વિઘ્ન હર્તા દુંદાળા દેવને ભાવભીની વિદાય, અમદાવાદમાં ૩૦ હજારથી વધુ ગણેશમૂર્તિનું ભાવપૂર્વક વિસર્જન
ભદ્રેશ્વરથી ઈન્દિરાબ્રિજ સુધી ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા
અમદાવાદ,ગુરુવાર,28 સપ્ટેમબર,2023
અનંત ચતુર્દર્શીના દિવસે સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં
રહેતા ભાવિકોએ વિધ્નહર્તા દુંદાળા દેવને ભકિતભાવ સાથે ભાવભીની વિદાય આપી હતી.સર્વે
ભવન્તુ સુખિન, સર્વે
સન્તુ નિરામયાની મંગલ કામના સાથે શહેરના ૪૨ લોકેશન ઉપર મ્યુનિ.તંત્ર તરફથી
બનાવવામા આવેલા ગણેશમૂર્તિ વિસર્જન કુંડ ખાતે અંદાજે ૩૦ હજાર જેટલી ગણેશજીની
નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન રાત્રિના ૮ કલાક સુધીમા કરવામા આવ્યુ હતુ.આ આંક વધે
એવી સંભાવના મ્યુનિ.સૂત્રોએ વ્યકત કરી હતી.
ગણેશ ચતુર્થીના દિવસથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા
શહેરીજનોએ પોતાના રહેઠાણ,શેરી,મહોલ્લા ઉપરાંત
સોસાયટી કે એપાર્ટમેન્ટ સહિતના સ્થળોએ ભગવાન ગણેશજીની સ્થાપના કરી હતી.મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪૨ સ્પોટ ઉપર ૫૨ જેટલા ગણેશ મૂર્તિ માટેના વિસર્જનકુંડ તૈયાર કરાવ્યા હતા.ભાવિકોએ આસ્થાપૂર્વક કરેલી
ગણેશજીની આરાધના બાદ તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવતુ હોવાથી ૨૬ સપ્ટેમબર
સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી કુલ ૧૭૩૬૯ જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન
કરવામાં આવ્યુ હોવાનુ મ્યુનિ.ના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.ગુરુવારે
સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ભકતો ગણેશમૂર્તિનું વિસર્જન કરવા પહોંચ્યા
વિવિધ સ્પોટ ઉપર પહોંચ્યા હતા.ઈન્દિરા બ્રિજ ખાતે આવેલ છઠ ઘાટ ખાતે ગણેશમૂર્તિનું
વિસર્જન કરવા મોટી સંખ્યામા પહોંચતા ભદ્રેશ્વરથી ઈન્દિરાબ્રિજ સુધી ઘણા સમય સુધી
ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ સિવાય પણ શહેરના અન્ય વિસ્તારમાં
ગણેશમૂર્તિના વિસર્જન માટે ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
૫૨ ક્રેઈન વિસર્જનકુંડ ઉપર મૂર્તિ વિસર્જન માટે ઉપલબ્ધ
કરાવાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારે તમામ ગણેશ
મૂર્તિ વિસર્જનકુંડ ખાતે ૫૨ જેટલી ક્રેઈનની વ્યવસ્થા કરવામાં આવી હતી.મ્યુનિ.ના
ફાયર વિભાગના સ્ટાફ સાથે સોલિડ વેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા ભાવિકોની લાગણી દુભાય
નહીં એ પ્રમાણે વિસર્જન કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જનકુંડમાંથી બહાર
કાઢી હતી.
વિંઝોલના મકાનમાં દિવાની આગથી ઘરવખરી ખાખ
ગણેશ મૂર્તિના વિસર્જન અગાઉ હાથીજણ સર્કલ,વિંઝોલ ખાતે
આવેલા દેવકૃપા નામના બિલ્ડિંગમાં ૬ઠ્ઠા માળે
પ્રગટાવેલા દિવાના કારણે સાંજના ૭
કલાકના સુમારે આગ લાગતા ઘરની ધરવખરી ખાખ થઈ ગઈ હતી.જો કે આ ઘટનામાં કોઈને ઈજા કે
જાનહાની થઈ નહીં હોવાનું ફાયર કંટ્રોલસૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.