Get The App

નકલી સરકારી કચેરીઓના કૌભાંડની હકીકતો અને મોડેસ ઓપરેન્ડી જાણી ગુજરાત હાઈકોર્ટ પણ ચોંકી

સમગ્ર કૌભાંડનો આંક રૂ.50 કરોડને પાર જવાની શકયતા

દાહોદ ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ નકલી કચેરીઓ ઉભી કરી હતી

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
નકલી સરકારી કચેરીઓના કૌભાંડની હકીકતો અને મોડેસ ઓપરેન્ડી જાણી ગુજરાત હાઈકોર્ટ પણ ચોંકી 1 - image


Dahod Fake Govt offices case : ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનાર છ જુદી નકલી સરકારી કચેરીઓના કૌભાંડનો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો.  જો કે, નકલી કચેરીઓના સમગ્ર કૌભાંડની હકીકતો અને મોડેસ ઓપરેન્ડી જાણી ખુદ હાઇકોર્ટ પણ ચોંકી ઉઠી હતી. આ સમગ્ર કૌંભાડના મુખ્ય સુત્રધાર એવા કલાસ વન ઓફિસર આરોપી અને દાહોદ પ્રોજેકટ એડમીનીસ્ટ્રેટર કચેરીના આસીસન્ટન્ટ કમિશનર વિશ્વદીપસિંહ મહિપતસિંહ ગોહિલને આગોતરા જામીન આપવાનો જસ્ટિસ જે.સી.દોશીએ સાફ ઈન્કાર કરી દીધો હતો.

કૌભાંડમાં બીજો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો

હાઈકિર્ટે જણાવ્યું કે, સરકારની જાહેર તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી નાણાંકીય ઉચાપતનું આ ગંભીર કૌભાંડ છે અને તેની તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન ખૂબ જરૂરી છે, તેથી તેને આગોતરા જામીન આપી શકાય નહી. બીજીબાજુ, નકલી સરકારી કચેરીઓના કૌભાંડમાં બીજો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, આરોપીઓએ આવી જ બીજી કચેરીઓ દાહોદ ઉપરાંત, છોટા ઉદેપુરમાં પણ ઉભી કરી હતી અને ત્યાં પણ આશરે રૂ. 21 કરોડની નાણાંકીય ઉચાપત કરી હતી. આમ, સમગ્ર કૌભાંડનો આંક હવે રૂ.50 કરોડને પાર કરે તેવી શક્યતાઓ છે.

કૌભાંડમાં ખુદ સરકારી કર્મચારીઓ અને ખાનગી માણસો સંડોવાયેલા

રાજયભરમાં નકલી કચેરીઓના કૌભાંડને પગલે ખુદ રાજય સરકાર અને સત્તાવાળાઓ પણ સ્તબ્ધ ને કૃપાલ થઈ ગયા હતા. દાહોદ પ્રોજેકટ એડમીનીસ્ટ્રેટર કચેરીના આસીસ્ટન્ટ કમિશનર અને કલાસ વન ઓફિસર એવા આરોપી વિશ્વદીસિંહ મહિપતસિંહ ગોહિલની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં અધિક સરકારી વકીલ અસ્મિતા પટેલે કેસની ચોંકાવનારી હકીકતો કોર્ટના રેકર્ડ પર મૂકતાં જણાવ્યું કે, દાહોદના પ્રોજેકટ એડમીનીસ્ટ્રેટરની કચેરીના સિનિયર કલાર્ક ભાવેશ બામણીયા દ્વારા આ સમગ્ર કૌભાંડને લઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં ખુદ સરકારી કર્મચારીઓ અને ખાનગી માણસો સંડોવાયેલા છે. આરોપીઓએ ખુદ સરકારી અધિકારી તરીકેના પોતાના હોદા અને સત્તાનો દૂરપયોગ કરી સરકાર કામોની ગ્રાંટ, સેલેરી બીલ, ભથ્થાં બીલ સહિતની બાબતોમાં ખોટા હુકમો, તેની મંજૂરી અને રકમની ફાળવણી કરી કરોડો રૂપિયાના ખુદ સરકારના જ નાણાંકીય ભંડોળની ઉચાપત કરી હતી. જેના કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો બહુ  મોટો આર્થિક ફટકો પડયો છે.

 આરોપીઓએ કરોડોની નાણાંકીય ઉચાપત કરી 

આરોપી પાસે ઈન્ટીગ્રેશન અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ સંબંધી સરકારની જુદી જુદી સ્કીમોના અમલીકરણ સહિતની બાબતોનો પણ ચાર્જ હતો. નકલી કચેરી કૌભાંડમાં આરોપી  વિશ્વદીપસિંહ ગોહિલ મુખ્ય સૂત્રધાર છે.  આરોપી પાસે ચેકો ઈશ્યુ કરવાની કે પેમેન્ટ કરવાની કોઇ સત્તા જ ન હતી, છતાં તેમણે જૂદી જુદી સરકારી યોજનાઓના કામો મંજૂર કરી, તે પેટે ચેકો ઈશ્યુ કરી, બારોબાર પેમેન્ટ કરી દીધુ હતું. આ સમગ્ર કૌભાંડમાં તેની સાથે અન્ય સરકારી અધિકારીઓ પણ સામેલ હતા. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં 100 જેટલી જુદી જુદી યોજનાઓના ઓઠા હેઠળ ગેરકાયદે મંજૂરી, ફાળવણી અને પેમેન્ટ કરી સરકારની તિજોરીને રૂ.18 કરોડ, 59 લાખ, 96 હજાર, 744 જેટલી બહુ મોટી રકમનું ગંભીર આર્થિક નુકસાન પહોંચાડી કરોડોની નાણાંકીય ઉચાપત કરી છે. પેમેન્ટના ચેકો ઈશ્યુ કરવાની સત્તા માત્ર ટ્રેઝરી ઓફિસ પાસે જ હોય તેમ છતાં આરોપી વિશ્વદીપસિંહ ગોહિલે ગેરકાયદે ચેકો ઈશ્યુ કરી કરોડો પેમેન્ટ કરી દીધા હતા. સમગ્ર કૌભાંડની તપાસ હજુ ચાલુ છે અને રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હાલના મુખ્ય સૂત્રધારના આગોતરા જામીન હાઇકોર્ટે ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ આકરા વલણ સાથે વિશ્વદીપસિંહ ગોહિલના આગોતરા જામીન ફગાવ્યા હતા. 

આ એક સીસ્ટેમીકલી ડિઝાઈન્ડ એન્ડ વેરી વેલ પ્લાન્ડ ઈકોનોમીક ઓફેન્સઃ હાઈકોર્ટ

જસ્ટિસ જે.સી.દોશીએ પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આ સરકારી નકલી કચેરીઓમાં જુદા જુદા કામોની 100 જેટલી દરખાસ્તો મોકલાઈ હતી, તેમાંથી 96 દરખાસ્તોમાં આરોપી સંડોવાયેલો છે. તેણે કોઈ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કે ખરાઇ કર્યા વિના બારોબાર ચેકો ઈશ્યુ કરી પેમેન્ટ કરી રૂ.18 કરોડથી વધુની નાણાંકીય ઉચાપત કરાઇ છે. પ્રથમદર્શનીય રીતે જ સ્પષ્ટ થાય છે કે, સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું બહુ મોટું નુકસાન થયું છે. આરોપીઓએ જુદા જુદા 130 જેટલા બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી તેની ઉચાપત કરી છે. આ એક બહુ પધ્ધતિસર રીતે રચાયેલા અને પૂર્વ આયોજન કરી તૈયાર કરેલ આર્થિક ગુનો (સીસ્ટેમીકલી ડિઝાઈન્ડ અને વેરી વેલ પ્લાન્ડ ઈકોનોમિક ઓફેન્સ) છે.

કઈ કઈ નકલી સરકારી કચેરીઓ ઉભી કરી દેવાઇ હતી...??

આરોપીઓ દ્વારા માત્ર દાહોદ જિલ્લામાં જ છ જેટલી નકલી સરકારી કચેરીઓ ઉભી કરી દીધી હતી. જેમાં (1) માઈનોર, સબ ડિવીઝન, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ, (2) નર્મદા ઈરીગેશન ડિવીઝન ડભોઈ, (3) ઈરિગેશન પ્રોજેક્ટ ડિવીઝન, દાહોદ, (4) ઈરીગેશન પ્રોજેકટ ડિવીઝન-2, દાહોદ, (5) ઇરીગેશન પ્રોજેકટ ડિવીઝન, આઈટીઆઈ ઝાલોદ રોડ નજીક, દાહોદ અને પાઈપલાઈન પ્રોજેકટ ડિવીઝન, દાહોદ એ છ નકલી સરકારી કચેરીઓ ધમધમતી કરી દીધી હતી અને સરકારી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટના અમલીકરણના ઓઠા હેઠળ કરોડો રૂપિયા બીજું કોઈ નહી પરંતુ ખુદ આરોપી સરકારી અધિકારીઓએ જ પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા.

નકલી કચેરી કૌભાંડની શું હતી મોડેસ ઓપરેન્ડી...?

નકલી કચેરી કૌભાંડનો બીજો મોટો સૂત્રધાર આરોપી અબુ બકર ઝાકીરઅલી સૈય્યદ છે. તેના નિવેદનમાં કલાસ વન ઓફિસર વિશ્વદીપ સિંહ ગોહિલના નામનો પર્દાફાશ થયો હતો. આરોપીઓની બહુ ખતરનાર મોડેસ ઓપરેન્ડી પણ સામે આવી હતી કે, જુદી જુદી સરકારી યોજનાઓ, પ્રોજેકટ અને અન્ય કામોને લઈ બનાવટી કાગળો તૈયાર કરાતા હતા અને કાગળ પર જ આરોપીઓને કામ મજૂર કરવાથી લઇ નીરીક્ષણ અને બીલો મંજૂર કરવા, ચેકો ઈશ્યુ કરવાથી લઈ આખરી પેમેન્ટ સુધીની જૂદી જુદી ભૂમિકા અપાતી હતી.

નકલી અધિકારી છેતરપીંડી કરશે તો તેને છોડાશે નહીં

રાજ્યના નાગરિકો સાથે છેતરપીંડી કરનારા નકલી અધિકારીઓને છોડવામાં નહીં આવે તેવી ખાતરી ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભામાં આપી છે. તેમણે જણાવ્યું હતું કે નકલી અધિકારી જ્યારે પકડાય છે ત્યારે તેમની સામે ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવે છે. પોલીસ દ્વારા જ્યારે મુદ્દામાલ પકડાય છે ત્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજીને સબંધિતોને તેમનો મુદ્દામાલ પૂરતુ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ શોર્ટકટ અપનાવી નુકલી અધિકારી બની નાગરિકોને છેતરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.

નકલી સરકારી કચેરીઓના કૌભાંડની હકીકતો અને મોડેસ ઓપરેન્ડી જાણી ગુજરાત હાઈકોર્ટ પણ ચોંકી 2 - image


Google NewsGoogle News