અમદાવાદમાં ચાલુ ગરબામાં બબાલ! બે રાઉન્ડ ફાયરિંગ, કાયદો વ્યવસ્થાની મજાક બની
Firing in Mandali Garba : હાલમાં ગુજરાતમાં શક્તિના પર્વ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ દરમિયાન અનેક જગ્યાએથી નાના મોટી માથકૂટના સમાચાર પણ સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદથી એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે, આ ઘટનામાં ચાલુ ગરબામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.
હાલ રાજ્યમાં નવરાત્રિનો મહોત્સવ ચાલુ રહ્યો છે અને ત્યારે સાતમા નોરતે અમદાવાદ શહેરના ગોતા પાસે આવેલા મંડળી ગરબામાં ચાલુ ગરબે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
અચાનક કોઇ બાબતને લઇને બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ફાયરિંગ થયા બાદ હાજર સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરનાર શખ્સને ઘટનાસ્થળેથી રવાના કરી દીધો હતો. આ ઘટના બાદ મંડળી ગરબાને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાં હાજર ગરબા રસિકો ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા.
મહત્ત્વનું એ છે કે આ ઘટના બાદ ગરબા આયોજકોએ પોલીસ ફરિયાદ કરી છે કે કેમ? એ મોટો પ્રશ્ન છે, અથવા તો પછી સમગ્ર મામલો દબાવી દઇને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવશે.
અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીએ આખી રાત ગરબા રમવાની છૂટ આપી છે, જેથી વહેલી સવાર સુધી ગરબાનું આયોજન થઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે 6:15 વાગે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. આટલા મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ક્યાંકને ક્યાંક સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ શખ્સ બંદૂક લઇને ગરબામાં કેવી રીતે પહોંચ્યો હતો. આ બંદૂક લાઇસન્સવાળી હતી કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થાય છે. હવે જોવાનું એ રહ્યું છે આ ઘટનાને લઇને પોલીસ આયોજન વિરૂદ્ધ કેવા પગલાં લે છે કે બધું ભીનું સંકેલવામાં આવે છે.