ગુજરાતમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક, એક અઠવાડિયામાં પાંચમીવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ
Gujarat Anti Social Aliments : ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે. છેલ્લાં એક અઠવાડિયામાં રાજ્યમાં પાંચમી વખત શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના કઠલાલમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર કોમવાદ ફેલાય તેવા મેસેજ મોકલીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. જેની સામે ફરિયાદ કરવા પહોંચેલા યુવકોના વાહન પર ટોળાએ એકાએક હુમલો કર્યો હતો. આ વાતની જાણ થતાં જ પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ મામલો ફરી વકરે નહીં તેની સાવચેતી રૂપે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યું હતું.
પોલીસ ફરિયાદ કરવા ગયાં હતાં યુવકો
અઠવાડિયા પહેલાં ગત શનિવારે કઠલાલમાં વાહન ઓવરટેક જેવી નાનકડી વાતે બે કોમના ટોળાઓએ આખું કઠલાલ શહેર માથે લીધું હતું. ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગત શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. જેને લઈને કઠલાલના યુવકો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત ફરતા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું આવી પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદીને પોતાની ગાડીમાં બેસાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચોઃ કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી, 8 લોકોની અટકાયત
આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી પોતે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારબાદ SOG, LCB ની ટીમ બીજા દિવસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ કઠલાલ અને મહુધા પંથકમાં પોલીસનું પેટ્રોલીંગ અને બંદોબસ્ત છે.
સુરતમાં પથ્થરમારાની ઘટના
સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ગણેશજીની મૂર્તિ ખંડિત થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન
શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન રેસિડેન્સીમાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યાં ગણપતિની સ્થાપના કરી છે તે બિલ્ડિંગ પર ઝંડો લાગ્યો હતો. જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા. જો કે, બાદમાં સ્થાનિક કૉર્પોરેટર અને પોલીસે મધ્યસ્થી કરતા ઝંડા ઉતારી લેવામાં આવ્યા.
ભરૂચમાં બે સમુદાયો વચ્ચે અથડામણ
ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હતી. બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમુદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી.
ગણેશ પંડાલ પર પથ્થરમારો
કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની છે. 10 સપ્ટેમ્બરે સાંજે કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો.