ટ્રાફિક નિયમ ભંગ કરવામાં ગુજરાતીઓ દેશમાં 11માં ક્રમે, દરરોજ સરેરાશ રૂ. 37 લાખનો દંડ ચૂકવે છે
Violation Of Traffic Rules: હેલમેટ નહીં પહેરવી, સીટ બેલ્ટ નહીં બાંધવો, લાઈસન્સ વગર વાહન ચલાવવું જેવા વિવિધ કારણોસર ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 1825 વાહન ચાલકો દંડાય છે. તેમની પાસેથી કુલ સરેરાશ 37 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આમ પ્રત્યેક વાહન ચાલકો દરરોજ સરેરાશ રૂપિયા બે હજારનો દંડ ચૂકવે છે.
સૌથી વધુ વાહન ચાલકો દંડાતા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ મોખરે
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં પહેલી જાન્યુઆરી 2019થી 31મી ડિસેમ્બર 2023 દરમિયાન રાજ્યમાંથી કુલ 33.31 લાખ ચલાન ઈસ્યુ થયેલા છે અને તેમના દ્વારા 680 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવામાં આવ્યો છે. અલબત્ત, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વાહન ચાલકોને ચલાન ઈસ્યુ થવાનું પ્રમાણ ઓછું છે. આ દરમિયાન તામિલનાડુમાંથી સૌથી વધુ 5.57 કરોડ ચલાન ઈસ્યુ થયેલા અને વાહન ચાલકો પાસેથી 755 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઉત્તપ્ર દેશના વાહન ચાલકોને 4.40 કરોડ મેમો ઈસ્યુ થયેલા અને અને ત્યાંના વાહન ચાલકોએ અધધધ 2495 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. સૌથી વધુ મેમો ઈસ્યુ થવામાં કેરળ ત્રીજા, હરિયાણા ચૌથા અને દિલ્હી પાંચમાં સ્થાને છે. જાણકારોના મતે, અકસ્માતના કેસ વધારે થાય ત્યારે વર્ષના વચલે દહાડે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજીને સંતોષ માની લે છે. હકીકતમાં આ ટ્રાફિક ડ્રાઇવ જેવો માહોલ વર્ષમાં મોટાભાગના દિવસ હોવો જોઈએ. પૂરપાટ દોડતા તેમજ મોબાઈલ પર વાત કરતાં-કરતાં વાહન ચલાવ નારાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવે 'નસબંધીકાંડ': ખેતરમાં મજૂરીની લાલચે પરિણીત યુવકને દારૂ પીવડાવી કાંડ કર્યો
ટ્રાફિક પોલીસ આ મામલે થોડી દરકાર અને ગંભીરતા દાખવે તો અકસ્માતના કેસ અંકૂશમાં આવી શકે છે. 30મી નવેમ્બર 2024ની સ્થિતિએ સમગ્ર દેશમાં 38.51 કરોડ વાહન રજીસ્ટર્ડ થયેલા છે. માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ 18.20 કરોડ પાસે, જ્યારે ડ્રાઈવિંગ લાઈસન્સ 95.79 લાખ પાસે છે. ઈન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા જારી વિગત અનુસાર 17.54 કરોડ વાહન ઈન્સ્યોરન્સ ધરાવે છે.