ગુજરાતમાં પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર-દ.ગુજરાતના આ જિલ્લાઓમાં એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે
હવામાન વિભાગ અનુસાર, 11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 12 અને 13મી મેના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો 14મી મેના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પણ વરસાદમાં ભીંજાઇ શકે છે. આ ઉપરાંત 15મી મેના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભર ઉનાળે કમોસમી વરસાદ
ઉલ્લેખનીય છે કે, ત્રીજા તબક્કાના મતદાનના (સાતમી મે) દિવસે આકરી ગરમી વચ્ચે અંબાજી પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો હતો અને લોકોએ ગરમીથી રાહત મળી હતી. જો કે, કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.