Get The App

હવે તો હદ થઇ.. નકલી સાબુ ફેક્ટરી ઝડપાઇ, વિવિધ બ્રાંડના 1800 નકલી સાબુ અમેઝોન પર વેચ્યા

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Fake Soap Factory Caught In Bhavnagar


Fake Soap Factory Caught In Bhavnagar: ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના 4 નમૂના લઈ ચકાસણી માટે મોકલી આશરે 60 હજારની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અત્યાર સુધીમાં એમેઝોન મારફત આશરે રૂપિયા 3.50 લાખના વિવિધ બ્રાંડના 1800 સાબુનું વેચાણ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર કોશિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોસ્મેટીકના કોઇપણ લાયસન્સ વગર ભ્રામક અને લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો પર તવાઈ બોલાવાય રહી છે. ગાંધીનગરના વાય.જી. દરજી. નાયબ કમિશનર (આઇ.બી.)ના મર્ગદર્શન હેઠળ ગાંધીનગર અને ભાવનગરની ડ્રગ ટીમ દ્વારા ભાવનગરના મ.કમિશનર એ. એ. રાદડિયાના માર્ગદર્શન હેઠળ શહેરની મેઘદૂત સોસાયટી, પ્લોટ નં.81, બીજા માળે રહેતા નિલોફરબેન સાદ્દીકભાઇ ખદરાણીના રહેણાંકના મકાનમાં વગર પરવાને જીજે/05/0034175 લાયસન્સ નંબર તેઓની રીતે છાપી, તેનો ઉપયોગ કરી વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડયા છે. 

આ પણ વાંચો : સરકારે ગુરૂ પૂર્ણિમાના દિવસે ગુજરાતના ગુરૂજનોને આપી ભેટ, બદલીના નિયમો જાહેર

1800 સાબુનું વેચાણ કર્યું હોવાનું પકડી પાડયું

જેમાં ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી કે, ઈન્ડક્શન ગેસ, તપેલા, ચમચા, રો-મટીરિયલ, વિવિધ ફ્લેવર્સ, વિવિધ મોલ્ડ ફ્લેવર્સ, ફ્રીઝ, આયુર્વેદિક મીક્ષ પાવડર્સ, 120 કિગ્રા રો-મટીરિયલ, પ્રબલ બ્રાન્ડનો બ્રાસનો સિક્કો અને જુદા-જુદા ગ્રહોના ફોટાવાળા પ્રિન્ટેડ કાર્ટન વગેરે વસ્તુઓ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ આશરે રૂપિયા 3.50 લાખના વિવિધ બ્રાંડના આશરે 1800 સાબુનું વેચાણ કર્યું હોવાનું પકડી પાડયું છે. 

ઓનલાઈન વેચાણ કર્યાનો ઘટસ્ફોટ

મે.સૂર્યતનાયા ઈનોવેશન એલ.એલ.પી., પ્લોટ નં. 1210, એબીસી, સ્વસ્તિક સોસાયટી, ભાવનગર ખાતે તપાસ કરતાં તેઓ આ સાબુની બનાવટ તેઓની પોતાની વેબસાઈટ અને ઓનલાઇન એમેઝોન પર વેચાણ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. તેમણે ઉમેર્યું કે, આ પેઢી દ્વારા દિલીપભાઇ અમૃતલાલ મહેતાની દવાની એજન્સી મે. એપેક્ષ ફાર્મા એજન્સી-ભાવનગર ખાતેથી તમામ સાબુનું વેચાણ તેમજ ડિલીવરી કરવામાં આવતી હતી. તંત્ર દ્વારા અહીંથી કુલ 4 નમૂના લઈ પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મોટું ફેરબદલ, વેરા વિભાગમાં IAS આરતી કંવર અને પી. ભારતીને અપાઈ નિમણૂક

વધુ તપાસ હાથ ધરાઈ

એજન્સીમાંથી કાયદેસરની કાર્યવાહી અર્થે રૂા.20 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. તેઓની વધુ તપાસ કરતાં તેઓ દોઢ માસથી કોસ્મેટીકનું વેચાણ કર્યું હોવાનું જણાયું છે. તેમજ તેઓ રો-મટીરિયલ કયાંથી અને કેવી રીતે લાવતા હતા અને તેઓ આ કોસ્મેટીકનું વેચાણ કયાં કયાં, કેવી રીતે અને કોને કોને વેચાણ કરતા હતા તેની આગળની તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.

હવે તો હદ થઇ.. નકલી સાબુ ફેક્ટરી ઝડપાઇ, વિવિધ બ્રાંડના 1800 નકલી સાબુ અમેઝોન પર વેચ્યા 2 - image


Google NewsGoogle News