Get The App

ગુજરાતમાં એક પછી એક અગ્નિકાંડ વચ્ચે ફાયર NOC રિન્યુઅલનું ધુપ્પલ, ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં એક પછી એક અગ્નિકાંડ વચ્ચે ફાયર NOC રિન્યુઅલનું ધુપ્પલ, ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો 1 - image


Gujarat: ગુજરાત રાજયમાં પાછલા પાંચ-છ વર્ષમાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડથી લઈ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી એક પછી એક દર્દનાક આગ દુર્ઘટનાઓ સર્જાવા વચ્ચે ફાયર વિભાગ દ્વારા બારોબાર પૈસા લઈ કેવી રીતે એનઓસી આપવામાં આવે છે અને રાજયભરમાં ફાયર એનઓસીના નામે કેવું ધુપ્પલ ચાલી રહ્યું છે તેનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલ આશાદીપ મેટનીટી એન્ડ નર્સિંગ હોમમાં ફાયર એનઓસી નહી હોવાથી ખુદ અમ્યુકોના એસ્ટેટ વિભાગ દ્વારા તા. 31-5-2024ના રોજ સીલ કરી દેવાયું હતું, હોસ્પિટલ સીલ હોવાછતાં ફાયર ઓફિસરે બે જ દિવસમાં ફાયર સેફટીના સાધન, ફાયર પ્રોટેક્શન મેંઝર્સે સહિતની બાબતોનું ચેકીંગ અને ઈન્સ્પેકશનુ કરી ફાયર એનઓસી(રિન્યુ) આપી દેવાયુ. પણ હવે આખાય પ્રકરણમાં ગંભીર સવાલો એ ઉઠયા છે કે, જે હોસ્પિટલ સીલ હોય તો કેવી રીતે શાધનાનું ચેકીંગ, ઈન્સ્પેકશન અને મોકડ્રીલને વધુ કેવી રીતે થયું…??

આટલેથી વાત અટકતી નથી ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ અમદાવાદ સહિત રાજયભરમાં ચાલતા ફાયર એનઓસીના આ ધુપ્પલને લઈ આશ્ચર્યમાં પડ્યા છે કારણ કે, સમય અને સંજોગો પ્રમાણે તગડા પૈસા લઈને ફાયર એનઓસી રિન્યુ કરવાની પ્રવૃત્તિ ગેરકાયદે અને બારોબાર ધમધમી રહી હોવાનો આ બોલતો પુરાવો છે. ફાયર એનઓસી બારોબાર અને કાગળ પર રિન્યુ કરી દેવાના કૌભાંડની વિગત જોઈએ તો, શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી આશાદીપ મેટરનીટી અને નર્સિંગ હોમની ફાયર એનઓસી એક્સપાયર થઈ ગઈ હતી, તા.31-5-2024ના રોજ અમ્યુકોના ફઆયર વિભાગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓએ હોસ્પિટલમાં હાથ ધરેલા ચેકીંગ દરમ્યાન ફાયર એનઓસી રિન્યુ નહી થઈ હોવાની વાતનો ખુલાસો થયો હતો.

તેથી અમ્યુકોના અધિકારીઓએ કાયદા મુજબ, આશા જેથી દીપ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમને સીલ મારી દીધુ હતું. જેથી હોસ્પિટલ તરફથી તાત્કાલિક ફાયર એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ફાયર સેફટી ઓફિસર કમલેશ પટેલે બે જ દિવસમાં હોસ્પિટલમાં તમામ ફાયર પ્રિવેન્શન, લાઈફ સેફ્ટી અને ફાયર પ્રોટેકશન મેઝર્સ, ફાયર સેફ્ટી સાધનો બધુ જ યોગ્ય અને ચાલુ સ્થિતિમાં હોવાનું જણાવી બે જ દિવસમાં તા.2-6- 2024ના રોજ ફાયર એનઓસી આપી દીધુ. જેને લઈ સમગ્ર પ્રકરણમાં હવે ગંભીર સવાલો ઉઠયા છે કે, જો હોસ્પિટલ સીલ હતી તો ફાયર સેફ્ટી ઓફિસરે કેવી રીતે ચેકીંગ કર્યું..? કેવી રીતે ફાયર સેફ્ટી સાધનો અને તમામ વ્યવસ્થાનું ઇન્સ્પેકશન કર્યું..? કેવી રીતે મોકડ્રીલ કર્યું...? 

કારણ કે, મોકડ્રીલમાં તો ફાયરના અને બહારના બધા માણસો જોઈએ..છતાં આ બધી પ્રક્રિયાઓ સીલ હોવા છતાં ક્યારે અને કેવી રીતે હાથ ધરાઈ તેને લઈને ગંભીર પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. એટલું જ નહી, ફાયર સેફ્ટી ઓફિસરે સ્થળ વીઝીટના, ઈન્સ્પેકશનની કામગીરી સહિતના ફોટા- વીડિયો પણ પોતાના મોબાઈલથી જ પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે તો હોસ્પિટલ સીલ હોવા છતાં કેવી રીતે આ બધુ શકય બન્યુ.…?? ખુદ અમ્યુકો વર્તુળમાં પણ આ કૌભાંડાન ઘેરા પ્રત્યાઘાત પડયા છે કારણ કે, હોસ્પિટલ સીલ હતી તો, હોસ્પિટલમાં પ્રવેશ જ કેવી રીતે કરી શકાય..? 

ફાયર એનઓસી રિન્યુની સત્તા સરકારે નીમેલા એફએસઓ પાસે

ફાયર સેફ્ટીની પીઆઈએલમાં હાઈકોર્ટના મહત્ત્વના નિર્દેશો બાદ ગયા વર્ષથી સરકાર દ્વારા ફાયર એનઓસી રિન્યુ કરવા માટે ખાસ ફાયર સેફ્ટી ઓફિસરો નીમ્યા હતા અને તેઓને આ માટેની વિશેષ સત્તા આપી છે. જો નવી ફાયર એનઓસી લેવાની હોય તો જ અમ્યુકો કે ફાયર વિભાગ ચિત્રમાં આવે છે. સરકાર દ્વારા ફાયર એનઓસી રિન્યુઅલ માટે આખા રાજયમાં આવા 255થી વધુ ફાયર સેફ્ટી ઓફિસર નીમાયેલા છે. જો કે, તે કોઇપણ સંજોગોમાં પૂરતા નથી કારણ કે, ફાયર એનઓસીના રિન્યુઅલ માટેની 90 ટકા અરજીઓ આવતી હોય અને નવી ફાયર એનઓસીની અરજીઓ માંડ દસ ટકા હોય છે, તેથી ફાયર એનઓસીના રિન્યુઅલમાં મનફાવે તેવા પૈસા લઈને બારોબાર એનઓસી રિન્યુ કરવાની વ્યાપક ગંભીર ફરિયાદો પણ ઉઠવા પામી છે.

ગુજરાતમાં એક પછી એક અગ્નિકાંડ વચ્ચે ફાયર NOC રિન્યુઅલનું ધુપ્પલ, ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો 2 - image


Google NewsGoogle News