UP-બિહારના માર્ગે ગુજરાત! 24 દિવસમાં 18 હત્યા, ગૃહરાજ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં મસ્ત
Deteriorating Law And Order In Gujarat: સલામત-સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. ત્યારે અસામાજીક તત્ત્વો-ગુંડાઓ બેફામ બન્યાં છે. શાંત-સલામત ગુજરાત જાણે યુપી-બિહારના માર્ગે હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. જે રીતે અમદાવાદ સહિત ગુજરાતમાં હત્યાની ઘટનાઓ નોંધાઈ રહી છે તે પરથી એ વાત સ્પષ્ટ થઇ છે કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા ભાંગી પડી છે. એક બાજુ અસામાજીક તત્ત્વોને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી, ત્યારે બીજી તરફ, ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં મગ્ન બન્યાં છે. ગુજરાતમાં માત્ર 24 દિવસમાં જ 18 હત્યા થઈ છે. રાજ્ય ગૃહવિભાગ પ્રજાને સુરક્ષા-સલામતી પુરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે.
રાજ્યમાં ધોળે દિવસે હત્યાઓ થઈ રહી છે
છેલ્લાં કેટલાંય દિવસોથી રાજ્યમાં ધોળે દિવસે હત્યાઓ થઈ રહી છે જે ચિંતાનો વિષય છે. ભાજપના રાજમાં અસામાજીક તત્ત્વો-બુટલેગરોને જાણે મોકળુ મેદાન મળ્યુ છે. ગુંડા-અસામાજીક તત્ત્વોને ખાખી વર્દી કે કાયદાનો જરા પણ ડર રહ્યો નથી. ગૃહમંત્રીનો પણ એક જ તકીયાકલામ રહ્યો છે કે, કાયદામાં રહેશો તો, ફાયદામાં રહેશો. પણ ચિંતા એ છે કે, ગુજરાતમાં દિવસે દિવસે હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં બૂટલેગરોએ યુવકની હત્યા કરી દીધી હતી. વલસાડમાં કોલેજીયન યુવતીનું દુષ્કર્મની કરી કરપીણ હત્યા કરી નાખી હતી. બોપલમાં પોલીસ કોન્સ્ટેબલે વિદ્યાથીની સરેઆમ હત્યા કરી દીધી. આ ઉપરાંત પોલીસની હાજરીમાં પૂર્વ કોપીરટરના પુત્રની હત્યા કરી નંખાઈ હતી. ક્રુર હત્યાની ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. શું આજે ગુજરાતનું સુરક્ષા મોડલ?
આ પણ વાંચો: મણિપુરમાં 19 મહિનાથી હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ, નિર્દોષો બન્યા ભોગ: RSSએ ઝાટકણી કાઢી
ગુજરાતમાં હત્યા, ઘાડ, ખંડણી સહિતના ગંભીર ગુનાઓ માટે ભાજપ સરકારની ઢીલી નિતિ જવાબદાર છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું કે, 'સરકાર-પોલીસના પાપે ગુજરાતની 6 કરોડ જનતા ભોગ બની રહી છે. ધોળા દિવસે હત્યાને અંજામ આપનારાઓ ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલી રહ્યાં છે. સરકાર માત્ર ને માત્ર જાહેરાતોમાં જ સુરક્ષિત છે. બાકી ગુજરાતની પ્રજાનો અસલામતી અનુભવી રહી છે. છેલ્લાં 24 દિવસમાં ગુજરાતમાં 18 હત્યા પોલીસ ચોપડે નોંધાઈ છે. જ્યારે માત્ર 10 મહિના જેટલા ટૂંકા ગાળામાં અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં 78 લોકોના ખૂન થયાં છે.
24 દિવસમાં ક્યાં ક્યાં હત્યા થઈ
અમદાવાદ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, મહેસાણા, વલસાડ, સુરત, પાટણ અને વડોદરામાં હત્યાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં 20 દિવસમાં 9 હત્યાઓ થઈ
અમદાવાદમાં દિવાળીના તહેવારથી અત્યાર સુધીના 20 દિવસમાં 9 જેટલી હત્યાઓ થતા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા બોપલમાં પણ સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે માઇકાના વિદ્યાર્થીની હત્યા કરી હતી અને એકજમીન દલાલે એનઆરઆઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજી તરફ પોલીસ કમિશનર જી એસ મલિકે દાવો કર્યો હતો કે દિવાળી બાદ અચાનક હત્યાના ગુનાઓમાં વધારો થયો છે. પરંતુ, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે હત્યાથી માંડીને અનેક ગુનાઓમાં ઘટાડો થયો છે.
80થી વધુ પોલીસ કર્મચારીઓની બદલી કરવાનો તખ્તો તૈયાર કરાયો
છેલ્લાં 20 દિવસમાં નવ જેટલી હત્યાઓને લઈને અમદાવાદ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આવા 80થી વધુ પોલીસ કર્મચારીઓની યાદી તૈયાર કરાવી છે. જે પૈકી 20 જેટલા પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવશે. જ્યારે અન્યને કે કંપની કે અન્ય સ્થળે બદલી કરવાનો તખ્તો તૈયાર કરાયો છે.
પોલીસ કમિશનર જી એસ મલિક પખવાડિયાની રજા પર હતા ત્યારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીના વડપણમાં એમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખોરવાઈ હતી. ત્યારે અમદાવાદની હાલની સ્થિતિને જોતા પોલીસ કમિશનર જી એસ મલિકે સોમવારે બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા બાદ સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા બેદરકાર અને માથાભારે હોય તેવા 80થી વધુ પોલીસ કર્મચારીઓની યાદી મંગાવી હતી. આ 80 પોલીસ સ્ટાફ પૈકી 20 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી જિલ્લા બહાર કરવામાં આવશે. આમ, અમદાવાદ શહેર પોલીસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવશે.