Get The App

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ 1 - image


Gujarat Local Body Election 2025 Live Updates: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી હતી. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. 

Gujarat Local Body Election 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં  મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની કુલ 66 નગરપાલિકાની 1844 બેઠકો, 2 નગરપાલિકાઓની 72 બેઠકો અને જૂનાગઢ મનપાની 52 બેઠકો પર મતદાન થયું. હાલ આ બેઠકો પરના તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું છે. 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. હવે આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કર્યું મતદાન

અમરેલી-રાજુલા શહેરમા પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પરિવાર સાથે મતદાન કર્યું. વોર્ડ નંબર 6માં મતદાન કરવા કુમાર શાળા નંબર-1 પર પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આ વખતે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પક્ષની રહેશે તેવું જણાવ્યું હતું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ 2 - image


અમરેલી પોલીસની પ્રશંસનીય અને સેવાકીય કામગીરી

અમરેલી જિલ્લામાં મતદાન દરમિયાન પોલીસનો અલગ જ ચહેરો સામે આવ્યો છે. ચલાલા પોલીસ સાચા અર્થમાં પ્રજા મિત્ર બનતી નજરે પડી હતી. પોલીસ કર્મચારીઓ વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદારોને મદદ કરતા જોવા મળ્યા હતા. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ 3 - image


મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણી : પીધેલા ચૂંટણી અધિકારી સામે ફરિયાદ

રાજ્યમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક પ્રિસાઈડિંગ ઓફિસર ઇલેક્શન ડ્યુટીમાં જ દારૂ પીધેલ હાલતમાં પકડાયા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પીધેલા ચૂંટણી અધિકારી વીરેન્દ્ર સુખાભાઈ બારિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓ મહેમદાવાદ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ પર હતા.

પીધેલી હાલતમાં ફરજ બજાવતાં અધિકારીને તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન આવ્યો હતો. વળી, બારિયા રાસ્કા સરકારી પોલિટેક્નિક, ખેડા ખાતે લેક્ચરર તરીકે પણ ફરજ બજાવે છે. મહેમદાવાદ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકી મતદાન કરવા પહોંચ્યા 

અમરેલીના જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકી વોર્ડ નંબર 6માં આવેલી તાલુકા શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની પણ હાજર હતા. તેમણે મતદારોને ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ 4 - image

વલસાડમાં ભાજપને વોટ આપતો વીડિયો વાઈરલ 

જ્યારે વલસાડથી એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં વોર્ડ નંબર 2માં ભાજપને વોટ આપતા દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપની પેનલને વોટ આપતો વીડિયો વાઈરલ છે. જોકે હજુ સુધી આ વીડિયોની પુષ્ટી થઇ શકી નથી. 

જેતપુર વોર્ડ નંબર 5 અને 8માં EVM ખોટવાયા 

રાજ્યમાં સ્થાનિક એકમોની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે જેતપુરમાં ઈવીએમ ખોટકાયાની માહિતી સામે આવી છે. અહીં વોર્ડ નંબર 5 અને 8માં ઈવીએમ ખોટકાઈ જતાં મતદારોની લાંબી લાઈન સર્જાઈ હતી અને મતદાન અટવાઈ ગયું હતું. 

લુણાવાડામાં મતદાન મથકે માથાકૂટ 

બીજી બાજુ લુણાવાડામાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે મતદાન મથકે બોલાચાલીના દૃશ્યો જોવા મળ્યો હતા. અહીં વોર્ડ નંબર 4 પર બે એજન્ટો બાખડ્યા હતા. 

ગાંધીનગરમાં તાલુકા પંચાયતની 28 બેઠકો પર મતદાન 

ગાંધીનગરમાં પણ સ્થાનિક એકમોની ચૂંટણી માટે તાલુકા પંચાયતની 28 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જ્યાં 224 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 280 ઈવીએમ ફાળવાયા હતા. 

ધંધૂકામાં વરરાજા મતદાન કરવા પહોંચ્યા 

મતદાનનો એવો ઉત્સાહ હતો કે ધંધૂકામાં એક વરરાજા લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે બોટાદમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વાજતે-ગાજતે મતદાન કરવા આવ્યા હતા. જ્યારે જામનગરમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. 

ખેડામાં ચૂંટણી અધિકારી દારૂ પીને પહોંચ્યા 

ખેડામાં સ્થાનિક એકમની ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના જોવા મળી. વોર્ડ નંબર 5 પર પ્રિસાઈડિંગ ઓફિસર દારૂ પીને ડ્યુટી કરવા પહોંચ્યા હતા. 

દ્વારકામાં કલાકો સુધી ઈવીએમ ખોટકાયા 

માહિતી અનુસાર દ્વારકાના સલાયામાં વોર્ડ નંબર 2માં કલાકો સુધી ઈવીએમ ખોટકાતાં મતદારો રઝળી પડ્યા હતા. 

અમદાવાદમાં ઘાટલોડિયામાં પેટાચૂંટણી 

અમદાવાદમાં ઘાટલોડિયામાં પેટાચૂંટણીનો માહોલ જામ્યો છે. અહીં એએમસી ડેપ્યુટી મેયર જતિન પટેલે મતદાન કર્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યું કે ઉત્સાહથી મતદાન કરવું એ ઘાટલોડિયાની તાસીર છે. 



Google NewsGoogle News