અમદાવાદમાં કચરાનો કોન્ટ્રાક્ટ અધધ 3400 કરોડના આંકડાને આંબી ગયો

મ્યુનિ.માં જેટલાં મોટા ટેન્ડર એટલી મોટી કટકી, એટલું મોટું સેટિંગ

મ્યુનિ.ના ઇતિહાસમાં પહેલી વખત કચરાનું ટેન્ડર 10 વર્ષનું આવ્યું !

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં કચરાનો કોન્ટ્રાક્ટ અધધ 3400 કરોડના આંકડાને આંબી ગયો 1 - image


- સ્ટેન્ડિંગમાં આવતા પહેલા દરખાસ્ત નિયમ મુજબ સોલીડ વેસ્ટ કમિટીમાં ગઈ જ નહીં : અસામાન્ય ઉતાવળમાંથી જન્મતી શંકા

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેટલી મોટી રકમના ટેન્ડર એટલી મોટી કટકી, એટલું મોટું ચૂંટણી ફંડ, દરખાસ્તની શબ્દાવલી અને આંકડાની રમત પાછળની સચ્ચાઈ છૂપાવવાના એટલાં જ મોટા પ્રયાસો. સ્ટેન્ડિંગ કમિટીમાં 10 વર્ષના લાંબા ગાળાના સફાઈના રૂ. 3400 કરોડનાં તગડાં ટેન્ડરને પાસ કરાવવામાં અધિકારીઓ- એન્જિનિયરોને સફળતા મળી છે. 

10 વર્ષ જેટલા લાંબા ગાળાનું ટેન્ડર ઇતિહાસમાં પહેલી વખત આવ્યું

સોલીડ વેસ્ટ ખાતામાં 10 વર્ષ જેટલા લાંબા ગાળાનું ટેન્ડર ઇતિહાસમાં પહેલી વખત આવ્યું છે એટલું જ નહી આ કામ હેલ્થ અને સોલીડ વેસ્ટ કમિટીમાં પાસ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં આવે છે પરંતુ વિવાદ ન થાય અને ઝડપથી પાસ થઈ જાય તે માટે પરંપરાનો ભંગ કરી દરખાસ્ત સીધી જ સ્ટેન્ડિંગ કમિટીમાં આવી છે. એટલું જ નહીં અગાઉના વર્ષોમાં રૂ.300 કરોડનો ખર્ચ સફાઈના કોન્ટ્રાક્ટરો પાછળ દર વર્ષે થતો હતો તે વધીને 340 કરોડ થઈ ગયો છે અને દર વર્ષે પાંચ ટકા વધારાની શરત ટેન્ડરમાં મૂકવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દર છ મહિને નવા-નવા નિયમો બહાર પાડે છે

મ્યુનિસિપલએ લીધેલા નિર્ણય પાછળ કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. (1) ચુંટાયેલા પ્રતિનિધિઓની મુદત પાંચ વર્ષની હોય છે. નવા પ્રતિનિધિઓ આમાં ઇચ્છશે તો પણ 10 વર્ષના ટેન્ડરમાં કોઈ ફેરફાર નહી કરી શકે. (2) દર છ મહિને નવી ટેક્નોલોજી આવતી હોય છે. 3 વર્ષમાં રોબોટ, છે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, મશીનરીમાં નવી ટેક્નોલોજી આવશે ત્યારે શું 10 વર્ષ માટે મ્યુનિ. હાલની ટેક્નોલોજી અને સિસ્ટીમ જ વાપરશે. (3) કેન્દ્ર સરકાર દર છ મહિને પ્લાસ્ટીક વેસ્ટ, મેડિકલનો બાયોવેસ્ટ વગેરે માટે નવા-નવા નિયમો બહાર પાડે છે ત્યારે આટલી લાંબી મુદતનું ટેન્ડર તાલમેલ મેળવી શકશે ? આ ઉપરાંત પહેલા કોન્ટ્રાક્ટરો 12 હતા તે ઘટીને હવે 4 થશે. 

અગાઉ ટ્રોમેલ- કચરો છૂટા પાડવાના મશીનો બહુ ઉંચા ભાડે રખાયા હતા

બીજું અગાઉના કોન્ટ્રાક્ટરોએ 55 મીટર ઉંચા કચરાના ડુંગર ઉપર જઈને કચરો ઠાલવવાનો હતો. હવે તે ડુંગર લગભગ પુરા થઈ ગયા છે, એટલે તેટલા પ્રમાણમાં ખર્ચ પણ ઘટવો જોઈએ તે વધી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ટ્રોમેલ- કચરો છૂટા પાડવાના મશીનો બહુ ઉંચા ભાડે રખાયા હતા. આ કૌભાંડ બહાર આવતા તે સમયને કમિશ્નરે ટેન્ડરો રદ કરીને નવેસરથી ટેન્ડર બહાર પાડતા અડધા ભાવ નક્કી થયા હતા. જેના કારણે કુલ કામગીરીમાં કોર્પોરેશનના 150થી 200 કરોડ બચ્યા હતા. ટ્રોમેલ કૌભાંડ વખતે જ એ બાબત નક્કી થઈ ગઈ હતી કે સોલીડ વેસ્ટ ખાતું કૌભાંડ અને કટકીમાં બીજા ખાતાઓની ઝડપભેર સાઇડ કાપી રહ્યું છે.

જૂના કન્ટેનરો, ડમ્પર અન્ય સાધનો ધૂળ ખાઈ રહ્યા છે

ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણની સ્પર્ધામાં ભાગ લેવા કેટલીય જૂની સેટ થઈ ગયેલી સિસ્ટીમને તોડી નાખવામાં આવી છે, જૂના કન્ટેનરો, ડમ્પર અન્ય સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક તો નવા મંગાવેલા પડયા રહ્યા છે. બીજી તરફ નાણાં ખર્ચવા છતાં સફાઈની કામગીરી 'નોંધ લેવી પડે તેવી અસરકારક' તો થતી જ નથી. લગભગ તમામ કમિશ્નરો આ બાબતે ફરિયાદ કરતા રહ્યા છે. આ ટેન્ડર પાસ કરાવવામાં અને સોલીડ વેસ્ટ કમિટી કુદાવી સીધા જ સ્ટેન્ડિંગમાં લાવવાની ગોઠવણમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ ઉંડો રસ દાખવ્યો હોવાની બાબતે મ્યુનિ. વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

પાંચ વર્ષે કોન્ટ્રાક્ટરે મશીનો લેવા પડશે

3400 કરોડના 10 વર્ષના ટેન્ડરમાં શરત છે કે પાંચ વર્ષ બાદ વાહનો નવા લેવા પડશે. હવે સવાલ એ છે કે પાંચ વર્ષ બાદ કેટલાય અધિકારીઓ નિવૃત્ત થઈ જવાના, કેટલાંકની અન્ય ખાતામાં બદલી થઈ જવાની. નવા આવેલાઓને તો આ શરત યાદ પણ નહીં હોય. પાંચ વર્ષે વાહન બદલાશે જ તેનું ધ્યાન કોણ રાખશે ? આ અંગે કોઈ સિસ્ટીમ પણ નથી. ભૂતકાળમાં આવી ઘણી શરતો કાગળ પર જ રહી ગઈ છે. લીલા અને ભીના કચરાને છૂટો પાડવાની શરત અગાઉના ટેન્ડરમાં પણ હતી તેનું ક્યાંય પાલન થયું નથી.

અમદાવાદમાં કચરાનો કોન્ટ્રાક્ટ અધધ 3400 કરોડના આંકડાને આંબી ગયો 2 - image


Google NewsGoogle News