સંગઠન પ્રત્યે 'નીરસ' પાટીલને માત્ર મંત્રીપદમાં જ 'રસ', કાર્યકરો રામભરોસે
Gujarat BJP : લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત ભાજપ રેઢુ મૂકાયું છે. તેનું કારણ છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પદ મળ્યું છે ત્યારબાદ હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક થઇ શકી નથી. પાટીલને હવે મંત્રીપદમાં જ રસ છે. ગુજરાત ભાજપના સંગઠનમાં ઝાઝો રસ રહ્યો નથી. આ કારણોસર એવી સ્થિતી પરિણમી છે કે, ગુજરાત ભાજપ એન્જિન વિનાનું અને કાર્યકરો નોધારા બન્યાં છે. કમલમ ધણીધોરી વિનાનું બન્યું છે. હાલ ગુજરાતમાં નકલીની બોલબાલા છે. એટલું જ નહીં, વિવિધ પ્રશ્નો મુદ્દે સરકાર પર માછલાં ધોવાઇ રહ્યાં છે ત્યારે સરકારનો બચાવ-ડેમેજકંટ્રોલ કરી શકે તેવી ભાજપની સ્થિતી રહી નથી કેમકે, નારાજ ગુજરાતની જનતા મંત્રીઓને પણ મ્હેણા ટોણાં મારીને હાંકી કાઢે છે. આ પરિસ્થિતી વચ્ચે આંતરિક કલહ પણ એટલો જ ભભૂકી રહ્યો છે. આ જોતા ખુદ ભાજપના કાર્યકરો કહી રહ્યાં છે કે, દિલ્હી હાઇકમાન્ડ હવે ગુજરાત પર ઘ્યાન આપે તો સારું, નહીતર વિપક્ષને તક મળી જશે.
ગુજરાત ભાજપની કફોડી દશા છે કેમ કે, ફુલટાઇમ પ્રદેશ પ્રમુખ નથી. લોકસભાની ચૂંટણી બાદ નવા પ્રદેશ પ્રમુખને ગુજરાત ભાજપની કમાન સોંપાશે એ વાત હવે હવાહવાઇ થઇ છે. ક્યારે નવી ટીમ રચાશે તે હજુય નક્કી નથી. ખુદ ભાજપના નેતા-કાર્યકરોને નવા સંગઠનમાં હોદ્દા મેળવવાની તાલાવેલી લાગી છે પણ ઠેકાણું જ નથી. હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે પણ તેને કોઇ પૂછનાર નથી. વિદ્યાર્થીઓના નામ સભ્ય તરીકે નોધવામાં આવી રહ્યાં છે. એટલુ જ નહીં, તલાટી-શિક્ષકોને સભ્યનોંધણી માટે ટાર્ગેટ આપ્યો છે જેના પગલે ભાજપની થુથુ થઇ રહી છે.
બીજી તરફ, વડોદરા સહિત પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં તો લોકો સરકારથી ભારોભાર નારાજ છે. ઘણાં સ્થળોએ મંત્રી અને ધારાસભ્યોને અપમાન કરીને લોકોએ હાંકી કાઢયા હોવાની ઘટનાનો બની છે. આ ઉપરાંત વડોદરા સહિત કેટલાંય શહેરોમાં ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ છે. કલોલમાં ભાજપના નગરપાલિકાના સભ્યો વચ્ચે મારામારી થઇ, ડીસા પાલિકામાં ભાજપના સભ્યોના રાજીનામા પડ્યાં. ખેડબ્રહ્મા સહિત કેટલીય માર્કેટયાર્ડમાંપક્ષના મેન્ડેટ વિરોધમાં ઉમેદવારી નોંધાવી હોવાના કિસ્સા બન્યા છે. સ્થિતી એટલી હદે કથળી છે કે, ભાજપમાં કોઇ ડેમેજકંટ્રોલ કરનાર જ નથી.
હવે જયારે પંચાયત-પાલિકાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ગુજરાત ભાજપ જાણે રેઢુ મુકાયુ છે. વિવિધ સળગતી સમસ્યાને લઇને સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાઇ રહ્યાં છે ત્યારે સરકારનો બચાવ કરી શકે તે માટે સંગઠન સક્રિય જ નથી. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જ રહ્યો નથી. કાર્યકરો આ સ્થિતી જોઇને અવઢવમાં છે.
જળશક્તિ મંત્રી સી.આર.પાટીલને હવે દિલ્હીમાં રસ પડ્યો છે. ગુજરાત ભાજપ માટે તેમને રસ રહ્યો નથી. આ જોતા ભાજપમાં ગણગણાટ છે કે, જેમ બને તેમ જલ્દી ગુજરાત ભાજપ સંગઠનને નવો ઓપ આપવામાં આવે તો સ્થિતીમાં સુધારો થાય તેમ છે.
ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જશે તો મુખ્યમંત્રીનો હવાલો કોને સોંપાશે?
સચિવાલયમાં ચર્ચા ચાલી છેકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ અમેરિકા જઇ રહ્યા છે. બીમાર પુત્રની વધુ સારવાર માટે તેઓએ વિદેશ પ્રવાસ પણ જવાનું નક્કી કર્યું છે. જોકે, ભૂપેન્દ્ર પટેલે વિદેશ પ્રવાસે જવા માટે પીએમઓ પાસે એક મહિનાથી વધુનો સમય માંગ્યો છે, પણ પંદરેક દિવસ માટે જવાની છૂટ અપાય તેમ છે. આ જોતાં ભૂપેન્દ્ર પટેલના સ્થાને કોને મુખ્યમંત્રીપદનો હવાલો સુપરત કરવો એ મથામણ ચાલી રહી છે. મુખ્યમંત્રીની હાજરીમાં ય લોકોના પ્રાણપ્રશ્નો ઉકેલાતા નથી. યોગ્ય નિર્ણય લેવાતા નથી ત્યારે તેમની ગેરહાજરીમાં નિર્ણય લેવાશે કે નહીં તે સવાલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ શકે તેવું જાણવા મળ્યુ છે.
ભાજપમાં ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ પણ પાટીલના બે હાથમાં લાડુ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જ એવો નિયમ ઘડ્યો હતો કે, એક વ્યક્તિ, એક હોદ્દો. પરંતુ આ નિયમ માત્ર ગુજરાત ભાજપના નેતા-કાર્યકરોને માટે જ લાગુ કરાયો છે. આ નિયમનો ખુદ પાટીલે જ ઉલાળિયો કર્યો છે. હાલ સી.આર.પાટીલના બંને હાથમાં લાડુ છે. એક હાથમાં કેન્દ્રમાં કેબિનેટ મંત્રીપદ ને બીજા હાથમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદ. પાટીલ બંને પદ ભોગવી રહ્યાં છે. ગુજરાત ભાજપમાં બે હોદ્દા નિભાવનારાં ઘણાંને વિદાય આપી દેવાઇ છે પણ હવે આ મામલે અંદરોઅંદર ઘણો કચવાટ છે.