેમ 70થી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું

રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવરમાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5,500  ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. રાજ્યના 30 ડેમ 70થી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી, પ્રાંતિજમાં બે કલાકમાં જ 5 ઇંચ ખાબકતાં જળબંબાકાર

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ 

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.88 ટકા, કચ્છના 20 જળાશયોમાં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 45 જળાશયો છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમ 53 ટકા ભરાયો 2 - image


Google NewsGoogle News