પૂર્વ રેલ મંત્રીના કોંગ્રેસને રામ રામ, સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો
લોકસભાની ચૂંટણી પહેલા આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો
Naranbhai Rathwa May join Bjp : એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. આગેવાનોએ પક્ષમાં ગેરશિસ્ત તેમજ તેમજ જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાણ રાઠવાએ પક્ષમાં ચાલી રહેલી ગેરશિસ્ત તેમજ સંગઠનમાં પકડનો અભાવ જોતા પક્ષમાંથી તાત્કાલિક રાજીનામું આપીને પોતાના સમર્થકો સાથે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાના આદિવાસી વિસ્તારમાં પહોંચે તે પહેલા જ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.
જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું પણ રાજીનામું
લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરોએ કમલમ તરફ દોટ માંડી છે. ત્યારે હવે પૂર્વ કેન્દ્રિય રાજ્ય મંત્રી નારણ રાઠવા તેમજ તેઓના પુત્ર અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામ સિંહ રાઠવા તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાય પણ કોંગ્રસમાંથી રાજીનામું આપીને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આ સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા જ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે અગાઉ પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે.
રાઠવાએ રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસમાંથી કરી હતી
માર્ચના પહેલા અથવા બીજા સપ્તાહમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસના નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. ત્યારે હવે નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ તેમજ પોતાના 500 સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા છે. છોટા ઉદેપુરથી 5 વખત લોકસભાના સાંસદ રહી ચૂકેલા નારણ રાઠવા આદિવાસી સમુદાયમાંથી આવે છે. કોંગ્રેસમાંથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર 67 વર્ષીય નારણ રાઠવા 1989માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી, તેમણે વર્ષ 1991, 1996, 1998 અને 2004માં લોકસભાની ચૂંટણી પણ લડી અને જીતી હતી.
નારાણ રાઠવાને ભાજપ લોકસભાની ટિકિટ આપી શકે
નારણ રાઠવા 2004 થી 2009 સુધી યુપીએ-1 સરકારમાં રેલ્વે મંત્રી પણ રહી ચુક્યા છે. વર્ષ 2008માં કોંગ્રેસે નારણ રાઠવાને રાજ્યસભામાં મોકલ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવાએ નારણ રાઠવાને હરાવી કોંગ્રેસ પાસેથી છોટા ઉદેપુર બેઠક કબજે કરી હતી. આ પછી રાઠવાએ કોઈ પદ સંભાળ્યું ન હતું, પરંતુ 2018માં કોંગ્રેસે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાતા પાર્ટીને ગુજરાતના આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે છે. એવી પણ શક્યતા છે કે ભાજપ નારણ રાઠવાને લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે. નારણ રાઠવાનો રાજ્યસભાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો છે.