દુર્ઘટનાની દિવાળી: ગુજરાતમાં 24 કલાકમાં આગ લાગવાની અનેક ઘટના, ફાયર વિભાગમાં દોડધામ
Fire on Diwali : આ વર્ષે ગુજરાતીઓએ મન મૂકીને ફટાકડા ફોડી ધામધૂમપૂર્વક દિવાળીના પર્વની ઉજવણી કરી છે. આ કારણસર શહેરમાં આગ લાગવાના અનેક બનાવ બન્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. જો કે સારી બાબત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી 4,885 ઇમરજન્સીના કોલ નોંધાયા છે.
અમદાવાદમાં દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાના 80થી વધુ બનાવો બનતાં ફાયર બ્રિગેડને ઉપરાછાપરી કામગીરી ચાલુ રાખવી પડી હતી. તેના લીધે દિવાળી દરમિયાન ફાયરબ્રિગેડે સતત દોડતા રહેવું પડ્યું હતું. મોટાભાગના આગના બનાવો ફટાકડાને કારણે લાગ્યા હોવાનું મનાય છે. જેમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગવાના બનાવનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ કચરાના કોલ મળ્યા હતા. અમદાવાદમાં 80, સુરતમાં 90, જ્યારે વડોદરામાં 21 આગના કોલ મળ્યા હતા.
ગુજરાતમાં દિવાળીના દિવસે આગ લાગવાના સૌથી વધારે 100 જેટલા બનાવો બન્યા હતા. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ મળતા રહ્યા હતા. દિવાળીને દિવસે લાગેલી આગના બનાવમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગી હતી. આગના બનાવોમાં ભારે નુકસાન થયું છે.
દિવાળીની રાત્રે આગની 80 ઘટના, કબાડીમાર્કેટની આગમાં 8 દુકાન ભસ્મીભૂત થઈ
દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં આગની કુલ 80 જેટલી નાની મોટી ઘટના બનવા પામી હતી. અમદાવાદના મિરઝાપુરમાં કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ લાગી હતી. જેને કાબુમાં લેવા માટે 12 ગજરાજ અને ફાયરના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. 8 જેટલી દુકાનો સદંતર બળીને રાખ થઈ ગઈ હતી.
અમરેલી-સાવરકુંડલામાં આગની ઘટના
અમરેલી-જાફરાબાદ ખારવાવાડ વિસ્તારમાં બંધ મકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેના લીધે દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંધ મકાનમાં કોઈ રહેતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
તો બીજી તરફ સાવરકુંડલામા ગત રાતના જૂના બસસ્ટેશન નજીક ભંગારના ડેલામાં આગ લાગી હતી. આગ લાગતાં ઘટના સ્થળે પીજીવીસીએલની ટીમ અને નગરપાલિકા ફાયર ફાઇટર પહોંચ્યું હતું. આગને ફાયર ફાઇટર દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી.
મિરઝાપુરમાં કબાડી માર્કેટ બળીને ખાક
દિવાળીની રાત્રે રાજ્યભરમાં ઠેર-ઠેર આગ લાગવાના બનાવો નોંધાયા છે. ત્યારે અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અડધું કબાડી માર્કેટ આગની ઝપેટમાં આવી ગયું હતું. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઑફિસર સહિત કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યા હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
સુરતમાં 90થી આગ લાગવાના બનાવો
સુરતના વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમને 90થી વધુ આગના કોલ મળ્યા હતા. આગના બનાવના લીધે અફરાતફરીનો મચી ગઈ હતી. આગની જુદી જુદી ઘટનાઓમાં કારખાના, ગોડાઉન, દુકાન સહિતના સ્થળોએ આગ લાગી હતી. કાપોદ્રા, સરથાણા અને પુણાગામ સહિતના ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના 90 જેટલા કોલના પગલે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગજનીની ઘટના નોંધાઈ હતી. 70 જેટલા ફાયર સ્ટાફની મદદથી તમામ સ્થળોએ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. જામનગર શહેરમાં સેકશન પર એક રહેણાંક મકાનના આગ લાગી હતી. સળગતો ફટાકડો પડવાના કારણે મકાનમાં આગ લાગ્યા પછી આગની જવાળાઓ દૂર સુધી દેખાઈ હતી, અને શરુ સેક્શન મેઇન રોડ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.