Get The App

પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ મોકૂફ, ફલાવરશો ત્રીજી જાન્યુઆરીથી

કાંકરિયા ખાતે નિયમિત પ્રવૃત્તિ ચાલુ રહેશે,૩૧મી સુધી મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News

     પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ મોકૂફ, ફલાવરશો ત્રીજી જાન્યુઆરીથી 1 - image  

 અમદાવાદ,શુક્રવાર,27 ડિસેમ્બર,2024

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.૧ જાન્યુઆરીથી શરુ થનારો ફલાવર શો હવે ત્રીજી જાન્યુઆરીથી શરુ કરવામા આવશે.કાંકરિયા ખાતે કાર્નિવલ સિવાયની નિયમિત પ્રવૃત્તિ ચાલુ રહેશે. ૩૧ ડિસેમ્બર સુધી મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.

શહેરના મેયર પ્રતિભા જૈને કહયુ, દેશના પૂર્વ વડાપ્રધાનના નિધનને પગલે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.આ કારણથી ૩૧ ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલ સિવાયની અન્ય નિયમિત પ્રવૃત્તિઓ જે કરવામા આવી રહી છે તે પ્રવૃત્તિઓ રાબેતામુજબ ચાલુ રહેશે.આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પહોંચનારા મુલાકાતીઓને લેકફ્રન્ટ પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

કલાકારોને ચૂકવવાની રકમ અંગે કમિટી નિર્ણય કરશે

કાંકરિયા કાર્નિવલ દરમિયાન થનારા આનુષાંગિક ખર્ચ અંગે મ્યુનિસિપલ કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ મંજૂર કરી સત્તા આપી હતી. ૨૫ તથા ૨૬ ડિસેમ્બર દરમિયાન કાર્નિવલ ખાતે થયેલા ખર્ચ તથા વિવિધ કલાકારો દ્વારા આપવામા આવેલા પર્ફોમન્સ અંગે તેમને ચૂકવવા પાત્ર થતી રકમનું શું? આ અંગે પુછવામા આવતા મેયરે કહયુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે મુજબની રકમની ચૂકવણી કરવામાં આવશે.

સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ પરિસર બંધ રહેશે

        પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ મોકૂફ રાખવામાં આવ્યો છે.સામાન્ય પરિસ્થિતિમાં દર સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ પરિસર મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે.૩૦ ડિસેમ્બર-૨૪ને સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ પરિસર મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે.

મ્યુનિ.બોર્ડ બેઠક શોકાંજલિ પછી મોકૂફ

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી સામાન્ય માસિક બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી,વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનને પગલે ગૃહમાં શોકાંજલિ આપી હતી.સત્તાવાર શોકઠરાવ આગામી બોર્ડ બેઠકમાં લાવવા મેયરે જાહેર કર્યુ હતુ. બેઠકમાં શહેરના પૂર્વ મેયર માલિની અતીત ઉપરાંત સુગમ સંગીત,ગઝલ માટે નામના મેળવી ચૂકેલા સ્વ.પુરષોત્તમ ઉપાધ્યાય તેમજ પ્રસિધ્ધ તબલાવાદક સ્વ.ઝાકીરહુસેનના નિધનના પગલે શોક ઠરાવ પસાર કરી બેઠક  મુલત્વી રાખવાની મેયરે જાહેરાત કરી હતી.


Google NewsGoogle News