મમતાને કર્તવ્ય શીખવનારા ગુજરાતના CM દાહોદ મુદ્દે 'મૌનીબાબા', સંવેદનશીલ સરકારની સંવેદના મરી પરવારી
Gujarat BJP: કોલકાતામાં જુનિયર ડોક્ટર ઉપર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બાદ સમગ્ર દેશમાં કેન્ડલ માર્ચ, વિરોધનો વંટોળ અને દેખાવ કરવામાં આવ્યો હતો. છઠ્ઠી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર પોસ્ટ મૂકી પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીને મહિલા સુરક્ષા ઉપર તાકીદે પગલા લેવાની શિખામણ પણ આપી હતી.
ગુજરાત ભાજપ અને મુખ્યમંત્રી સંપૂર્ણ મૌન
દાહોદના તોરાણી ગામે શાળાના આચાર્યએ માત્ર 6 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયત્ન કર્યો અને પ્રતિકાર કરતી બાળાની હત્યા કરી હતી. ત્યારે ગુજરાત ભાજપ અને મુખ્યમંત્રી સંપૂર્ણ મૌન છે. આ ઉપરાંત, વાત-વાતમાં ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી થશે એવા નિવેદન કરતા ગૃહ રાજ્યમંત્રી પણ ચૂપ થઈ ગયા છે. બંગાળની ઘટના બાદ દેશવ્યાપી આંદોલનો થયા, ભાજપે મમતા બેનરજીના રાજીનામાં માટે કાગારોળ મચાવી પણ ગુજરાતની ઘટના સંદર્ભે સંવેદનશીલતા મરી પરવારી છે.
આ પણ વાંચો: કડાણા ડેમ 100 ટકા છલકાયું, 7 ગેટ ખુલ્લા મૂકાયા, આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ
સમગ્ર ભાજપ સભ્ય નોંધાવવા માટે વ્યસ્ત
મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ રોજ એક કાર્યક્રમમાં હાજરી આપે છે. ઉદ્ઘાટનો કરે છે અને કહેવાતા લોકહિતના નિર્ણયોની યાદીઓ મોકલાવી રહ્યા છે. પરંતુ જે શાળામાં જ્ઞાન, અક્ષજ્ઞાન અને શિક્ષણના પાઠ મેળવવા બાળકોને મોકલવામાં આવે, એ શાળાના આચાર્યની આ રાક્ષસી હરકત અંગે એક શબ્દ ઉચ્ચારતા નથી. રાજ્યના મંત્રીઓએ ફોટો પડાવવા માટે પણ એ કુમળી વયની બાળાના વાલીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કર્યો. દાહોદના ભાજપના સંસદ સભ્ય પણ પરિવારને મળ્યા નથી. હા એટલું ચોક્કસ છે કે સમગ્ર ભાજપ સભ્ય નોંધાવવા માટે વ્યસ્ત છે. ભાજપને સભ્યોની સંખ્યા જોઈએ છે, વધારે મત અને બેઠકો જોઈએ છે બાકી સરકાર પ્રજાના હિત માટે કામ કરે, પ્રજાની સુરક્ષા કરે અને સંવેદનશીલ હોય એ વાતો કે એવી સંભાવનાની અપેક્ષા રાખવી જ ખોટી છે.
ગુજરાતની સંવેદનશીલ સરકાર અત્યારે દાહોદની આ ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાને કે આંખે ચડે નહીં એ પ્રકારે તેને દબાવી દેવામાં વ્યસ્ત છે. છેલ્લા આઠ મહિનામાં પ્રજા ઉપર આવી દરેક મુસીબતમાં સરકારે મદદ કરવાના બદલે ખૂણે બેસી પડેલી દરેક તમાશો જોવાનું જ પસંદ કર્યું છે.