ડ્રાયફ્રૂટ કરતાં પણ ફાફડા-જલેબી મોંઘા! આજે એક જલેબીનો ભાવ 60 રૂપિયા, કિલોના 1400 રુપિયા
અમદાવાદમાંથી જ આજે 7થી 10 લાખ કિલો જેટલા ફાફડા-જલેબીનું વેચાણ થઇ શકે
Fafda-Jalebi price : કોઇ એક નિશ્ચિત કરાયેલા દિવસે કોઇ એક પ્રકારની વાનગી સૌથી વધારે લોકો દ્વારા ઝાપટવામાં આવી હોય તે પ્રકારનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવે તો તેમાં ફાફડા-જલેબીનો ચોક્કસ મોખરાના સ્થાને રહે છે. આજે કાજુ-બદામ કરતાં પણ ફાફડા-જલેબીની કિંમત આસમાને પહોંચી હોવા છતાં તેની ખરીદી માટે ગઈકાલ રાતથી જ તડાકો જોવા મળ્યો હતો.
1 હજારથી વધુ દુકાન-સ્ટોલમાં વેચાણ થશે
અમદાવાદમાં ફાફડા-જલેબીનું વેચાણ 800થી 1 હજાર જેટલી દુકાન- સ્ટોલમાંથી કરવામાં આવશે. અનેક દુકાનમાં પ્રતિ કિલોગ્રામે ફાફડાની કિંમત રૂપિયા 900 અને શુદ્ધ ઘીમાં જલેબીની કિંમત રૂપિયા 1400ને પાર ગઇ છે. મીઠાઇની જાણીતી દુકાનમાં એક જલેબી ખરીદવા માટે રૂપિયા 60 ખર્ચવા પડે તેવી સ્થિતિ છે. આજે મોટાભાગની સોસાયટીમાં ફાફડા જલેબીનું મેનુ ફિક્સ કરી દેવાયું છે. કેટલાક લોકોએ ટાઇમ સ્લોટ પ્રમાણે ફાફડા જલેબીના ઓર્ડર આપી દીધા છે. અનેક સોસાયટી કે જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકત્ર થતાં હોય તેમણે નાસ્તાના કાઉન્ટર ભાડે આપીને કમાણી કરી લીધી છે.
અમદાવાદમાંથી આજે 7થી 10 લાખ કિલો જેટલા ફાફ્ડા-જલેબીનું વેચાણ થઈ શકે
આજે બે કલાક લાઇનમાં ઉભા રહીને ફાફડા-જલેબીની ખરીદી કરનારાના ચહેરા પર ચક્રવ્યૂહના સાત કોઠા ભેદીને આવ્યા હોય તેવો સંતોષ જોવા મળશે. કાચા પપૈયાનું છીણ અને મરચાં વિના ફાફડા-જલેબીની જ્યાફત અધૂરી લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી કાચા પપૈયા- મરચાનો ઉપાડ વધ્યો છે. જેના પગલે મરચાના ભાવ આસમાને ગયા છે. પપૈયાની કિંમત સામાન્ય દિવસોમા રૂપિયા 50 હોય છે અને તે હાલમાં બમણા ભાવે વેચાઇ રહ્યું છે. વેપારીઓના મતે અમદાવાદમાંથી જ આજે 7થી 10 લાખ કિલો જેટલા ફાફડા-જલેબીનું વેચાણ થઇ શકે છે.