'AMC સરખી રીતે ફરજ નહીં બજાવે તો...', વરસાદથી પ્રજાને પડતી હાલાકી પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
'AMC સરખી રીતે ફરજ નહીં બજાવે તો...', વરસાદથી પ્રજાને પડતી હાલાકી પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ 1 - image


Gujarat High Court Slams AMC: રખડતાં ઢોર, બિસ્માર રસ્તા, ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણો સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ગુરુવારે (25મી જુલાઈ) સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ ઑથોરિટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે જણાવ્યું હતું કે, 'શહેરના ખરાબ રસ્તા અને ભુવા મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનિટરીંગ નહીં હોવાથી ચાર ઇંચ વરસાદમાં પણ નાગરિકો હેરાન થાય છે. શું કૉર્પોરેશનના અધિકારી-કર્મચારીઓ પગાર નથી લેતા? જો તેમનો પગાર સમયસર થતો હોય તો શહેરમાં રોડ-રસ્તાનું કામ પણ સતત ચાલુ રહે અને પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે.

ગુજરાત હાઇકોર્ટે કરી AMCની ઝાટકણી 

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, 'લોકો ટૅક્સ ભરે છે, તો જેઓ ટૅક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. રોડ-રસ્તા બનાવવા નિમ્ન કક્ષાનું મટીરિયલ વપરાય છે અને આડેધડ કામગીરીના કારણે ભુવા પડે છે. બંધારણમાં લોકોને સારું જીવન જીવવાનો અધિકાર અપાયો છે. ઑથોરિટી જો તેની ફરજ નહીં નિભાવે તો કોર્ટ આદેશ આપશે.'

આ પણ વાંચો: 'માર્ગો ધોવાયા, ઘરવખરી પાણીમાં, ખેતીવાડીમાં તારાજી..', ગુજરાતમાં જળબંબાકાર બાદ કેવી છે સ્થિતિ


બીજી તરફ ઍડ્વોવોકેટ અમિત પંચાલે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, 'શહેરમાં રખડતાં ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તા, જાહેર માર્ગો અને ફૂટપાથ પર લારી-ફેરિયાવાળાના ગેરકાયદે દબાણો અને અનઅધિકૃત પાર્કિંગ સહિતના મુદ્દા ઉપર હાઇકોર્ટે વારંવાર આદેશો જારી કર્યા હોવા છતાં તેનું એ.એમ.સી., પોલીસ અને સત્તાધીશો દ્વારા પાલન કરાતું જ નથી. તેથી આ સત્તાધીશો કોર્ટના તિરસ્કારને પાત્ર  છે અને તેથી હાઇકોર્ટે આ તમામ સત્તાધીશો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. એ.એમ.સી. અને સત્તાધીશોને દર વખતે મોકો આપી શકાય નહીં.'

એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, 'ખુદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા છે કે, શહેરના માર્ગ અને ફૂટપાથ રાહદારીઓ અને વાહનચાલકો માટે છે, લારી- ગલ્લાવાળા, પાથરણાંવાળા માટે કે ગેરકાયદેસર પાર્કિંગ માટે નથી. તેમ છતાં આ ચુકાદાઓનું પાલન જ થતું નથી અને હજુ પણ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણની સમસ્યા યથાવત છે.' હાઇકોર્ટે જણાવ્યું કે, 'અમે એક પછી એક મુદ્દા હાથ પર લઈશું, ચિંતા ના કરો.'

અમદાવાદમાં ચાર ઈંચ વરસાદમાં બધે પાણી જ પાણી થઈ જાય છે: હાઇકોર્ટ

જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે સરકારપક્ષ અને એ.એમ.સી. સત્તાધીશોને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'હાલમાં એવું જોવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં સરેરાશ ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ પડે છે અને આ ચાર ઇંચ વરસાદમાં તો બધે પાણી-પાણી થઈ જાય છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો આ બાબતે રાજ્ય સરકારે વિચારવું જોઈએ. જો વાદળ ફાટે કે 20 ઇંચ વરસાદ પડે તો સમજી શકાય છે, પરંતુ ચાર ઇંચ વરસાદમાં આવું થાય તો રાજ્ય સરકારે સરેરાશ ચાર ઇંચ વરસાદ માટેની પોલિસી બનાવવા માટે વિચારવું જોઈએ.'

