Get The App

ગુજરાતમાં નશીલા ડ્રગ્સના ઉત્પાદનનો ધમધમતો ગૃહઉદ્યોગ, દવાના નામે રાજ્યના ખૂણેખાંચરે બનાવાઈ ફેક્ટરી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં નશીલા ડ્રગ્સના ઉત્પાદનનો ધમધમતો ગૃહઉદ્યોગ, દવાના નામે રાજ્યના ખૂણેખાંચરે બનાવાઈ ફેક્ટરી 1 - image


Gujarat 8 Thousand Drugs Caught in One Year: દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે જ ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. પોલીસ અને એજન્સીની કાર્યવાહી પરથી તો એવું જણાય છે ગુજરાતમાં જાણે ગૃહઉદ્યોગ ખુલ્યો હોય તેમ નશીલા ડ્રગ્સનું ઉત્પાદન શરુ થયું છે. એક વર્ષમાં પોલીસ, એનસીબી અને અન્ય એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરી દવાના નામે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતાં નોંધપાત્ર કહી શકાય તેવા સાત દરોડામાં 8 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડયું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂણેખાંચરે ફેક્ટરી નાંખી નશીલા ડ્રગ્સનું ઉત્પાદન શરુ કરી દેવાયું છે. દવાના નામે પ્રતિબંધિત એવા સાઈકોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતાં એકમો અને આવા એકમો પકડાવાના ઘટનાક્રમ અને કારસ્તાને એજન્સીઓ માટે વધુ એક મોરચો ખોલ્યો છે.

દવાના નામે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

પાકિસ્તાનથી ગેરકાયદેસર હેરાફેરી પછી હવે દવાના નશાનું ઉત્પાદન કરનારાંઓ સામે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કડક અને સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દવાના નામે કેમિકલ મેળવી યુવા પેઢીને બરબાદ કરતું ડ્રગ્સ બનાવવાના ગેરકાયદે કૃત્ય ઉપર અંકુશનો અભાવ જણાઈ રહ્યો છે. ચાલુ વર્ષે વિતેલા મહિનાઓ દરમિયાન ઉપરાંત પ્રતિબંધિત શ્રેણીમાં આવતી ટ્રામાડોલ ટેબલેટ બનાવતી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી છે. આ પહેલાં ગુજરાત-રાજસ્થાનમાં સામૂહિક દરોડા પાડી 300 કરોડનું તેમજ સુરતના પલસાણામાંથી ડ્રગ્સ એટલે કે દવા બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. સાણંદ પાસે હજારો કિલો ડ્રગ્સ એટલે કે દવા સાથે ફેક્ટરી પકડાયું હતું. અમદાવાદ નજીક ચાંગોદર અને યુપીમાં ધમધમતી ટેબલેટ બનાવતી ફેક્ટરીમાં સામૂહિક દરોડા પાડી 15 લાખ ટેબલેટો કબજે કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ ઉડતા ગુજરાત : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેનું 'સિલ્ક રૂટ' બની રહ્યું

ગુજરાતમાં ફાર્મા કંપનીઓ પર દરોડા

ગુદજરાતમાં અમદાવાદના ચાંગોદર, અંકલેશ્વર ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારે નશાની ટેબલેટ્સ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ તંત્રએ પકડી પાડી છે. છેલ્લાં એક વર્ષમાં પ્રતિબંધિત દવા બનાવતા અડધો ડઝન એકમો પોલીસ અને એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવી છે. ગુજરાત એટીએસ, એનસીબી સહિતની એજન્સીઓએ હાથ મિલાવીને ગૃહઉદ્યોગ હોય તેમ નશીલા ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી આરંભી છે. ચાલુ વર્ષે જ અમદાવાદ આસપાસના અડધો ડઝન એકમો ઉપર દરોડા પાડીને 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. 

ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ પર એનસીબીની ચાંપતી નજર

ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઈપણ યુનિટના નામ સાથે ફાર્મા શબ્દ જોડી દઈને આવી પ્રતિબંધિત દવા બનાવવાનું ચલણ ભયજનક રીતે વધ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પોલીસ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને એનસીબી દ્વારા દરોડા પાડવા અને આરોપીઓને પકડવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. 4 હજાર એકમો ધરાવતી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત આસપાસના રાજ્યોની ફાર્મા કંપનીઓ ઉપર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખતી થઈ છે. 

આ પણ વાંચોઃ જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : તસ્કરની ધરપકડ સાથે 3.14 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

જીનવરક્ષક દવાના નામે જિંદગીનું જોખમ સર્જતા ડ્રગ્સનું ઉત્પાદન નફા માટે અમુક એકમો અથવા તો જોબવર્કના નામે થઈ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પૈસા માટે જીવનરક્ષક દવાઓ બનાવનારાં લોકો જીવનભક્ષક કૃત્યનો હિસ્સો બની રહ્યાં છે. લદેશમાં ટોચનું સ્થાન ધરાવતી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝમાં ગુજરાત સરકારે આપેલા ઈજન પછી રોકાણ વધવા સાથે હરિફાઈ પણ વધી છે. ફાર્મા ઈન્ડસ્ટ્રીઝમાં નાના અને ઉગતા ધંધાર્થીઓને ટાર્ગેટ કરી સરળતાધથી માલજાર અથવા વિદેશી તત્ત્વોનો હાથો બનીને દવાના નામે ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની ચર્ચા વ્યાપક બની છે.

જોબવર્કના નામે નશાના ઉત્પાદનનું ષડયંત્ર

સરળતાથી નફા માટે નશીલા દ્રવ્યોનું ઉત્પાદન કરવા માટે નવી નવી પેંતરાબાજી આચરવામાં આવે છે. નશીલા દ્રવ્યો બનાવતાં એકલદોકલ એકાદ દશકા પહેલાં પકડાતાં હતાં. એ પછી શેડ ભાડે રાખીને ઉત્પાદન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. હવે તો, જોબ વર્કના નામે નશીલા દ્રવ્યોનું ઉત્પાદન થતું હોવાની વિગતો છે. ઉમરગામ જીઆઈડીસીથી પકડાયેલી ફેક્ટરીના સંચાલકે જોબવર્કનું કામ હતું તેવી પ્રાથમિક કેફિયત આપ્યાનું પોલીસ કહે છે. અધિકારી સૂત્રો કહે છે કે, આ પ્રકારે અલગ-અલગ તબક્કામાં પ્રસસ કરાવી જોબવર્કથી ડ્રગ્સનું ઉત્પાદન કરાવવાની પધ્ધતિ સામાજીક રીતે ભયજનકપૂરવાર થઈ રહે છે.

વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરીઓ ઉપર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું

માસ
દરોડા
એપ્રિલ 2024
ગાંધીનગરના પિપળજ અમરેલીના ભક્તિનગર અને રાજસ્થાનના સિરોહી, ઓસિયામાં દરોડા પાડી (એટીએસ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ 230 કરોડનું મેફેડ્રોન પકડયું છે. સંયુક્ત ઓપરેશનમાં કુલ 13 આરોપીને ઝડપી લેવાયાં હતાં.
જૂન 2024
મધ્યપ્રદેશની ફેક્ટરીમાં ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત કાર્યવાહી કરી 1814 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ભોપાલ નજીક બરગોદા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાંથી 907 કિલો મેફેડ્રોન કબજે કરાયું છે.
જુલાઈ 2024
સુરતના પલસાણામાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી. 51 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ પકડાયાં. કસ્ટમ્સ વિભાગે કચ્છના મુન્દ્રા 110 કરોડની 68 લાખ મુન્દ્રા પોર્ટથી ટ્રામાડોલ ટેબલેટ્સ સાથેનું પશ્ચિમ આફ્રિકા મોકલવાનું કન્ટેનર કબજે કર્યું હતું. તપાસ બાદ એટીએસની ટીમે ભરૂચના જોલવા ખાતે ડીઆઈડીસી ખાતે ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી 31 કરોડની ટેબલેટ અને પ્રવાહી કબજે કર્યું હતું.
ઓગષ્ટ 2024
ગુજરાત એટીએસએ થાણેની ફેક્ટરીમાંથી 800 કરોડનું ડ્રગ્સ પકડ્યા પછી ભરૂચમાંથી 31 કરોડનું લિક્વીડ ટ્રામાડોલ ડ્રગ્સ પકડયું
ઓક્ટોબર 2024
વલસાડમાં ઉમરગામ જીઆઈડીસી અને દેહરીમાં દરોડા પાડી ડીઆરઆઈ અને સીઆઈડીના નાર્કોટિક્સ સેલએ મેફેડ્રોનનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડી હતી. 25 કરોડની કિંમતના 17 કિલો લિક્વિડ મેફેડ્રોનના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવાયાં છે. 
ઓક્ટોબર 2024
દિલ્હી પોલીસે મહિનાની શરૂઆતમાં બે તબક્કે 7 હજાર કરોડનું કોકેન પકડયું હતું. તપાસ દરમિયાન ડ્રગ્સ અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યાનું ખુલતાં દરોડો પાડી 5 હજાર કરોડનું 518 કિલો તૈયાર કોકેન રવિવારે પકડી ઊંડાણભરી તપાસ શરૂ કરાઈ છે.
ઓક્ટોબર 2023
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈએ ઔરંગાબાદની ફેક્ટરીમાં દરોડો પાડી 250 કરોડનું ડ્રગ્સ પકડયું.
ઓગષ્ટ 2022
ગુજરાત એટીએસ અને મુંબઈ એન્ટિ નાર્કોટિક્સ સેલની ટીમોએ વડોદરા અને અંકલેશ્વરની ફેક્ટરીઓમાં દરોડા પાડી 2400 કરોડનું મેફેડ્રોન પકડયું હતું. અંકલેશ્વરથી 13ઓગષ્ટે 1026 કરોડનું ડ્રગ્સ પકડાયું તે આરોપીની નાલાસોપારા ફેક્ટરી ઉપર દસ દિવસ પહેલાં દરોડો પાડીને 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. કેમિસ્ટ્રીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી ચૂકેલા ગિરિરાજ દીક્ષિત નામના આરોપી સામે મુંબઈ અને આસપાસના વિસ્તારના ટ્રાફિકર્સને ડ્રગ્સ આપ્યાનો આરોપ લગાવાયો હતો.



Google NewsGoogle News