વિદ્યાર્થીના વાળ ખેંચી ભીંતે માથું પછાડનારો શિક્ષક સસ્પેન્ડ, અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીના વાળ ખેંચી ભીંતે માથું પછાડનારો શિક્ષક સસ્પેન્ડ, અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના 1 - image


Ahmedabad School Teacher Cruelly Beaten Child : અમદાવાદમાં પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઈને મારતો-મારતો ક્લાસની વચ્ચે લાવે છે. ત્યારબાદ તેનું માથું દિવાલે પછાડી તેને એકબાદ એક લાફા ફટકારે છે. વિદ્યાર્થીને ઢોર માર મારતો આ વીડિયો CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ DEO દ્વારા શાળાને નોટિસ આપી આ વીડિયો વિશે ખુલાસો માંગ્યો છે.

શું હતો સમગ્ર બનાવ? 

શહેરના વટવા વિસ્તારમાં માધવ પબ્લિક સ્કૂલ આવેલી છે. જ્યાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્લાસમાં પોતાની જગ્યાએ બેઠો હતો, ત્યારે શાળાના શિક્ષક વિદ્યાર્થીને ઢોરમાર મારે છે. સૌથી પહેલાં શિક્ષક બાળકની જગ્યાએ જાય છે અને તેને મારતા-મારતા ક્લાસની વચોવચ્ચ લાવે છે. બાદમાં તેનું માથું દીવાલે જોરથી પછાડે છે અને તેને ધડાધડ લાફા ફટકારે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ DEO એ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ ફટકાવી સમગ્ર બનાવ વિશે ખિલાસો માંગ્યો છે. મળતી માહિતી મુજબ શિક્ષકનું નામ અભિષેક પટેલ છે અને તે વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણાવતો હતો. હાલ શાળા દ્વારા શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દેવાયો છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

શાળાએ શું આપ્યો જવાબ? 

માધવ સ્કૂલના ટ્રસ્ટી સચિન પ્રજાપતિના જણાવ્યા મુજબ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને દીવાલ સાથે પછાડી ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ DEO એ પણ આ બાબતે શાળા પાસેથી ખુલાસો મંગાવ્યો છે. જે દિવસે આ ઘટના બની હતી તે જ દિવસે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો હતો. ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા પણ નિયમ મુજબ સંચાલન ન થતું હોવાથી તેને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. DEO કચેરીને પણ આ મામલે ખુલાસો આપવામાં આવશે. આ પહેલાં શિક્ષક દ્વારા આ પ્રકારની કોઈ ફરિયાદ અમારા ધ્યાને નથી આવી અને ભવિષ્યમાં શાળામાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તેની બાયંધરી આપવામાં આવી છે. આ સિવાય શિક્ષકોને પણ ટ્રેનિંગ અપાશે અને સમજાવવામાં આવશે કે, અન્ય કોઈ જગ્યાનો ગુસ્સો શાળામાં ન ઉતારે અને વિદ્યાર્થી સાથે વ્યવસ્થિત રીતે વ્યવહાર કરવામાં આવે. આ પહેલાં શાળામાંથી કોઈપણ શિક્ષક વિશે આવી ફરિયાદ ધ્યાને આવી નથી. જો આવું બન્યું હોત તો નિયમ મુજબ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોત.

આ પણ વાંચોઃ 'ઈકો સેન્સિટિવ ઝોન રદ કરો' ભાજપ, કોંગ્રેસ અને આપનો એક સૂરમાં વિરોધ, ગામડાંઓનો વિકાસ રૂંધાઇ જશે

DEO એ માગ્યો ખુલાસો

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ કહ્યું કે, વાઇરલ વીડિયો અંગે જાણ થતાં જ શાળાને તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારવામાં આવી છે. શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે, પરંતુ શાળા પાસે આ સમગ્ર બનાવ વિશે ખુલાસો માગવામાં આવ્યો છે. 



Google NewsGoogle News