ટ્રાફિકની સમસ્યા અને ગોકુળિયા ગામની કલ્પના મુદ્દે હાઇકોર્ટેનો કટાક્ષ

ટ્રાફિકની સમસ્યા અંગે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, 'આ કેસમાં બીજા ઘણાં મુદ્દા છે, અમે સ્ટેપ બાય સ્ટેપ હિયરીંગ કરવાના છીએ. જેમાં ટ્રાફિક સમસ્યા અને ગોકુળિયું ગામ(ગોકુળિયું ગામ એટલે હવે શ્રાવણ માસ અને બીજા તહેવારો સળંગ ચાલશે અને તે દરમિયાન ગાયોને ઘાસ ખવડાવવાથી માંડી બીજા પુણ્યકાર્યો ચાલશે, તેમાં પશુપાલકોના જ માણસો તેમની જ ગાયોને ઊભી રાખે છે, તેમના જ માણસો ઘાસ વેચે અને તેમની ગાયોને ખવડાવે છે) મુદ્દા પણ છે એમ કહી ગર્ભિત કટાક્ષ કર્યો હતો. એક-બે મુદ્દા પર કે જગ્યાએ નહીં પરંતુ તમામ સ્તરે સંપૂર્ણતઃ પગલાં લેવાય એવું અદાલત ઇચ્છે છે.'

ઢોરમાલિકો ટીમ પર હુમલા નહીં કરે તેવી ખાતરી કેમ નથી આપતા: હાઇકોર્ટ

હાઇકોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું હતું કે, અમ્યુકો કે નગરપાલિકાની ટીમ ઢોર પકડવા જાય ત્યારે ઢોરમાલિકો દ્વારા ટીમના કર્મચારીઓ પર હુમલાઓ કરાય છે અને તેઓને ગંભીર ઈજા પહોંચાડાય છે. એમ કહી વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ સ્થળોના બનાવો કોર્ટના ધ્યાન પર લવાયા હતા. ઢોરમાલિકો બચાવ કરવા ગયા તો હાઇકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, 'ઢોરમાલિકો ટીમ પર હુમલા નહીં કરે તેની ખાતરી કેમ નથી આપતા..? તમારે ગંભીરતાપૂર્વક જવાબદારી સમજવી જોઈએ. હાઇકોર્ટે ઢોરમાલિકોને ફરી એકવાર ગર્ભિત સંકેત આપી દીધો હતો.'

શેલાના ભુવા મુદ્દે અમ્યુકોની પોલ હાઇકોર્ટે ખુલ્લી પાડી

એઅમ.સી.એ જવાબ રજૂ કરી રોડ-રસ્તા, ખાડા-ભુવાને લઈ કામગીરી કરી હોવાના દાવા કર્યા હતા, જેમાં શેલામાં પડેલા મોટા ભુવાને તાત્કાલિક પૂરી દેવાયો છે અને તે રોડ પર ટ્રાફિક શરુ થઈ ગયો હોવાની વાત કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, 'આ વાત ખોટી છે, ત્યાં રોડ પર વાહનોની અવરજવર શરુ નથી થઈ.' એ.એમ.સી.ની પોલ ખુલ્લી પડી જતાં તેમણે સ્વીકાર્યું હતું કે, એક જ બાજુનો રસ્તો ખુલ્લો છે.

કૉર્પોરેશનના દાવાને ખુલ્લા પાડતાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 'તમે કહો છો કે, અમે ખાડા-ભુવા પૂરી દઈએ છીએ અને ઝડપથી કામગીરી કરીએ છીએ. પરંતુ શહેરમાં આવા ખાડા-ભુવાઓ પડે છે જ કેમ..? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટીને ટેન્ડર આપી રોડ-રસ્તાની કામગીરી કરાય છે તો તમારા એન્જિનિયરો શું કરે છે?' 

'AMC સરખી રીતે ફરજ નહીં બજાવે તો...', વરસાદથી પ્રજાને પડતી હાલાકી પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ 2 - image


Google NewsGoogle News