અમરેલી જિલ્લાના 'આધાર' કેન્દ્રો પર લોકો બન્યા 'નિરાધાર', જન સેવા કેન્દ્રો પર જોવા મળ્યો જનાક્રોશ
Aadhar Card News : ભારતમાં આધારકાર્ડ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના નાગરિકોના ઘણા કામ અટવાઈ શકે છે. ત્યારે ગુજરાતના અમરેલીમાં સ્થાનિકોને આધારકાર્ડની કામગીરી કરાવવા માટે પણ ચંપલ ઘસવા પડે છે. જિલ્લાના મોટાભાગના તાલુકા મથકે આધારકાર્ડની કામગીરી ઠપ હોવાના કારણે સ્થાનિકોના આધારકાર્ડથી થતાં કામ અટકી ગયા છે. વારંવાર રજૂઆત છતાં તંત્રએ આંખ આડા કાન કરી દીધા છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
લાંબા સમયથી આધારકાર્ડની કામગીરી ઠપ
છેલ્લા ઘણા સમયથી અમરેલીના મોટાભાગના તાલુકા મથકે આધારકાર્ડને લગતી કામગીરી કરવામાં આવતી નથી. લોકોને વારંવાર આધારકાર્ડના સેન્ટરો પર ધક્કો ખાવો પડે છે. લાંબા સમયથી એજન્સી દ્વારા આધારકાર્ડ સેન્ટર પર ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે અનેક સેન્ટરો પર આધારકાર્ડની કામગીરી બંધ છે. હાલ સાવરકુંડલાના મામલતદારે હંગામી ધોરણે રાજુલાથી ઓપરેટરોને બોલાવી આધારકાર્ડની કામગીરી શરુ કરી છે.
લોકોને થઈ રહી છે હાલાકી
આધારકાર્ડની કામગીરી માટે સાવરકુંડલા જઈને પણ સ્થાનિકોને ધક્કા જ ખાવા પડે છે. સાવરકુંડલામાં લોકોનો ઘસારો વધુ હોવાના કારણે હાજર તમામ લોકોના કામ થઈ શકતા નથી. રાજુલા, જાફરાબાદ અને ખાંભા સહિતના ઘણા તાલુકામાંથી અરજદારો સાવરકુંડલા આવીને પોતાની કામગીરી કરાવે છે. જેના કારણે સ્થાનિકો તેમજ ઓપરેટરો બન્નેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
'વરસાદમાં પલળતાં રાહ જોઈએ છીએ...'
આધારકાર્ડને લઈને પડી રહેલી મુશ્કેલી વિશે બોઘરિયામી ગામના રહેવાસી શૈલેશ સાવલિયાએ રોષ ઠાલવ્યો હતો. શૈલેષ સાવલિયાએ કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી રોજ ધક્કા ખાવા પડે છે, છતાં હજુ સુધી કામ થયું નથી. આટલા દૂરથી આવીને વરસાદમાં પલળતાં-પલળતાં રાહ જોઈએ છીએ. આખોય દિવસ બગડે છે, કામ-ધંધા પણ બંધ રહે છે અને આધારકાર્ડનું પણ કામ થતું નથી.
ટોકન આપીને ધક્કા ખવડાવે છે
આ સિવાય ગાધકડા ગામના રહેવાસી ત્રિભુવન ડોબરિયાએ જણાવ્યું કે, ગઈ કાલે ટોકન આપ્યું અને આજે આવ્યો તો કહે છે કે, ચાર દિવસ માટે કેન્દ્ર બંધ છે. ગઈ કાલે ટોકન લેવા આવ્યો ત્યારે જ જણાવ્યું હોત કે, ચાર દિવસ માટે કેન્દ્ર બંધ છે, તો ધક્કા ના ખાત ને.
સ્ટાફ ધ્યાન નથી આપતો
ચાર દિવસથી દરરોજ ધક્કા ખાતા લુવારા ગામના દિનેશભાઈએ જણાવ્યું કે, 'છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું. દરરોજ 40 લોકોને ટોકન આપવામાં આવે છે, તેમ છતાં રોજ અહીં 100થી વધુ લોકો આવી જાય છે. બાકીના લોકોને ધક્કા ખાવા પડે છે. સરકાર આધાર કેન્દ્રની સેવા શરુ કરે, પણ લોકોના કામ જ ન થાય તો શું કરવાનું. સ્ટાફને આધારકાર્ડ કાઢવા સિવાયનું શું કામ હોય છે? તો પણ કેમ કાર્ડ નથી કાઢી આપતાં?'