ગુજરાતમાં બારે મેઘ ખાંગા: 245 તાલુકામાં 10 ઈંચ વરસાદ, ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં બારે મેઘ ખાંગા: 245 તાલુકામાં 10 ઈંચ વરસાદ, ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો 1 - image

Heavy Rain In Gujarat : છેલ્લા બે દિવસમાં 'બારે મેઘ ખાંગા' થતાં મોટાભાગનું ગુજરાત 'જળમગ્ન' બની ગયું છે. સોમવારે જન્માષ્ટમી જ નહીં જળાષ્ટમી પણ ઉજવાતી હોય તેમ 251 તાલુકામાં 14 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. મંગળવારે 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી  વડોદરા, રાજકોટમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પણ પૂરો થઇ ગયો છે. ભારે વરસાદથી બે દિવસમાં 7 વ્યક્તિના મોત થયા  છે. જ્યારે આજે પણ 6 જિલ્લામાં વરસાદનું ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

રવિવારે રાતથી જ ગુજરાતભરમાં મેઘરાજાએ આધિપત્ય જમાવવાનું શરૂ કરી દીધું હતું. સોમવારે સવારે રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે જન્માષ્ટમીના લોકમેળા, મંદિરોમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવાના આયોજન પર પણ પાણી ફરી વળ્યું હતું.  સોમવારે મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા કુલ 14 તાલુકા હતા.

જેમાં ખેડાના નડિયાદ, આણંદના બોરસદ-વાસો-સોજીત્રા-તારાપુર-ખંભાત,  પંચમહાલના ગોધરા, વડોદરાના પાદરાનો સમાવેશ થાય છે. મંગળવારે દિવસ દરમિયાન પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 10 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 9 ઈંચ વરસાદ નોંધયો હતો. આમ, સોમવારે મધ્ય ગુજરાતમાં તો મંગળવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું વધારે પ્રભુત્વ જોવા મળ્યું હતું. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સરેરાશ 10.9 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલસાડ જિલ્લામાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં ઔરંગા નદીના પાણી ભરાતા 1152 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.  નવસારી, સુરત અને તાપી જિલ્લામાં વરસાદ મંદ રહ્યો હતો પણ 40 કિલોમીટર સુધીની ઝડપે પવનો ફુંકાતા ઘરોના પતરા ઉડયા હતા. નવસારીમાં ત્રણ નદીઓ ગાંડીતૂર બનતા 1573 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.

ભારે વરસાદને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ હેઠળ મૂકાયા હતા. રાજકોટમાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાતા આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો હતો.

વરસાદને પગલે ગુજરાતના 34 સ્ટેટ, 1 નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 દિવસમાં અમદાવાદ-મુંબઇને સાંકળતી 30 ટ્રેન રદ કરાઇ હતી. એસટી બસના 433 રૂટ અને 2081 ટ્રિપને રદ કરાયા હતા. જેના કારણે તહેવારોની રજાઓમાં બહાર ફરવા જઇ રહેલાને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર,  મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે.

સોમવારે ક્યાં વધારે વરસાદ

તાલુકો

જિલ્લો

વરસાદ

ટંકારા

મોરબી

૧૪.૦૦

મોરવા હડફ

પંચમહાલ

૧૪.૦૦

નડિયાદ

ખેડા

૧૩.૦૦

બોરસદ

આણંદ

૧૨.૫૦

વડોદરા

વડોદરા

૧૨.૫૦

આણંદ

આણંદ

૧૨.૫૦

પાદરા

વડોદરા

૧૨.૪૦

ખંભાત

આણંદ

૧૨.૧૦

ગોધરા

પંચમહાલ

૧૨.૦૦

તારાપુર

આણંદ

૧૨.૦૦

વાંકાનેર

મોરબી

૧૧.૭૫

વાસો

ખેડા

૧૦.૦૦

સોજીત્રા

આણંદ

૧૦.૦૦

માંડવી

કચ્છ

૧૦.૦૦

બાલાસિનોર

મહીસાગર

૯.૫૦


(*સોમવારે સવારે 6 થી મંગળવારે સવારે 6 સુધીના આંકડા.)

મંગળવારે ક્યાં વધુ વરસાદ

તાલુકો

જિલ્લો

ઈંચમાં

રાણાવાવ

પોરબંદર

૧૦.૦૦

ભાણવડ

દ્વારકા

૯.૦૦

ખંભાળિયા

દ્વારકા

૮.૫૦

લોધિકા

રાજકોટ

૮.૫૦

પોરબંદર

પોરબંદર

૮.૦૦

રાજકોટ

રાજકોટ

૮.૦૦

કલ્યાણપુર

દ્વારકા

૮.૦૦

જામજોધપુર

જામનગર

૮.૦૦

કોટડા સંઘાણી

રાજકોટ

૭.૭૫

જામનગર

જામનગર

૭.૫૦

કાલાવડ

જામનગર

૭.૪૦

લાલપુર

જામનગર

૭.૦૦

દ્વારકા

દ્વારકા

૫.૭૫

ગોંડલ

રાજકોટ

૫.૫૦

જામકોંડરણા

જામનગર

૫.૦૦

(*મંગળવારે સવારે ૬ થી રાત્રિના ૮ સુધીના આંકડા.)

આગામી 3 દિવસ ક્યાં ભારે થી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ

28 ઓગસ્ટ : ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર,  મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ.

29 ઓગસ્ટ : રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ.

30 ઓગસ્ટ :
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ.


Google NewsGoogle News