ટેક્સની આવકમાંથી ગુજરાતને મળતો હિસ્સો 41 ટકાથી વધારી 50 ટકા કરવા દરખાસ્ત, બજેટ કરતાં દેવું વધુ
Gujarat Debt Exceeds The Budget: ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ખર્ચની પ્રાથમિક જવાબદારી છે. જેને લઈને રાજ્ય સરકારે વિભાજ્ય પુલમાંથી રાજ્યોને વહેંચવાનો હિસ્સો પ્રવર્તમાન 41 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવે તેવો પ્રસ્તાવ કેન્દ્રીય નાણા પંચ સમક્ષ રજૂ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આઠ વર્ષ પછી રાજ્યનું જાહેર દેવું લગભગ બમણું થઈ રહ્યું છે.
કેન્દ્રમાંથી રાજ્યોને મળતા હિસ્સામાં વધારો માંગ
કેન્દ્રીય 16માં નાણા પંચના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઢિયા તેમજ અન્ય ચાર સભ્યો બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમની સમક્ષ રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી અને મુખ્યમંત્રીના અગ્ર સલાહકારે આ મેમોરેન્ડમ રજૂ કર્યું હતું, જેમાં મુખ્ય માગણી વિભાજ્ય પુલ એટલે કે કેન્દ્રમાંથી રાજ્યોને મળતા હિસ્સામાં વધારો કરવાની છે. આ અંગે પંચના અધ્યક્ષે મીડિયા સાથેના વાર્તાલાપમાં કહ્યું હતું કે, 'અમારી સમક્ષ જે દરખાસ્ત આવી છે તેમાં વ્યાપક વિચારણાના અંતે 43થી 45 ટકા સુધીની ભલામણ કરી શકાય તેમ છે, જો કે આખરી નિર્ણય ભારત સરકાર પર છોડવામાં આવશે.'
આ પણ વાંચો: અમદાવાદ: કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ, નકલી જજ કરતો હતો બોગસ હુકમ
રાજકીય પક્ષો દ્વારા લોકોને મફત સુવિધાના આપવામાં આવતા વચનો તેમજ રાજ્યોના વધતા જતાં દેવાં અમારા માટે ચિંતાનો વિષય હોવાનું જણાવી તેમણે પ્રતિસાદમાં કહ્યું હતું કે, 'અમે વિવિધ રાજ્યોના પ્રવાસ દરમિયાન રજૂ થતી ભલામણો અને સૂચનો એકત્ર કરી રહ્યાં છીએ.'
ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા ડો. પનગઢિયાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા 10 વર્ષમાં દેશના એવરેજ રીયલ ડીજીપી ગ્રોથ રેટ છ ટકા સામે ગુજરાતનો ગ્રોથ રેટ 8.5 ટકા છે. મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજીથી ગુજરાત ભારતનું પ્રથમ સાઉથ કોરિયા, તાઈવાન બનવા માટે તૈયાર થઈ રહ્યું છે.' વર્તમાન નાણા પંચ 31મી ઓક્ટોબર 2024ના રોજ અથવા તો તે પહેલાં કામગીરી પૂર્ણ કરશે. પંચના અન્ય સભ્યોમાં અજય નારાયણ ઝા, એની જ્યોર્જ મેથ્યુ, ડો. મનોજ પાંડા અને ડો. સોમ્યકાંતી ઘોષ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
રાજ્યએ પંચ સમક્ષ કઈ કઈ માગણી કરી
રાજ્ય સરકારે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 'રાજ્યની જરૂરીયાતો પુરી કરવા વધુ જરૂર પડે છે. આવકનું અંતર રાજ્યો વચ્ચે આવકની ફાળવણી માટેનું મહત્ત્વનું પરિબળ છે. આ સાથે પ્રગતિ કરી હોય તેવા રાજ્યોના માપદંડમાં વધારો કરવો જરૂરી છે. ભીજીતરફ વધુ શહેરીકરણ ધરાવતા રાજ્યો માટે નોંધપાત્ર સંસાધનોની જરૂર હોવાથી હોરીઝોન્ટલ ડિવોલ્યુશનના ઘટક તરીકે શહેરીકરણનો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
એટલું જ નહીં, આવકની વહેંચણા માપદંડ તરીકે બહુ પરિણાલીય ગરીબી સૂચકાંકને સમાવવા, ટેક્સની વહેંચણીમાં જીડીપી યોગદાનને ગણતરીમાં લેવા, લાંબાગાળાના વિકાસ અને પર્યાવરણિય સ્થિતિસ્થાપકતાને ઉત્તેજન આપવા તેમજ મહેસૂલ ખાદ્ય અનુદાનને તબક્કાવાર બંધ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે કે જેથી સારા નાણાકીય વ્યવસ્થાપન અને ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન મળી રહેશે.
રાજ્યમાં બજેટ કરતાં જાહેર દેવું વધુ
ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આઠ વર્ષ પછી રાજ્યનું જાહેર દેવું લગભગ બમણું થઈ રહ્યું છે. નાણાં વિભાગના આંકડા પ્રમાણે માર્ચ 2024માં જાહેર દેવાનો આંકડો 37,7962 કરોડ રૂપિયા છે તે માર્ચ 2025ના અંત સુધીમાં વધીને 42,6380 કરોડ રૂપિયા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભાડૂઆતની નોંધણી ન કરનારા વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન, બે હજારથી વધુ લોકો સામે કરી કાર્યવાહી
રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે દેવાની નિશ્ચિત ટકાવારી 27 ટકા છે, જેની સામે માત્ર 15 ટકા જ દેવું કરવામાં આવે છે. જાહેર દેવું એકંદરે ઘરગથ્થું ઉત્પાદનના 15.34 ટકા જેટલું છે. પસાર થયેલા નાણાકીય વર્ષમાં સરકારના જાહેર દેવાએ બજેટનો આંકડો પણ ક્રોસ કરી નાંખ્યો છે. રાજ્યનું વર્તમાન નાણાકીય વર્ષનું બજેટ 3,32,465 કરોડ રૂપિયા છે જેની સામે દેવાંનો આંકડો 3.77 લાખ કરોડથી વધુ છે.
જાહેર દેવાના ઘટકોમાં બજાર લોન- બોન્ડ, લોન-પેશગી, નાણાંકીય સંસ્થાઓની લોન, એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે જે પૈકી દેવાના ઘટકમાં ફેરફાર નોંધાયો છે. જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકાથી ઘટીને 3.90 ટકા થયું છે, પરંતુ બજાર લોનનો હિસ્સો ખૂબ વધી રહ્યો છે.
આ પણ વાંચો: ભારતના ધનિકોએ 2023માં દેશની બહાર 20 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, આ દેશો છે પહેલી પસંદ
સરકાર દેવું વધારીને વિકાસના કામો કરી રહી છે!
ગુજરાતની આર્થિક પરિસ્થિતિ સારી હોવાનું કહેવામાં આવે છે. કોઈપણ કેન્દ્રીય સંસ્થા ગુજરાતમાં આવે છે ત્યારે સરકાર દ્વારા ફુલગુલાબી આંકડા રજૂ કરવામાં આવે છે. પરિણામે જે તે સંસ્થાના અધિકારીઓ ગુજરાતની આર્થિક સ્થિતિના વખાણ કરે છે, પરંતુ ઉજળું એટલું સોનું હોતું નથી તેમ સરકાર દેવું વધારીને વિકાસના કામો કરી રહી છે. ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) તરફથી જાહેર દેવાના આંકડા બાબતે વારંવાર ટીકાઓ થાય છે.
ગુજરાતની મુલાકાતે આવેલા 16માં ફાયનાન્સ કમિશન સમક્ષ ગુજરાતનું ઉજળું ચિત્ર મૂકી શિક્ષણ-આરોગ્યની જવાબદારીના બહાને કેન્દ્રની કર આવકમાં 50 ટકાનો હિસ્સો માગવામાં આવ્યો છે ત્યારે કમિશને સરકારના જાહેર દેવાં બાબતે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે.