Get The App

ખ્યાતિકાંડ અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય, આખરે બે ડૉક્ટરના લાઈસન્સ સસ્પેન્ડ

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
Khyati Hospital PMJAY Scam


Khyati Hospital PMJAY Scam: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ ડૉ. સંજય પટોળિયા અને ડૉ. શૈલેષ આનંદનું  તબીબ તરીકેનું લાયસન્સ 3 વર્ષ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયું છે. આમ ખ્યાતિકાંડ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સીલ દ્વારા  અત્યારસુધી સસ્પેન્ડ થયેલા ડૉક્ટરોનો આંક 3 થયો છે. અગાઉ ડો. પ્રશાંત વજીરાણીને પણ સસ્પેન્ડ કરાયા હતા.

લાઈસન્સ તાકીદે સરંડર કરી દેવા પણ આદેશ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી સામે આવ્યાના 3 મહિના અને તે મામલે  ધરપકડ થયા ને 2 મહિના બાદ આખરે ગુજરાત મેડિકલ કાઉન્સિલ જાગ્યું છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલની જનરલ બોડી મીટિંગ ડો. નીતિન વોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડ સાથે સંકળાયેલા ડો. સંજય મુળજીભાઇ પટોળિયા (એમબીબીએસ- એમ.એસ. સર્જરી), ડો. શૈલેષકુમાર અમૃતલાલ આનંદ (એમબીબીએસ-ડી.સી.એમ.)નું લાઈસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતના માત્ર 115 રૂપિયાના પ્રથમ બજેટનો ઈતિહાસ, જાણો કોણે રજૂ કર્યું હતું


ગુજરાત મેડિકલ કાઉન્સિલના પાસેથી પ્રાપ્ત માહિતી અનુસારક, આ મામલે અત્યાર સુધીમાં ડો પ્રશાંત વજીરાણીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો પટોળિયા અને ડા આનંદની સંડોવણી પણ બહાર આવી હતી. જે મામલે તપાસ કરી રહેલાં પીએમજેએવાય યોજનાના ડેપ્યુટી ડાયરેક્ટર ડો યુ. બી. ગાંધી અને સાત સભ્યોની કમિટીએ તેમનો રિપોર્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલને આપ્યો હતો. આ રીપોર્ટને આધારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1967 સેક્શન 22 (1) (બી)(આઈ) હેઠળ થયેલી જોગવાઇ પ્રમાણે બંને તબીબના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા છે અને આ લાઈસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સરંડર કરવા સૂચના આપી દેવાઈ છે.

ખ્યાતિ હોસ્પિટલે પીએમજેએવાય યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા

ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પીએમજેવાય યોજના દ્વારા દર્દીઓના બિનજરૂરી ઓપરેશનો કરી તગડાં પૈસા કમાવવાના કેસમાં આ પગલા લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર હતો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આરોપી ડૉ. સંજય પટોળિયાનો 39 ટકા ભાગ હતો અને તે બેરિયાટ્રિક્સ સર્જન હતો. ખ્યાતિ હોસ્પિટલે પીએમજેએવાય યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે. ડો. સંજયે જ ખ્યાતિ હોસ્પિટલની બેરિયાટ્રિક્સ હોસ્પિટલના નામથી શરૂઆત કરી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લગતા તમામ નિર્ણયો પોતે લેતો હતો. હોસ્પિટલમાં નવા મેડિકલ વિભાગો ચાલુ કરવા તથા તે માટે જરૂરી ડોકટરો લાવવા માટેની કામગીરી ડો. સંજય જ સંભાળતો હતો.

ખ્યાતિકાંડ અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય, આખરે બે ડૉક્ટરના લાઈસન્સ સસ્પેન્ડ 2 - image


Google NewsGoogle News